ગાંધીજી ભણ્યા તે 187 વર્ષ જૂની રાજકોટની શાળાને મળ્યું નવજીવન, હેરિટેજ સાથે આધુનિક સુવિધાઓનું અનોખું સંયોજન

ગાંધીજી ભણ્યા તે 187 વર્ષ જૂની રાજકોટની શાળાને મળ્યું નવજીવન, હેરિટેજ સાથે આધુનિક સુવિધાઓનું અનોખું સંયોજન

કોઠારીયા નાકા નજીક આવેલી ઐતિહાસિક કિશોરસિંહજી પ્રાથમિક શાળાને નવેસરથી આકાર આપવામાં આવી રહ્યો છે. 187 વર્ષ જૂની આ શાળામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ધોરણ 3 અને 4નો અભ્યાસ કર્યો હતો. ગાંધીજી સાથે સંકળાયેલી અનેક અમૂલ્ય યાદોને સાચવી રાખતી આ હેરિટેજ શાળાનું 2.54 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, જે માર્ચ માસના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.

આ શાળાની વિશેષતા એ છે કે અહીં હેરિટેજનું મૂળ સ્વરૂપ જાળવી રાખીને આધુનિક બાંધકામ તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મેંગ્લોરી ટાઇલ્સ (નળીયા)થી બનાવવામાં આવતી છત ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફ આપશે, જેથી વિદ્યાર્થીઓને કુદરતી રીતે અનુકૂળ વાતાવરણ મળશે. રિનોવેશન પૂર્ણ થયા બાદ આ બિલ્ડિંગને લાઇફટાઈમ ગેરેન્ટી પણ આપવામાં આવશે.

હાલ શાળાનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી અહીં અભ્યાસ કરતા 170 વિદ્યાર્થીઓને અસ્થાયી રીતે રામનાથપરા વિસ્તારમાં આવેલી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16માં ખસેડવામાં આવ્યા છે. કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના પ્રિન્સિપાલ શૈલેષભાઈ સોનીએ જણાવ્યું હતું કે, રિનોવેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને એક ઉત્તમ, સુવિધાસભર અને ઐતિહાસિક વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળશે.

આ શાળાનું રિનોવેશન મુંબઈની જાણીતી સવાણી હેરિટેજ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંસ્થાને જૂનાગઢ, ગોંડલ, અમરેલી સહિત અનેક શહેરોમાં શાળાઓ, કોર્ટ બિલ્ડિંગ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ અને મિનિસ્ટર બંગલોના બાંધકામનો વિશાળ અનુભવ છે. છેલ્લા છ માસથી કિશોરસિંહજી શાળાનું કામ ચાલી રહ્યું છે. રિનોવેશન બાદ ગ્રાઉન્ડ ફ્લોરમાં 11 ક્લાસરૂમ અને એક વિશાળ હોલ રહેશે, જ્યારે ફર્સ્ટ ફ્લોર પર પણ મોટો હોલ તૈયાર કરવામાં આવ્યો છે, જે શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે.
 


બાંધકામની વાત કરીએ તો, આ શાળાની છત સંપૂર્ણપણે નવા સાગના લાકડાથી તૈયાર કરવામાં આવી રહી છે. રાફ્ટર, પર્લિન અને ટ્રસમાં સાગના લાકડાનો ઉપયોગ થયો છે. બાંધકામની પ્રક્રિયામાં પહેલા વુડન પ્લેન્ક, ત્યારબાદ ડંગરી ક્લોથ, બીટ્યુમિનસ કોટિંગ, એલ્યુમિનિયમ શીટ, વુડન બેટન અને અંતે મેંગ્લોર ટાઇલ્સ નળીયા લગાવવામાં આવ્યા છે. આ અનોખી પદ્ધતિથી બનેલું રૂફ સ્ટ્રક્ચર ઉનાળામાં બિલ્ડિંગને ઠંડુ રાખશે અને શિયાળામાં ગરમી જાળવી રાખશે.

કિશોરસિંહજી શાળા માત્ર એક શૈક્ષણિક સંસ્થા નહીં પરંતુ ગાંધીજીના જીવન સાથે જોડાયેલું મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ છે. અહીં ગાંધીજીની ધોરણ 4ની માર્કશીટ આજે પણ સચવાયેલી છે. આ માર્કશીટ મુજબ ગાંધીજીએ ડિક્ટેશનમાં 60માંથી 60 માર્ક મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. અંક ગણિતમાં તેમને 50 માર્ક મળ્યા હતા, જ્યારે વ્યાકરણમાં 25માંથી 10 માર્ક આવ્યા હોવાનું નોંધાયું છે. પરિણામમાં એ સમયના શિક્ષકો દ્વારા વ્યાકરણ અને ફાઈલ વિષય પર વધુ ધ્યાન આપવાની નોંધ પણ કરવામાં આવી હતી, જે ગાંધીજીના વિદ્યાર્થીજીવનની સાચી અને માનવીય છબી રજૂ કરે છે.

ઇતિહાસ મુજબ, મહાત્મા ગાંધીજીએ વર્ષ 1877થી 1879 દરમિયાન રાજકોટની બ્રાન્ચ શાળામાં પ્રથમ અને બીજું ધોરણ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ 21 જાન્યુઆરી 1879થી 1 ડિસેમ્બર 1880 સુધી તેમણે કિશોરસિંહજી શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યારપછી હાઈસ્કૂલમાં પ્રવેશ લેતા તેમણે આ શાળા છોડી હતી. તે સમયના તેમના આચાર્ય માણેકલાલ નાગરદાસ શાહ હતા, જ્યારે અલગ-અલગ ધોરણોમાં ઓધવજી ભટ્ટ, કાળીદાસ નારણજી અને ચતુરભાઈ બાપુજી જેવા શિક્ષકો હતા.

સમય સાથે આ શાળાનું નામ પણ બદલાતું રહ્યું છે. 1838માં ‘સરકારી ગુજરાતી મુખ્ય નિશાળ’ તરીકે ઓળખાતી આ શાળા 1870માં ‘પરા તાલુકા શાળા’, 1887માં ‘વિક્ટોરિયા જયુબેલી તાલુકા શાળા’ અને બાદમાં ‘તાલુકા શાળા નં.1’ તરીકે ઓળખાઈ. 1923થી તેનું નામ કિશોરસિંહજી તાલુકા શાળા નં.1 પડ્યું અને 1966થી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નં.1 તરીકે ઓળખાય છે. રિનોવેશન સાથે શાળામાં ગાંધી સ્મૃતિ ખંડ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે.

આ રીતે, ઐતિહાસિક વારસાને સાચવી રાખીને આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થતી કિશોરસિંહજી પ્રાથમિક શાળા રાજકોટ માટે ગૌરવરૂપ બનશે.
 

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો