મંગળવારે ચંદ્રગ્રહણ: સૌરાષ્ટ્રમાં ધાર્મિક રીતે પાળવાની જરૂર નથી, મંદિરોએ જાહેર કર્યો નિયમિત કાર્યક્રમ

મંગળવારે ચંદ્રગ્રહણ: સૌરાષ્ટ્રમાં ધાર્મિક રીતે પાળવાની જરૂર નથી, મંદિરોએ જાહેર કર્યો નિયમિત કાર્યક્રમ

મંગળવારે ચંદ્રગ્રહણ લાગવાનું છે. આ ચંદ્રગ્રહણ બપોરે 2:14 કલાકે શરૂ થશે અને સાંજે 6:47 કલાકે પૂર્ણ થશે. પંચાંગ અને ખગોળીય ગણતરીઓ અનુસાર સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરોમાં ચંદ્રોદય 6:47 કલાક બાદ થવાનો હોવાથી આ ગ્રહણ અહીં દૃશ્યમાન નહીં બને. પરિણામે ધાર્મિક દૃષ્ટિએ સૌરાષ્ટ્રમાં ચંદ્રગ્રહણ પાળવાની આવશ્યકતા રહેતી નથી, એમ જાણીતા જ્યોતિષ મર્મજ્ઞોએ જણાવ્યું છે.

જ્યોતિષાચાર્ય શાસ્ત્રી રાજદીપ જોષીના જણાવ્યા મુજબ, જે સ્થળે ચંદ્રગ્રહણ દૃશ્યમાન ન બને ત્યાં ધાર્મિક વિધિ-નિયમો લાગુ પડતા નથી. સૌરાષ્ટ્રમાં ચંદ્રોદય ગ્રહણ પૂર્ણ થયા પછી થતો હોવાથી અહીં સૂતક કે અન્ય ધાર્મિક બાંધછોડ પાળવાની જરૂર રહેતી નથી. તેમણે ઉમેર્યું કે મુંબઈમાં ચંદ્રોદય સાંજે 6:45 વાગ્યે છે અને ત્યાં પણ ગ્રહણ માત્ર સુક્ષ્મ સ્વરૂપે દેખાવાની શક્યતા હોવાથી ધાર્મિક રીતે ખાસ પાલન કરવાનું રહેતું નથી.

ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કરે પણ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં ચંદ્રની છાયા ન પડતી હોવાથી સામાન્ય જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ વ્યક્તિગત શ્રદ્ધા મુજબ ઉપવાસ અથવા જપ-તપ કરે તો તે સ્વૈચ્છિક બાબત છે, પરંતુ શાસ્ત્રીય દૃષ્ટિએ ફરજિયાત નથી. જાણીતા જ્યોતિષી કુમાર ગાંધીએ જણાવ્યું કે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગ્રહણ દેખાશે, પરંતુ સૌરાષ્ટ્રમાં દૃશ્યમાન નહીં હોવાથી અહીં ધાર્મિક નિયમાનુસાર પાળવાની જરૂરિયાત નથી. જો કોઈ પાળે તો પણ કોઈ નુકસાન નથી.

મંદિરોમાં પણ નિયમિત નિત્યક્રમ જાળવવામાં આવશે. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર તા.3ના રોજ નિયમિત સમય મુજબ ખુલ્લું રહેશે, એમ મંદિર સંચાલન તરફથી કૌશલભાઈ જોષીએ જણાવ્યું છે. યાત્રાળુઓ માટે દર્શન-પૂજનનો સમય યથાવત રહેશે.

તેમજ દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ મંદિર બંધ રાખવામાં આવશે નહીં. સૌરાષ્ટ્રની હવેલીઓ અને અન્ય મંદિરોમાં પણ રાબેતા મુજબનો નિત્યક્રમ ચાલુ રહેશે. આથી ભક્તોએ ગેરસમજમાં આવી અનાવશ્યક ગભરાટ ન કરવો, એવી અપીલ કરવામાં આવી છે.

ચંદ્રગ્રહણને લઈને લોકોમાં જિજ્ઞાસા રહેતી હોવાથી જ્યોતિષ મર્મજ્ઞોએ રાશિવાર ફળકથન પણ જાહેર કર્યું છે. તેમના મુજબ મેષ રાશિના જાતકોએ અભ્યાસમાં ધ્યાન આપવું અને સંતાનો અંગે થોડી ચિંતા રહેવાની શક્યતા છે. વૃષભ રાશિના લોકો માટે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે. મિથુન રાશિના જાતકોને ધનલાભના યોગ છે, જ્યારે કર્ક રાશિના લોકો માટે આર્થિક નુકસાનની શક્યતા દર્શાવવામાં આવી છે.

સિંહ રાશિના જાતકોને ગેસ અથવા કબજીયાત જેવી તકલીફ થઈ શકે છે. કન્યા રાશિના લોકો માટે આરોગ્ય પ્રાથમિકતા રહેશે અને બચત પર ધ્યાન આપવું લાભદાયક રહેશે. તુલા રાશિના જાતકો માટે પ્રગતિ અને આર્થિક લાભના સંકેત છે. વૃશ્ચિક રાશિના લોકોના કાર્યો સફળ બનશે, પરંતુ વેપારમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.

ધન રાશિના જાતકોને ચિંતા વધી શકે છે. મકર રાશિના લોકોને વાહન ચલાવતા ખાસ સાવચેતી રાખવી જોઈએ. કુંભ રાશિના જાતકોએ ભાગીદારી અને વેપારમાં વિચારપૂર્વક નિર્ણય લેવા જોઈએ. મીન રાશિના જાતકોને શત્રુોથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ રીતે આવનાર ચંદ્રગ્રહણ સૌરાષ્ટ્ર માટે ખગોળીય ઘટના તરીકે મહત્વપૂર્ણ છે, પરંતુ ધાર્મિક રીતે ખાસ બાંધછોડ પાળવાની જરૂર નથી. મંદિરોએ પણ સ્પષ્ટતા કરી છે કે નિયમિત પૂજા-અર્ચના અને દર્શન વ્યવસ્થા યથાવત રહેશે. ભક્તોએ અફવાઓથી દૂર રહી શાંતિ અને શ્રદ્ધા સાથે આ ખગોળીય ઘટનાનો સ્વીકાર કરવો જોઈએ.

You may also like

રાજકોટમાં જન્માષ્ટમીના ખાનગી મેળા માટે મનપા ત્રણ પ્લોટ ભાડે આપશે

રાજકોટમાં જન્માષ્ટમીના ખાનગી મેળા માટે મનપા ત્રણ પ્લોટ ભાડે આપશે

શ્રીકાંત શિંદેને કેબિનેટમાં સ્થાન મળવાની અટકળો તેજ

શ્રીકાંત શિંદેને કેબિનેટમાં સ્થાન મળવાની અટકળો તેજ

હેડિંગસૌરાષ્ટ્રના ૩૪ ડેમોમાં નવા નીર, ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો: ૫૯ દરવાજા ખોલાયા

હેડિંગસૌરાષ્ટ્રના ૩૪ ડેમોમાં નવા નીર, ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો: ૫૯ દરવાજા ખોલાયા

ગુજરાતમાં વરસાદી તાંડવ: પૂરથી 56નાં મોત, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ યથાવત

ગુજરાતમાં વરસાદી તાંડવ: પૂરથી 56નાં મોત, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ યથાવત