અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક શ્વાન મુક્તિધામ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનસભર અંતિમ વિદાય Feb 09, 2026 અમદાવાદ શહેરમાં જીવસેવા અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં પેટ ડોગ્સને સન્માનસભર અને વૈજ્ઞાનિક રીતે અંતિમ વિદાય આપવામાં આવશે. આ સુવિધા ખાસ કરીને પોતાના પાળેલા શ્વાનને પરિવારના સભ્ય સમાન માનતા પેટ ડોગ માલિકો માટે એક ભાવનાત્મક રાહતરૂપ સાબિત થશે. અમદાવાદમાં જીવસેવાની અનોખી પહેલઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNC-D વિભાગ દ્વારા શરૂ કરાયેલું આ શ્વાન મુક્તિધામ સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશન સંચાલિત પહેલું અને સમગ્ર ભારતમાં શહેરી વિસ્તારમાં આવું પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ ગણાય છે. ભારત સરકારના ABC Rules–2023 અને NAPRE–2030 અંતર્ગત રખડતા તેમજ પાળેલા શ્વાનોની સંભાળ, સારવાર અને કલ્યાણ માટે કરવામાં આવતા પ્રયાસોની આ મહત્વપૂર્ણ કડી છે. CNG આધારિત આધુનિક ડોગ ક્રિમેટોરિયમજમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ પર, સુએઝ પંપિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે રૂ. 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત કરવામાં આવ્યું છે. આ મશીન સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે અને તેમાં સ્મોક, દુર્ગંધ કે પ્રદૂષણ બહાર આવતું નથી. એક સમયે ત્રણ શ્વાનના અંતિમ સંસ્કારની ક્ષમતાઆ આધુનિક ગેસ ફાયર્ડ ડોગ ક્રિમેટર એક સાથે ત્રણ શ્વાનના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા સંપૂર્ણ રીતે નિયંત્રિત અને સુરક્ષિત રહે છે. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી શકે છે અને સામાન્ય રીતે 800થી 900 ડિગ્રી તાપમાને દહન થાય છે. પર્યાવરણ અને આરોગ્યની દૃષ્ટિએ મહત્વમૃત શ્વાનને જમીનમાં દફનાવવાથી જમીન પ્રદૂષિત થવાની અને રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. ખાસ કરીને કેનાઇન ડિસ્ટેમ્પર અને હડકવા જેવા વાયરસના જોખમને ધ્યાનમાં રાખી ક્રિમેશન પદ્ધતિ વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા વાયરસનો સંપૂર્ણ નાશ થતો હોવાથી અન્ય પ્રાણીઓમાં સંક્રમણ ફેલાવાનો ખતરો ટળે છે. માનવીય સંવેદનાથી તૈયાર કરાયેલી સુવિધાઓહ્યુમન ક્રિમેટોરિયમની જેમ અહીં પણ ભાવનાત્મક સંવેદનાને ધ્યાનમાં રાખી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પેટ ડોગ માલિકો માટે બેઠક વ્યવસ્થા, અંતિમવિધિ દરમિયાન હાજરી રાખવાની છૂટ અને સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે. CCTV દ્વારા અંતિમવિધિ જોવાની વ્યવસ્થાઆ મુક્તિધામમાં CCTV સુવિધા ઉપલબ્ધ હોવાથી પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પણ પોતાના પ્રિય ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ અસ્થિ અથવા રાખને માટલીમાં ભરી લાલ કપડામાં સન્માનપૂર્વક માલિકને આપવામાં આવે છે. ક્રિમેટોરિયમ ઉપયોગ કરવાની સરળ પ્રક્રિયાપેટ ડોગના અવસાનની જાણ માટે 155303 પર ફોન કરવાની રહેશે અને ડોગ રજિસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહેશે. રજિસ્ટ્રેશન ન થયેલ હોય તો ઓનલાઈન માધ્યમથી નોંધણી અથવા ડોનેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માલિક ઇચ્છે તો પૂજા વિધિ સાથે અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે છે. ભવિષ્યની યોજનાહાલ અમદાવાદ શહેરમાં 19 હજારથી વધુ પેટ ડોગ્સની નોંધણી થયેલી છે. આ માંગને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં વધુ બે ડોગ ક્રિમેટોરિયમ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અબોલ અને અણમોલ જીવ પ્રત્યે માનવીય સંવેદનાથી ભરપૂર આ પહેલ અમદાવાદ માટે ગૌરવરૂપ છે.