વડોદરા-રાજકોટ સહિત 6 મનપાના પદાધિકારીઓ જાહેર, સુરતમાં મેયર પદે પાટીલ-સંઘવી વચ્ચે અટકળો

વડોદરા-રાજકોટ સહિત 6 મનપાના પદાધિકારીઓ જાહેર, સુરતમાં મેયર પદે પાટીલ-સંઘવી વચ્ચે અટકળો

15માંથી 14 મનપામાં હોદ્દેદારો જાહેર

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપ દ્વારા હવે પદાધિકારીઓની વરણી પ્રક્રિયા તેજ બની છે. અગાઉ 8 મનપાના પદાધિકારીઓ જાહેર કર્યા બાદ આજે વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, વાપી અને આણંદ-કરમસદ સહિત 6 મનપાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમ હવે કુલ 15માંથી 14 મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાહેર થઈ ચૂક્યા છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં હજુ પણ મેયર સહિતના નામો પર સસ્પેન્સ યથાવત છે.
 

સુરતમાં પાટીલ-સંઘવી વચ્ચે ચર્ચા, મેયર પદ માટે લોબિંગ

સુરત મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ જાહેર કરવામાં ભારે મોડું થયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠકોનો દોર ચાલુ રહ્યો હોવા છતાં બપોર સુધી નામો ફાઈનલ થઈ શક્યા નહોતા. વિવિધ જૂથો વચ્ચે ભારે લોબિંગ ચાલી રહ્યું છે.

સુરત ભાજપ કાર્યાલય અને સભાખંડમાં સવારથી કોર્પોરેટરો અને નેતાઓ એકત્ર થયા હતા. એર કન્ડિશનર બંધ હોવાથી સભાખંડમાં અકળામણનું વાતાવરણ સર્જાયું હતું. શહેર પ્રમુખ પરેશ પટેલે પણ ઉપરથી મંજૂરી માટે ફોન પર ચર્ચા કરવી પડી હતી.
 

રાજકોટને મળ્યા નવા મેયર

રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા વિલંબ બાદ નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટના 23મા મેયર તરીકે નેહલ શુક્લાની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયા અને ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની નિમણૂક થઈ છે.

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે ભારે લોબિંગ ચાલી રહ્યું હતું. અંતિમ ક્ષણોમાં નેહલ શુક્લાએ બાજી મારી હતી. પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચેના સમીકરણોને ધ્યાનમાં રાખીને પક્ષે અંતિમ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
 

વડોદરામાં મહિલાઓને પ્રાધાન્ય

વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ વડોદરાના 31મા મેયર બન્યા છે. ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષાબહેન વ્યાસની પસંદગી કરવામાં આવી છે.

આ ઉપરાંત શ્વેતા માછીને શાસક પક્ષના નેતા અને વિજય ચૌહાણને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 20 વર્ષ બાદ વડોદરાને એસસી વર્ગના મેયર મળ્યા છે.
 

સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ જાહેરાત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રાકેશભાઈ રાઠોડની પસંદગી થઈ છે. સ્મિતાબેન રાવલ ડેપ્યુટી મેયર, નીખિલભાઈ ચાંપાનેરી સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્વાતિબેન માંડલિયા દંડક તરીકે નિયુક્ત થયા છે.

ભાવનગર મહાનગરપાલિકામાં ઉષાબેન તલરેજા મેયર બન્યા છે. અશોક બારૈયા ડેપ્યુટી મેયર અને કિશન મહેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે.
 

આણંદ-કરમસદ અને વાપીમાં પણ નવા ચહેરા

આણંદ-કરમસદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે દિપીકાબેન પટેલની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી છે. કમલેશ ડાભી ડેપ્યુટી મેયર અને મયુર સુથાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે.

વાપી મહાનગરપાલિકામાં દક્ષાબેન પટેલને મેયર, સતીશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મિતેષ દેસાઈને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
 

ડિજિટલ મેન્ડેટની નવી પ્રથા

આ વખતે ભાજપે પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયામાં મોટો બદલાવ કર્યો છે. અગાઉ બંધ કવરમાં મેન્ડેટ આપવામાં આવતો હતો, પરંતુ હવે ઈ-મેઈલ અને વોટ્સએપ દ્વારા મેન્ડેટ મોકલવાની નવી પ્રથા અપનાવવામાં આવી છે. પાર્ટી સંગઠન દ્વારા ડિજિટલ સિસ્ટમ મારફતે અંતિમ મંજૂરી આપવામાં આવી રહી છે.
 

જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો પર ભાર

સુરત સહિત અનેક શહેરોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્રવાસી, મૂળ સુરતી અને પરપ્રાંતીય સમાજ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ખાસ વ્યૂહરચના ઘડવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

You may also like

બિહાર-આસામમાં વિદ્યાર્થીઓ સામેની FIR રદ્દ  કરવાનો સરકારનો મોટો નિર્ણય

બિહાર-આસામમાં વિદ્યાર્થીઓ સામેની FIR રદ્દ કરવાનો સરકારનો મોટો નિર્ણય

ગુરુનો આદર કરવો એ જ્ઞાનનો આદર છે, અને જ્ઞાન એ જીવનનો સાચો પ્રકાશ છે

ગુરુનો આદર કરવો એ જ્ઞાનનો આદર છે, અને જ્ઞાન એ જીવનનો સાચો પ્રકાશ છે

રાજકોટમાં જન્માષ્ટમીના ખાનગી મેળા માટે મનપા ત્રણ પ્લોટ ભાડે આપશે

રાજકોટમાં જન્માષ્ટમીના ખાનગી મેળા માટે મનપા ત્રણ પ્લોટ ભાડે આપશે

શ્રીકાંત શિંદેને કેબિનેટમાં સ્થાન મળવાની અટકળો તેજ

શ્રીકાંત શિંદેને કેબિનેટમાં સ્થાન મળવાની અટકળો તેજ