મહાશિવરાત્રી પૂર્વે સોમનાથ શિવમય: મુખ્યમંત્રીની હાજરી, 60 ટન રેતશિલ્પ અને ભવ્ય આયોજનથી ભક્તિનો મહામેળો Feb 13, 2026 દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની તાડમાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. “પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેચ્છિવ સન્નિધૌ, શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે”ના મંત્રોચ્ચાર સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સ્થળ પર સમીક્ષા કરી હતી.મહાશિવરાત્રી નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ આવી રહ્યા છે. તેઓ અહીં ગુજરાત પર્યટન વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને રાત્રિ રોકાણ બાદ મહાશિવરાત્રીના પાવન દિવસે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરશે. તેમના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, દર્શન વ્યવસ્થા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મીની હિલ ટ્રેનથી યાત્રાળુઓને સુવિધામંદિર પરિસરથી મુખ્ય મંદિર સુધી યાત્રાળુઓ સરળતાથી પહોંચી શકે તે માટે બે ડબ્બાવાળી મીની હિલ ટ્રેન ગોઠવવામાં આવી છે. ટ્રેનના આકારમાં તૈયાર કરાયેલ આ વિશેષ વ્યવસ્થા શિવરાત્રીના દિવસોમાં નિયત સમયપત્રક મુજબ દોડશે, જેથી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ ભક્તોને વિશેષ સહાય મળે. લાખો શ્રદ્ધાળુઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને લાંબી કતારો ટાળવા અને દર્શન વ્યવસ્થા સુચારુ રહે તે માટે ટ્રસ્ટ અને પોલીસ વિભાગ વચ્ચે સુમેળ સાધવામાં આવ્યો છે. 60 ટન રેતીથી સર્જાતી ભક્તિ કલાઆ વર્ષે મહાશિવરાત્રીનું વિશેષ આકર્ષણ ઓડિશાથી પધારેલા રેતકલાકારો દ્વારા તૈયાર થનારા ભવ્ય રેતશિલ્પો રહેશે. કલાકાર નારાયણ સાહૂ તથા તેમની ટીમ – સુબોલ્લા મહારાણા અને જીતેન્દ્ર મહારાણા – દ્વારા લગભગ 60 ટન રેતી અને આશરે 2 થી ૩ હજાર લીટર પાણીનો ઉપયોગ કરીને વિશાળ શિલ્પો તૈયાર થઈ રહ્યા છે. ત્રણ દિવસમાં ત્રણ ભવ્ય કલા કૃતિઓનું નિર્માણ કરવામાં આવશે.ગણપતિજી, શિવ-પાર્વતી અને કાર્તિકેયના આકારો ઉપરાંત સોમનાથ મંદિર અને શિવતાંડવ દર્શાવતાં રેતચિત્રો ભક્તોને મંત્રમુગ્ધ કરશે. કલાકારોએ જણાવ્યું કે આ કૃતિઓમાં કોઈ રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી અને 24 કલાકની અવિરત મહેનતથી એક શિલ્પ તૈયાર થાય છે. રાત-દિવસની મહેનત ભક્તિ અને કલાનો અનોખો સંગમ સર્જે છે. ભવ્ય શણગાર અને સાંસ્કૃતિક મહોત્સવમહાશિવરાત્રી પૂર્વે મંદિર પરિસર અને આસપાસના વૃક્ષોને રંગબેરંગી પ્રકાશ સજાવટથી ઝગમગાવવામાં આવ્યા છે. સમગ્ર સોમનાથ નગરી શિવમય બની ગઈ છે. તા. ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીએ ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.તા. 14ના રોજ સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર, પાર્થ ઓઝા અને ઉર્વશીબેન રાદડિયા સંગીતમય પ્રસ્તુતિ કરશે. જ્યારે તા.15ના રોજ જીગરદાન ગઢવી, ઋષભ આહીર, જુ જાદવ અને યશ બારોટ શિવ મહિમા અને ભક્તિગીતો રજૂ કરશે. આ કાર્યક્રમો માટે વિશેષ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા અને પ્રસાદ વ્યવસ્થામહાશિવરાત્રી દરમિયાન આશરે ચારથી પાંચ લાખ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે તેવી સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને ફ્રિસ્કિંગ પોઈન્ટ, હેલિપેડ, ત્રિવેણી સંગમ સહિતના મુખ્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. પોલીસ અને વહીવટી તંત્ર સતત દેખરેખ રાખી રહ્યા છે.ભક્તોને પ્રસાદ ઉપલબ્ધ થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડારાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છથી સાત ભંડારાઓનું આયોજન કરાયું છે. યાત્રાળુઓને સરળતાથી દર્શન થાય અને વધુ સમય સુધી રાહ જોવી ન પડે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તંત્રની સક્રિય દેખરેખકલેક્ટર એન.વી. ઉપાધ્યાયે સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ, ત્રિવેણી, હેલિપેડ અને અન્ય વિસ્તારોની મુલાકાત લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ રીતે ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે સોમનાથમાં મહાશિવરાત્રીનો મહામેળો ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે ઉજવાઈ રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ માટે આ પાવન પર્વ ભક્તિ અને આનંદનો અવિસ્મરણીય અનુભવ સાબિત થશે. Previous Post Next Post