દશામાં મૂર્તિની વિસર્જન યાત્રામાં છેડતી કરનાર યુવકને કિન્નરે મેથીપાક ચખાડ્યો

દશામાં મૂર્તિની વિસર્જન યાત્રામાં છેડતી કરનાર યુવકને કિન્નરે મેથીપાક ચખાડ્યો

સુરત,

સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ મૂર્તિ વિસર્જનની યાત્રા દરમિયાન 

ડીજેના તાલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નાચી રહ્યા હતા, ત્યારે આ આનંદના માહોલમાં એક યુવક દ્વારા કરવામાં આવેલી છેડતીની હરકતે મામલો બિચકાવ્યો હતો. મૂર્તિ વિસર્જન માટે નીકળેલા સરઘસમાં વાતાવરણ ભક્તિમય હતું. આ દરમિયાન એક યુવકે ત્યાં હાજર એક કિન્નર સાથે અસભ્ય વર્તન કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની સાથે થયેલી આ ગેરવર્તણૂકને કારણે કિન્નર એકદમ આકરા પાણીએ આવી ગયા હતા. તેમણે જરા પણ ડર્યા વિના છેડતી કરનાર યુવકને પકડી લીધો હતો.

ડીજેના તાલે નાચતી વખતે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ

જાહેરમાં પોતાની છેડતી થતા રોષે ભરાયેલા કિન્નરે યુવકના વાળ પકડીને તેને જાહેરમાં જ બે-ત્રણ જોરદાર લાફા ઝીંકી દીધા હતા. આ અચાનક બનેલી ઘટનાને લીધે ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. કિન્નર દ્વારા યુવકની ધોલાઈનો આ વીડિયો ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ વિસર્જન યાત્રામાં થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક તરફ ભક્તિનું વાતાવરણ હતું, તો બીજી તરફ રસ્તા વચ્ચે બનેલી આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. જોકે, આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.