હર હર મહાદેવના ગુંજતા નાદ વચ્ચે ભવનાથ મહાશિવરાત્રી મેળાનો સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ

હર હર મહાદેવના ગુંજતા નાદ વચ્ચે ભવનાથ મહાશિવરાત્રી મેળાનો સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ

જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં વિશ્વવિખ્યાત મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ પાંચ દિવસીય આધ્યાત્મિક મહોત્સવનો પ્રારંભ આજે ધ્વજારોહણ સાથે વિધિવત રીતે કરવામાં આવ્યો છે. સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિશેષ કાર્યક્રમો યોજાશે અને પ્રથમવાર આયોજિત ભવ્ય ડમરૂ યાત્રા સાથે મેળાની ઉજવણીને અનોખી ભવ્યતા મળશે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી અપેક્ષા છે.

આ વર્ષે મેળાને વધુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગ આપવા માટે પ્રથમવાર ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7 વાગ્યે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થનારી આ યાત્રા ભવનાથ મંદિર સુધીના આશરે 400 મીટર માર્ગ પર ભક્તિમય માહોલ વચ્ચે પસાર થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરીને સંતોનું સ્વાગત કરશે, જે આ મેળાની વિશેષતા બનશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજરી આપશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવનારા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રિકોના રાત્રિ રોકાણ માટે 800થી 850 ભાવિકોની ક્ષમતા ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આશરે 2,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ ડોમમાં 700 પલંગ અને 150 ફ્લોર બેડિંગની સુવિધા ઉપલબ્ધ છે. 24 કલાક હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન માટે લગેજ રેક જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.
 


મેળામાં આવતા વાહનોના સુચારુ સંચાલન માટે શહેરના ઉકરકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર સહિત કુલ 25 સ્થળોએ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી કેમેરા, ફ્લડ લાઈટ, પીવાના પાણી અને શૌચાલયની સુવિધા સાથે રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. પાર્કિંગથી મુખ્ય પ્રવેશદ્વાર સુધી ભાવિકો સરળતાથી પહોંચી શકે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ખાસ કરીને દિવ્યાંગ ભક્તો માટે નિ:શુલ્ક રીક્ષા સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ભવનાથ અને આસપાસના વિસ્તારોને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગારવામાં આવ્યા છે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને છ મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા બનાવવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના માર્ગ પર લાઇટિંગ અને સુશોભનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો છે. મેળાના માર્ગ પર છ આકર્ષક સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, જે યુવાનોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો કંડારવામાં આવ્યા છે.
 


શ્રદ્ધાળુઓની સુવિધા માટે પીવાના શુદ્ધ પાણીના 140 પરબ ગોઠવવામાં આવ્યા છે. સ્વચ્છતા જળવાઈ રહે તે માટે 10 બોટલ ક્રશર મશીનો કાર્યરત કરવામાં આવી છે. આરોગ્ય સુવિધા માટે 28 મેડિકલ કાઉન્ટર્સ તૈનાત છે, જ્યાં તબીબી સ્ટાફ 24 કલાક ઉપલબ્ધ રહેશે. ઉપરાંત 118 હંગામી ટોયલેટ અને 6 મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ સુવિધા ઉપલબ્ધ છે.

મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટિંગની વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. મહાશિવરાત્રીની પવિત્ર રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. દિગંબર સાધુ-સંતોએ પરંપરાગત રીતે ધુણા પ્રગટાવી આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું છે.
 


‘અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાના ત્રિવેણી સંગમ તરીકે સફળ બનાવવા પ્રતિબદ્ધ છે. ભવનાથની પવિત્ર ધરતી પર હર હર મહાદેવના ગુંજતા નાદ વચ્ચે આ પાંચ દિવસીય મહોત્સવ ભક્તો માટે આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર બની રહેશે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો