રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જીવનનો અંત: સુસાઇડ નોટ અને વીડિયો છોડી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી Feb 07, 2026 રાજકોટમાં વ્યાજખોરીનો કહેર યથાવતરાજકોટ શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો માનસિક રીતે તૂટી રહ્યા હોવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અમિતભાઈ અરવિંદભાઈ તન્ના (ઉમર 40)એ વ્યાજખોરોના સતત ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સુસાઇડ નોટ અને વીડિયો મળી આવ્યોઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં અમિતભાઈએ સ્પષ્ટ રીતે વ્યાજખોર જયદીપ દિનેશભાઈ મૈયડ અને પ્રવિણભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત તેમના મોબાઈલમાંથી એક વીડિયો પણ મળ્યો હતો, જેમાં તેઓ મેલડી માતાજીના મંદિરમાં બેસી ભાવુક અવાજમાં કહેતા જોવા મળે છે કે, “હું ભૂત બનીને સાત વર્ષનો હિસાબ લઈશ.” આ વીડિયો અને સુસાઇડ નોટ પોલીસ માટે મહત્વપૂર્ણ પુરાવા બન્યા છે. એક લાખની લોનથી શરૂ થયેલી મુશ્કેલીસુસાઇડ નોટમાં અમિતભાઈએ લખ્યું છે કે વર્ષ 2018માં તેમણે જયદીપના ઓળખીતા પ્રવિણભાઈ ઉર્ફે મામા પાસેથી એક લાખ રૂપિયા રોકડા અને 50 હજાર રૂપિયા મંડળીમાંથી લોન તરીકે લીધા હતા. આ રકમ પર દર મહિને એક લાખના 12 હજાર રૂપિયાનો હપ્તો અને મંડળી માટે 2500 રૂપિયાનું ચુકવણી કરવી પડતી હતી. શરૂઆતના ચાર મહિના સુધી તેમણે નિયમિત હપ્તા ચૂકવ્યા હતા. પિતાની બીમારી અને આર્થિક સંકટઆર્થિક સ્થિતિ ત્યારે બગડી જ્યારે વર્ષ 2018માં અમિતભાઈના પિતાને કેન્સર થયો. સારવારના ભારે ખર્ચ બાદ એક વર્ષમાં પિતાનું અવસાન થતાં ઘરખર્ચ અને જવાબદારીઓ વધી ગઈ. આ સ્થિતિમાં અમિતભાઈને અન્ય લોકો પાસેથી પણ ઉછીના રૂપિયા લેવા પડ્યા, જેના કારણે વ્યાજની ચુકવણી સમયસર થઈ શકી નહોતી. લોકડાઉન બાદ પરિસ્થિતિ વધુ બગડીવર્ષ 2020ના લોકડાઉન દરમિયાન રિક્ષા ધંધો સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. આવક ન હોવાના કારણે અમિતભાઈ વ્યાજની રકમ ચૂકવવામાં અસમર્થ બન્યા. ત્યારબાદ વ્યાજખોરોએ મૂળ રકમ ઉપરાંત 10 ટકા વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું. અંતે તેમની રિક્ષા પણ લઈ લેવામાં આવી અને સિક્યુરિટી તરીકે આપેલો ચેક બેંકમાં રજૂ કરતાં રિટર્ન થતાં કોર્ટ કેસની કાર્યવાહી શરૂ થઈ. “હું મરી જાઉ તો મને ન્યાય અપાવજો”સુસાઇડ નોટમાં અમિતભાઈએ લખ્યું છે કે, “મેં લીધેલા પૈસા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છે, છતાં વધુ પૈસાની માંગ કરવામાં આવે છે.” તેમણે કાયદા, પ્રશાસન અને પોલીસ સમક્ષ સવાલ ઉઠાવ્યો છે કે શું ચેક આપનાર વ્યક્તિ હંમેશા ખોટો જ હોય? અંતમાં તેમણે લખ્યું છે કે, “હું મરી જાઉ તો મને ન્યાય અપાવજો, બસ એ જ મારી છેલ્લી ઈચ્છા છે.” પત્નીના ગંભીર આક્ષેપમૃતકની પત્ની રૂપાબેન તન્નાએ જણાવ્યું હતું કે તેમના પતિને વ્યાજખોર જયદીપ મૈયડ સતત ધમકીઓ આપતો હતો. કોર્ટમાં 30 હજાર રૂપિયા ચૂકવવાની વાત થઈ હતી, પરંતુ પતિની એન્જિયોગ્રાફીની સારવારને કારણે રૂપિયા ન હોતા 15 હજાર આપવાની વાત કરી હતી, જેને સ્વીકારવામાં આવી નહોતી. દર મહિને પૈસાની માંગ અને ધમકીઓથી પતિ માનસિક રીતે તૂટી ગયા હતા. પોલીસ કાર્યવાહી શરૂભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટ, વીડિયો અને પરિવારના નિવેદનના આધારે વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ગેરકાયદે વ્યાજખોરી સામે કડક પગલાં લેવાની જરૂરિયાતને ઉજાગર કરી છે. Previous Post Next Post