બુલડોઝર ગુંજ્યા, બાળકીઓ રડી પડી: જંગલેશ્વરમાં ડિમોલિશનના અંતિમ દિવસે માનવીય દૃશ્યો Feb 24, 2026 રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા હાથ ધરાયેલું મેગા ડિમોલિશન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બે દિવસથી સતત ચાલતી આ કાર્યવાહી દરમિયાન બુલડોઝર અને હિટાચી મશીનોના ગડગડાટ વચ્ચે અનેક પરિવારોના આશિયાના ધરાશાયી થયા. સત્તાવાર આંકડા મુજબ કુલ 1489 મિલકતો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાંથી 1119 મિલકતો પ્રથમ દિવસે તોડી પાડવામાં આવી હતી, જ્યારે બાકી રહેલી લગભગ 300 પ્રોપર્ટી બીજા દિવસે બપોર સુધી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીના જણાવ્યા અનુસાર, કુલ 87,000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આજી નદીના પટ્ટામાં વર્ષોથી ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર થતાં હવે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમી રીતે હલ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ડિમોલિશન પૂર્ણ થયા બાદ તાત્કાલિક નવો રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવશે.જંગલેશ્વર વિસ્તારમાં કેટલાક મકાનો ત્રણથી ચાર માળના અને લોડબેરિંગ હોવાથી સામાન્ય જેસીબીથી તોડી શકાતા ન હતા. તેથી હિટાચી મશીનો મંગાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી. અનેક સ્થળોએ એસી સહિતની સુવિધાવાળા લક્ઝુરિયસ બંગલા પણ તોડી પાડવામાં આવ્યા. ત્રણ માળનું એક કારખાનું તોડવામાં હિટાચી મશીનને પણ ભારે મહેનત કરવી પડી હતી.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ચાર ડીસીપી, 17 એસીપી, 35 પીઆઈ, 140 પીએસઆઈ અને આશરે 1000 પોલીસ જવાનો ખડેપગે તહેનાત રહ્યા હતા. એસઆરપી, એસએએફની 11 ટીમો, ત્રણ ક્યુઆરટી અને 22 પ્રિઝન યુનિટ પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. કોર્પોરેશનના 2250 કર્મચારીઓ અને પીજીવીસીએલના 240 કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા. ત્રણ ડ્રોન ટીમોની મદદથી સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવી હતી. સંભવિત પથ્થરમારો અથવા વિરોધની આશંકાને ધ્યાનમાં રાખી પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન માનવીય દૃશ્યો પણ નજરે પડ્યા. શેરી નંબર 24માં એક મોટિ બહેન પોતાની નાની બહેનને ખોળામાં લઈને તૂટેલા ઘરના બહાર બેસી રડી રહી હતી. વર્ષોથી અહીં વસવાટ કરતા લોકો માટે આ દિવસ અત્યંત વ્યથિત કરનાર રહ્યો. મહિલાઓના આંસુઓ અને બાળકોના ભયભીત ચહેરાઓએ સમગ્ર વાતાવરણ ભાવુક બનાવી દીધું.આ દરમિયાન પડોશી ધર્મનું ઉત્તમ ઉદાહરણ પણ સામે આવ્યું. સરીતાબેન પીપરવાડીયા નામની વૃદ્ધા, જેઓ બે દીકરાઓ સાથે અહીં રહેતા હતા, તેમનું ઘર સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું. તેમના એક દીકરા માનસિક અશક્ત છે અને બીજો શારીરિક રીતે અશક્ત છે. સરીતાબેન પોતે પણ ચાલી શકતા નથી. આવા સંજોગોમાં પડોશી સકીનાબેન લિંગરીયાએ તેમને આશરો આપ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ સરીતાબેન અને તેમના પરિવારને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી રહ્યા છે. સકીનાબેને જણાવ્યું કે જ્યાં સુધી તેમને કાયમી રહેઠાણ નહીં મળે ત્યાં સુધી મદદ ચાલુ રાખશે.કેટલાક શ્રમિક પરિવારો શાપર-વેરાવળ, મેટોડા અને હડાળા તરફ સ્થળાંતર કરી રહ્યા છે. મોટા ઉદ્યોગોમાં કામ મળતું હોવાથી તેઓએ રહેવાની સુવિધાને આધારે નવા સ્થળ પસંદ કર્યા છે. કેટલાક પરપ્રાંતીય શ્રમિકોને સ્થાનિક કારખાનેદારોએ હંગામી આશરો પણ આપ્યો છે.કાર્ય દરમિયાન બે વ્યક્તિને ઈજાઓ પણ થઈ હતી અને એક સમયે કાટમાળ ધરાશાયી થતાં કોર્પોરેશનનો કર્મચારી માંડ બચ્યો હતો. છતાં, સમગ્ર ઓપરેશન મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતું નજરે પડે છે.જંગલેશ્વરમાં બુલડોઝરનો ગડગડાટ ભલે વિકાસ અને દબાણમુક્તિનો સંદેશ આપે છે, પરંતુ તૂટતા આશિયાનાં અને રડતા બાળકોના દૃશ્યો આ કાર્યવાહીનું માનવીય પાસું પણ ઉજાગર કરે છે. હવે નજર એ પર છે કે તંત્ર તાત્કાલિક પુનર્વસન અને વિકાસ કાર્યો કેટલી ઝડપથી અમલમાં મૂકે છે. Previous Post Next Post