ઉત્તરાયણ સાથે રાજકોટમાં ક્રિકેટ મહોત્સવ: કાલે ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે, રોહિત-કોહલીનું આકર્ષણ, નિરંજન શાહ સ્ટેડિયમ બનશે ક્રેઝનું કેન્દ્ર

ઉત્તરાયણ સાથે રાજકોટમાં ક્રિકેટ મહોત્સવ: કાલે ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે, રોહિત-કોહલીનું આકર્ષણ, નિરંજન શાહ સ્ટેડિયમ બનશે ક્રેઝનું કેન્દ્ર

રાજકોટમાં આવતીકાલે ઉત્તરાયણના પાવન પર્વે પતંગ પર્વ અને ક્રિકેટ જંગની ડબલ ધમાલ જોવા મળવાની છે. એક તરફ આકાશ રંગબેરંગી પતંગોથી છલકાશે તો બીજી તરફ નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે મેચને લઈ સમગ્ર શહેર ક્રિકેટમય બની ગયું છે. મકર સંક્રાંતિના દિવસે આ અનોખા સંયોગે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહની લહેર ફરી વળી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે શ્રેણીનો બીજો મુકાબલો આવતીકાલે રાજકોટમાં રમાવાનો છે. વડોદરામાં રમાયેલા પ્રથમ વન-ડેમાં ભારતે જીત મેળવી હોવાથી રાજકોટનો મેચ જીતે તો શ્રેણી પર કબ્જો મેળવી શકે છે. આ કારણે ક્રિકેટરસિયાઓમાં ઉત્સાહ દોઢગણો થયો છે. ખાસ કરીને ઉત્તરાયણના દિવસે ક્રિકેટ જંગ હોવાથી પતંગ પ્રેમીઓ અને ક્રિકેટ ચાહકો બંને માટે આ દિવસ યાદગાર બની રહે તેવી શક્યતા છે.

નિરંજન શાહ સ્ટેડિયમના ઈતિહાસ પર નજર કરીએ તો મહત્વની બાબત એ છે કે વર્ષ 2020 પછી ભારતે આ મેદાન પર એકપણ વન-ડે જીત્યું નથી. અત્યાર સુધી અહીં રમાયેલા ચાર વન-ડે મેચમાં ભારતને ત્રણમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ આંકડાઓ ભારત માટે પડકારરૂપ છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડની ટીમ આ મેદાન પર પ્રથમ વખત વન-ડે રમશે, એટલે કિવીઝ માટે પણ આ અનુભવ નવીન રહેશે.

મેચ પૂર્વે બન્ને ટીમોના ખેલાડીઓ ખાસ વિમાન દ્વારા રાજકોટ પહોંચી ગયા છે. શહેરના એરપોર્ટ પર તેમજ હોટલ પર ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ ટોટલ સયાજી હોટલમાં જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ હોટલ ફોર્ચ્યુનમાં રોકાઈ છે. ટીમોના આગમન સમયે પ્રશંસકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને પૂર્વ કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલીને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આકર્ષણ હંમેશા જેવું જ જબરદસ્ત રહ્યું છે. ચાહકોને આશા છે કે ઉત્તરાયણના દિવસે બન્ને ખેલાડીઓ પોતાના બેટથી વિશેષ રંગ જમાવશે અને ભારતને જીત તરફ દોરી જશે. સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટરસિયાઓ રાજકોટ પહોંચવાની તૈયારીમાં છે અને સ્ટેડિયમમાં સંપૂર્ણ ભરાવ જોવા મળશે તેવી શક્યતા છે.

મેચની તૈયારીના ભાગરૂપે આજે ન્યુઝીલેન્ડની ટીમ બપોરે ત્રણ કલાક માટે નેટ પ્રેક્ટીસ કરશે. કિવીઝ ખેલાડીઓ મેદાન અને પરિસ્થિતિ સાથે પરિચિત થવા માટે ભારે પરસેવો પાડશે. ભારતીય ટીમને નેટ પ્રેક્ટીસ માટે સાંજનો સમય ફાળવવામાં આવ્યો છે. સાંજે પાંચથી આઠ વાગ્યા દરમિયાન ભારતીય ખેલાડીઓ ફ્લડ લાઇટ હેઠળ અભ્યાસ કરશે. શિયાળાની સિઝનમાં વહેલું અંધારું થતું હોવાથી ડે-નાઇટ મેચ માટે આ પ્રેક્ટીસ ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પતંગ પર્વ હોવા છતાં ક્રિકેટ પર્વનો ક્રેઝ અદભુત જોવા મળી રહ્યો છે. ઘણા ક્રિકેટપ્રેમીઓ પતંગ છોડીને સ્ટેડિયમમાં મેચ જોવા માટે આતુર છે. શહેરમાં મેચને ધ્યાને રાખીને હોટલથી સ્ટેડિયમ સુધીના માર્ગ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલો, એરપોર્ટ અને સ્ટેડિયમ આસપાસ વિશેષ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારુ રાખવા માટે પોલીસ અને ટ્રાફિક જવાનોનો લોખંડી જાપ્તો રહેશે.

આ રીતે ઉત્તરાયણના દિવસે રાજકોટમાં પતંગ અને ક્રિકેટની સાથે મળીને સાચી અર્થમાં ડબલ ધમાલ સર્જાવાની છે. રંગબેરંગી પતંગો અને ક્રિકેટના ચોગ્ગા-છગ્ગાઓ વચ્ચે રાજકોટનો આ દિવસ સૌરાષ્ટ્ર માટે યાદગાર બની રહે તેવી પૂરી શક્યતા છે.

You may also like

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરાયણની ધૂમ, આબાલવૃદ્ધે પતંગ ચગાવી માણ્યો ઉત્સવ, ગૌપૂજન–દાનથી પુણ્ય અર્જન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરાયણની ધૂમ, આબાલવૃદ્ધે પતંગ ચગાવી માણ્યો ઉત્સવ, ગૌપૂજન–દાનથી પુણ્ય અર્જન

IND vs NZ: રાજકોટ વનડેમાં ભારતને 7 વિકેટથી હાર, મિચેલની સદી અને યંગની ઇનિંગથી સીરિઝ 1-1 બરાબર

IND vs NZ: રાજકોટ વનડેમાં ભારતને 7 વિકેટથી હાર, મિચેલની સદી અને યંગની ઇનિંગથી સીરિઝ 1-1 બરાબર

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ