RODTEP લાભમાં 50% કાપથી નિકાસકારોને ઝટકો: રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશમાં ઉહાપોહ

RODTEP લાભમાં 50% કાપથી નિકાસકારોને ઝટકો: રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશમાં ઉહાપોહ

કેન્દ્ર સરકારે નિકાસ પ્રોત્સાહન માટે સાત મહત્વપૂર્ણ પગલાં જાહેર કર્યા બાદ માત્ર બે જ દિવસમાં મોટો ઝટકો આપતા Remission of Duties and Taxes on Exported Products (RODTEP) યોજનામાં મળતા નાણાકીય લાભમાં 50 ટકા કાપ મૂકી દીધો છે. આ નિર્ણયથી રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના નિકાસકારોમાં ભારે ઉહાપોહ અને અનિશ્ચિતતા ફેલાઈ છે.

RODTEP યોજના હેઠળ નિકાસકારોને વિદેશી ડ્યુટી, ટેક્સ અને વિવિધ ચાર્જ સામે વળતર સહાય આપવામાં આવતી હતી. પ્રોડક્ટ પ્રમાણે સહાય દર અલગ-અલગ હોવા છતાં સરેરાશ આશરે 0.8 ટકા સુધીનો લાભ મળતો હતો. અર્થાત, જો કોઈ નિકાસકાર 100 કરોડ રૂપિયાની નિકાસ કરે તો તેને લગભગ 80 લાખ રૂપિયાનું પ્રોત્સાહન મળતું હતું. હવે આ દરમાં 50 ટકા ઘટાડો થતાં એ જ નિકાસ પર માત્ર 40 લાખ રૂપિયા જેટલો લાભ મળશે.

Directorate General of Foreign Trade (DGFT) દ્વારા પરિપત્ર બહાર પાડી આ ઘટાડો તાત્કાલિક અમલમાં મૂકાયો છે. નિષ્ણાંતોના મત મુજબ આ પગલું ભારતની નિકાસને વૈશ્વિક બજારમાં મોંઘી બનાવી શકે છે, જેના કારણે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે.

છેલ્લા 6થી 8 મહિનામાં અમેરિકાના ટેરિફ વોર અને વૈશ્વિક બજારમાં મંદી જેવી પરિસ્થિતિઓને કારણે ભારતની નિકાસ પહેલેથી જ પ્રભાવિત થઈ રહી હતી. આવી સ્થિતિમાં નિકાસકારો સરકાર પાસે વધારાના પ્રોત્સાહનની માંગ કરી રહ્યા હતા. સરકારે તાજેતરમાં સાત પ્રોત્સાહક પગલાં જાહેર કરીને આશા જગાવી હતી, પરંતુ RODTEPમાં આકરા કાપથી તે આશા પર પાણી ફરી વળ્યું છે.

રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં એન્જિનિયરિંગ, મશીન ટૂલ્સ, સિરામીક અને કૃષિ આધારિત ઉત્પાદનોની નિકાસ મોટી સંખ્યામાં થાય છે. ખાસ કરીને સીંગદાણા, સીંગતેલ, જીરુ, મસાલા, કપાસ, ખાદ્યતેલ અને તેલીબીયા જેવા ઉત્પાદનોને આ કાપથી સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, સીંગદાણાની નિકાસ પર અગાઉ 0.9 ટકા પ્રોત્સાહન મળતું હતું, જે હવે 0.45 ટકા રહેશે. સીંગતેલ પર 0.60 ટકાનો લાભ હવે માત્ર 0.30 ટકા રહેશે.

સૌરાષ્ટ્રની સિરામીક અને મશીન ટૂલ્સ ઉદ્યોગ માટે આ નિર્ણય ખાસ કરીને ચિંતાજનક ગણાય છે. કારણ કે આ ઉદ્યોગો વિદેશી બજારમાં ભાવ સ્પર્ધા પર આધારિત છે. પ્રોત્સાહન ઘટતા ઉત્પાદન ખર્ચ અને નફામાં સીધી અસર પડશે. ઘણા નિકાસકારો માટે ઓર્ડર જાળવી રાખવા મુશ્કેલ બની શકે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે 2021 પહેલાં મર્ચન્ડાઇઝ એક્સપોર્ટ્સ માટે અલગ પ્રોત્સાહન યોજના અમલમાં હતી, પરંતુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના નિયમોને ધ્યાનમાં રાખીને RODTEP યોજના અમલમાં આવી હતી. હવે તેમાં પણ અડધો કાપ મુકાતા નિકાસકારોની મુશ્કેલીઓ વધી શકે છે. પહેલેથી નિકાસ થઈ ગયેલા માલ માટે શું નિયમ લાગુ પડશે તે મુદ્દે પણ સ્પષ્ટતા જરૂરી છે.

આર્થિક દૃષ્ટિએ જોવામાં આવે તો ગત નાણાકીય વર્ષમાં આ યોજના માટે કેન્દ્રીય બજેટમાં રૂ.18,700 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તાજેતરના બજેટમાં તે ઘટાડીને માત્ર રૂ.10,000 કરોડ કરી દેવામાં આવી છે. બજેટ ફાળવણીમાં ઘટાડો થતા જ પ્રોત્સાહનમાં કાપ મૂકવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણકારો માને છે.

નિકાસકારોના મતે, ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પ્રોત્સાહનમાં ઘટાડો કરવાથી નિકાસ વૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આ ફટકો વધુ ગંભીર બની શકે છે.

આમ, RODTEP યોજનામાં 50 ટકા કાપ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના નિકાસકારોમાં ભારે ચિંતા ફેલાઈ છે. આગામી દિવસોમાં આ નિર્ણયના વ્યાપક આર્થિક પ્રભાવ જોવા મળી શકે છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો