જંગલેશ્વર વિસ્થાપિતોને રાહત: મનપા દ્વારા આવાસ ફાળવણી ઝડપી, પાત્ર પરિવારોને નજીવી ડિપોઝિટમાં મળશે ઘરનું ઘર Feb 26, 2026 રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 1489 જેટલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવાયા હતા. આ કાર્યવાહી બાદ અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા અને વિસ્તારમાં ચિંતા તથા અનિશ્ચિતતા ફેલાઈ હતી. જોકે, રાજકોટ મહાનગરપાલિકાએ વિસ્થાપિતોને રાહત આપવા આવાસ ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવી છે અને પાત્રતા ધરાવતા લોકોને નજીવી ડિપોઝિટમાં કાયમી આવાસ આપવાની સુવર્ણ તક ઉપલબ્ધ કરાવી છે.મ્યુનિસિપલ કમિશ્નરે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે જંગલેશ્વર વિસ્તારના 800થી વધુ અસરગ્રસ્તોને પહેલેથી જ આવાસ ફાળવી દેવામાં આવ્યા છે. હવે જે લોકો હજુ વિસ્થાપિત છે અને આવાસ મેળવવા ઇચ્છે છે, તેઓ માટે પણ નિયમસર અરજી કરવાની તક આપવામાં આવી છે. જોકે, આવાસ મેળવવા માટે સરકારી નિયમોનું કડક પાલન કરવું અનિવાર્ય છે.મનપાના નિયમો અનુસાર, જે લોકોના મકાનો ડિમોલિશનમાં તૂટી ગયા છે, તેમણે પોતાની પાત્રતા સાબિત કરવા ચોક્કસ દસ્તાવેજો રજૂ કરવા પડશે. અરજદારે લાઈટ બિલ, મતદાર ઓળખ કાર્ડ, શ્રમ સર્વે કાર્ડ, રાશન કાર્ડ, બીપીએલ કાર્ડ, જન્મનો દાખલો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈપણ બે પુરાવા આપવા જરૂરી રહેશે. ખાસ વાત એ છે કે આ પુરાવા 1 ડિસેમ્બર 2020 પહેલાંના હોવા જોઈએ. જો કોઈ પરિવાર સંયુક્ત લાઈટ બિલ ધરાવતો હોય, તો તેના માટે સત્તાવાર સોગંદનામું રજૂ કરવું ફરજિયાત રહેશે.માત્ર દસ્તાવેજો પૂરતા નથી, પરંતુ અરજદારે સોગંદનામું આપી પોતાની હકીકત પણ જાહેર કરવી પડશે. તેમાં તેમણે કેટલાં વર્ષોથી જંગલેશ્વર વિસ્તારમાં વસવાટ કર્યો છે તેની વિગત આપવાની રહેશે. સાથે જ તેઓના નામે ભારતભરમાં ક્યાંય પણ અન્ય મકાન નથી અને તેમણે અગાઉ કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ લીધો નથી તેવી લેખિત બાંહેધરી આપવી પડશે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ છે કે ખરેખર જરૂરિયાતમંદ અને ઘરવિહોણા પરિવારોને જ યોજનાનો લાભ મળે. મનપાના સિટી ઈજનેર પરેશ અઢીયાના જણાવ્યા મુજબ, અત્યાર સુધી 992 લોકોને આધાર પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવાઈ હતી. જેમાંથી 761 લોકોએ સત્તાવાર રીતે આવાસ માટે અરજી કરી છે. ચકાસણી પૂર્ણ થયા બાદ 22-11-2025ના રોજ 106 લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા છે. બાકી રહેલા 179 આવાસના ડ્રો માટે આવાસ વિભાગને જાણ કરવામાં આવી છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. હાલ તંત્ર પાસે 257 લોકોના સોગંદનામા મળ્યા છે, જેની સમીક્ષા ચાલી રહી છે. જોકે 219 લોકો એવા છે જેમની પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ ઉપલબ્ધ નથી, જેના કારણે તેમની પાત્રતા અંગે પ્રશ્નચિહ્ન ઉભું થયું છે. દસ્તાવેજ વિના આવાસ મેળવવો મુશ્કેલ બનતો હોવાથી આવા લોકોની સ્થિતિ હજી અનિશ્ચિત છે.આવાસ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા પણ નક્કી કરવામાં આવી છે. પ્રથમ તબક્કે અરજદારે જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા પડશે. ત્યારબાદ નોટરી પાસેથી સોગંદનામું તૈયાર કરાવવું પડશે. પછી તમામ અસલ દસ્તાવેજો અને ઝેરોક્ષ નકલો સાથે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં જઈ ફોર્મ મેળવવું અને ભરવું રહેશે. અરજી જમા થયા બાદ અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી થશે. જો અરજી માન્ય ગણાશે, તો નામ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પ્રક્રિયામાં સામેલ થશે. ડ્રોમાં નામ લાગ્યા બાદ ફાળવણી પત્ર આપવામાં આવશે અને નિયત નજીવી રકમ જમા કરાવીને કબજો મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થશે.ઉલ્લેખનીય છે કે મેગા ડિમોલિશન બાદ વિસ્તારના લોકોમાં પુનર્વસન અંગે ભારે માંગ ઉઠી હતી. અશાંતધારા લાગુ હોવાથી લોકોને ભાડે કે વેચાણથી મકાન મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનપાએ જંગલેશ્વરના વિસ્થાપિતોને અગ્રતા આપવાનો નિર્ણય લીધો છે. તેમ છતાં, સરકારી પ્રક્રિયા અને નિયમોની કડકતા કારણે આખી પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગી શકે છે.હાલ માટે, પાત્રતા ધરાવતા પરિવારો માટે આ એક મહત્વપૂર્ણ તક છે. યોગ્ય દસ્તાવેજો અને સોગંદનામા સાથે સમયસર અરજી કરનાર પરિવારોને આવનારા સમયમાં પોતાનું ઘર મળવાની આશા જાગી છે. હવે જોવાનું રહ્યું કે બાકી રહેલા વિસ્થાપિતોને ક્યારે સ્થાયી આવાસ મળી શકે છે અને તંત્ર કેટલી ઝડપથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરે છે. Previous Post Next Post