રાજકોટમાં મનપાનું ઐતિહાસિક મેગા ડીમોલીશન: જંગલેશ્વરમાં 1,489 ગેરકાયદેસર બાંધકામો દૂર, 350 કરોડની જમીન દબાણમુક્ત Feb 25, 2026 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં. 16ના જંગલેશ્વર વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક મેગા ડીમોલીશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. તા. 23 અને 24 ફેબ્રુઆરી દરમિયાન સતત બે દિવસ સુધી ચાલેલી સઘન કામગીરીમાં નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ (બાપુનગરથી નાડોદાનગર) અને આજી નદીના પટ વિસ્તારમાં આવેલા કુલ 1,489 ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી અંદાજે રૂ. 350 કરોડની બજાર કિંમત ધરાવતી કુલ 88,750 ચોરસ મીટર જમીન દબાણમુક્ત થઈ છે.મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ જાહેર કર્યું કે આ ઓપરેશન મનપાના ઈતિહાસમાં સૌથી વિશાળ ગણાય છે. તેમણે જણાવ્યું કે જંગલેશ્વર વિસ્તાર ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ છે, કારણ કે અહીં આજી અને ખોખડદડી નદીઓના પ્રવાહો મળે છે. ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને આજી ડેમ ઓવરફ્લો થવાથી આ નીચાણવાળા વિસ્તારમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. વર્ષ 2024 દરમિયાન પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે 1,378થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા અને 370 લોકોને જીવના જોખમે રેસ્ક્યુ કરવું પડ્યું હતું. તે સમયે NDRFની મદદ લેવી પડી હતી.ગેરકાયદેસર દબાણોને કારણે પૂર દરમિયાન એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસના વાહનો અંદર સુધી પહોંચી શકતા નહોતા, જેના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવતી હતી. આવી પરિસ્થિતિમાં 15 મીટરનો ટી.પી. રોડ ખુલ્લો કરવો અને નદીનો પટ સાફ કરવો અનિવાર્ય બની ગયો હતો.મનપાએ સમગ્ર કાર્યવાહી કાનૂની પ્રક્રિયા અનુસરીને હાથ ધરી હતી. ‘ધી જી.પી.એમ.સી. એક્ટ, 1949’ની કલમ 260(1) હેઠળ તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. અનેકવાર સ્થળ પર જઈ સમજાવટ કરવામાં આવી હતી. છતાં સ્વયંપ્રેરિત રીતે બાંધકામો દૂર ન થતાં અંતે કલમ 260(2) હેઠળ અંતિમ આદેશ આપી ડીમોલીશન હાથ ધરાયું. ડીમોલીશન પહેલાં ત્રણ દિવસ સુધી લોકોને સામાન ખસેડવા માટે મનપા દ્વારા નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.આંકડાકીય રીતે જોવામાં આવે તો કુલ 88,750 ચો.મી. જમીનમાંથી 33,750 ચો.મી. ટી.પી. રોડની અને 55,000 ચો.મી. નદી પટની જમીનનો સમાવેશ થાય છે. 1,489 બાંધકામોમાંથી 497 ટી.પી. રોડ પર અને 992 નદીકાંઠે આવેલા હતા. હવે આ સમગ્ર જમીન સરકારી રેકોર્ડ મુજબ ખુલ્લી થઈ છે.આ અભૂતપૂર્વ ઓપરેશન માટે મનપાએ વિશાળ મેનપાવર અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. કુલ 1,512 અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. 261 જેટલા જેસીબી, લોડર અને ભારે મશીનો કાર્યરત રહ્યા. કુલ 33,264 માનવ કલાકો અને 5,742 મશીન કલાકોના સતત પ્રયાસોથી આ વિસ્તાર સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવ્યો. હાલ હજારો ટન કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે જેથી આગામી ચોમાસા પહેલાં નદીનો પટ અને માર્ગ સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે.રી-હેબીલીટેશનના મુદ્દે મનપાએ જણાવ્યું કે રાજકોટમાં અત્યાર સુધી 37,000 આવાસોનું નિર્માણ થયું છે. જંગલેશ્વર વિસ્તારના 873 પરિવારોને અગાઉથી જ આવાસ ફાળવાયા છે. નોંધપાત્ર વાત એ છે કે તોડી પાડવામાં આવેલા બાંધકામોમાંથી લગભગ 200 મકાનો આધુનિક એલીવેશનવાળા હતા, 750થી વધુ મકાનોની કિંમત રૂ. 5 લાખથી વધુ અને 250 જેટલા મકાનો રૂ. 15થી 20 લાખની કિંમતના હતા. 250 જેટલી ઓરડીઓ ભાડે આપી આવક મેળવવા માટે બનાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.ડી.સી.પી. હેતલ પટેલે જણાવ્યું કે સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ અને મનપા વચ્ચે સચોટ સંકલન જાળવાયું હતું. શાંતિપૂર્ણ રીતે ડીમોલીશન થાય તે માટે લોકદરબાર, શાંતિ સમિતિ અને મહોલ્લા સમિતિ સાથે પૂર્વ બેઠક યોજાઈ હતી. સુરક્ષા માટે મહિલા પોલીસ સહિતનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સતત ફ્લેગ માર્ચ યોજાઈ હતી.હેતલ પટેલે વધુમાં જણાવ્યું કે આ વિસ્તાર અસામાજિક તત્વો માટે આશ્રયસ્થાન બની ગયો હતો અને કેટલાક ગુનાહિત રેકેટ અહીંથી સંચાલિત થતા હતા. ડીમોલીશનથી આવી પ્રવૃત્તિઓ પર પણ અસરકારક અંકુશ આવશે.આ મેગા ડીમોલીશનથી જંગલેશ્વર, લલુડી વોકળી, રૂખડિયાપરા અને એકતા કોલોની જેવા વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકોને હવે ચોમાસામાં ભયભીત પરિસ્થિતિનો સામનો કરવો નહીં પડે. રસ્તા ખુલ્લા થતા આપત્તિકાળમાં તાત્કાલિક મદદ પહોંચાડવી સરળ બનશે અને વિસ્તારની સુરક્ષા તથા જનસુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે. Previous Post Next Post