રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો: સંજય પીપળીયા પ્રમુખ, સામત બાંભવા ઉપપ્રમુખ અને નરશીભાઈ સોજીત્રા કારોબારી ચેરમેન તરીકે નિમણુંક

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો: સંજય પીપળીયા પ્રમુખ, સામત બાંભવા ઉપપ્રમુખ અને નરશીભાઈ સોજીત્રા કારોબારી ચેરમેન તરીકે નિમણુંક

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોમાંથી 34 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જંગી જીત બાદ આજે પ્રદેશ ભાજપ દ્વારા નવા હોદેદારોની સત્તાવાર નિમણુંક કરવામાં આવી છે. આ નવી નિમણુંકોમાં સંજય પીપળીયાને જિલ્લા પંચાયતના 29માં પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમના સાથે સામત બાંભવાને ઉપપ્રમુખ અને નરશીભાઈ સોજીત્રાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે પારૂલબેન કણસાગરા અને દંડક તરીકે અમરશીભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે.

સંજય પીપળીયા લાંબા સમયથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહ્યા છે. તેઓ છેલ્લા 15 વર્ષથી કુવાડવા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે અને લગભગ 20 વર્ષથી ભાજપના કાર્યકર તરીકે સંગઠન સાથે જોડાયેલા છે. ધોરણ 10 સુધી અભ્યાસ ધરાવતા પીપળીયાની પસંદગી ભાજપ માટે ગ્રાસરૂટ લેવલના નેતૃત્વને પ્રોત્સાહન આપવાનો સંકેત માનવામાં આવી રહી છે. તેમની જીત અને પ્રમુખ પદ સુધીનો ઉછાળો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા સામત બાંભવા કોલીથડ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમને કુલ 11,619 મત મળ્યા હતા અને 8,779 મતે તેઓએ વિજય હાંસલ કર્યો હતો. તેમની મજબૂત જીતને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેઓ હવે જિલ્લા પંચાયતના વિકાસ કાર્યોમાં પ્રમુખને સહકાર આપશે અને ગ્રામ્ય સ્તરે યોજનાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

કારોબારી સમિતિના નવા ચેરમેન નરશીભાઈ સોજીત્રા પણ લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા કાર્યકર છે. તેઓને નીતિગત નિર્ણયો અને વિકાસ યોજનાઓના અમલ માટે મુખ્ય જવાબદારી આપવામાં આવી છે. રોડ, પાણી, ગટર, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર તેઓ વિશેષ ધ્યાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 


રાજકોટ જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. 36માંથી 34 બેઠકો પર જીત મેળવીને પાર્ટીએ જિલ્લાની રાજકીય સમીકરણોમાં પોતાનું મજબૂત પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. આ જીત બાદ નવી ટીમની રચના કરવામાં આવી છે, જે આગામી અઢી વર્ષ માટે જિલ્લાની વિકાસ દિશા નક્કી કરશે.

નવનિયુક્ત પ્રમુખ સંજય પીપળીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ પાર્ટીના તમામ આગેવાનોનો આભાર માને છે અને આપવામાં આવેલી જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવશે. તેમણે જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો તેમની પ્રાથમિકતા રહેશે. ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, રોડ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

ઉપપ્રમુખ સામત બાંભવા અને કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રાએ પણ જણાવ્યું કે તેઓ ટીમ વર્ક દ્વારા જિલ્લાને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટે કાર્ય કરશે. ગ્રામ્ય વિસ્તારોમાં સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા અને લોકકલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે.

આ રીતે રાજકોટ જિલ્લા પંચાયતની નવી ટીમે કાર્યભાર સંભાળી લીધો છે અને આગામી દિવસોમાં વિકાસ કાર્યોને ગતિ આપવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.