રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરાયણની ધૂમ, આબાલવૃદ્ધે પતંગ ચગાવી માણ્યો ઉત્સવ, ગૌપૂજન–દાનથી પુણ્ય અર્જન Jan 15, 2026 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મકરસંક્રાંતિ પર્વની ગત રોજ આનંદ, ઉત્સાહ અને પરંપરાગત રંગો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આબાલવૃદ્ધ સૌ કોઈએ પોતાની અગાસી પર ચઢી પતંગ ચગાવી પર્વની મોજ માણી હતી. શહેર અને ગામડાઓમાં ડી.જે.ના સૂરો, “કાપ્યો છે”ના નાદ અને રંગબેરંગી પતંગોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું.લોકોએ અગાસી પર જીંજરા, બોર, શેરડી, ચીકી સહિતના પરંપરાગત નાસ્તાનો આસ્વાદ લીધો હતો. ઉત્તરાયણની વણલખી પરંપરા મુજબ ઘેરઘેર ઊંધિયું અને ખીચડો બનાવી પર્વના વધામણા કરવામાં આવ્યા હતા. ગૌશાળા–પાંજરાપોળમાં દાન, ગૌપૂજનથી પુણ્ય અર્જનમકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે નાના–મોટા શહેરોમાં ગૌશાળા તથા પાંજરાપોળના ફાળા માટે રાવટીઓ ઉભી કરાઈ હતી. નગરજનોએ યથાશક્તિ દાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ગાયોની પૂજા, દર્શન–વંદન કરી લોકોમાં સેવાભાવની ભાવના પ્રબળ રીતે જોવા મળી હતી. જસદણજસદણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ઉત્તરાયણ–મકરસંક્રાંતિ પર્વને સેવા કાર્ય સાથે ઉજવવામાં આવ્યું હતું. પર્વના દિવસે મૂંગા અબોલ પક્ષીઓ માટે ચણ નાખી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું.જસદણ પ્રખંડના જવાબદાર વ્યક્તિઓ ડો. મહેશભાઈ તાવિયા, નારણભાઈ મેવાડા, મનીષભાઈ મેવાસીયા, વિજયભાઈ માલવીયા, ધવલભાઈ મેનપરા, કેશવભાઈ વસાણી, ધનજીભાઈ કાછડીયા, ધીરજભાઈ ગઢવી, કિશનભાઈ રાઠોડ અને મહેન્દ્રભાઈ રૂપારેલીયા દ્વારા બિલિયા મહાદેવ મંદિર, દેવપરા ખાતે અબોલ પક્ષીઓ માટે ચણ પૂરી પાડવામાં આવી હતી. આ સાથે બાપુ શ્રી કલ્યાણગીરીને ભેટ અર્પણ કરી ભોળાનાથને જળાભિષેક કરી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. કોડીનારકોડીનાર ખાતે જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોના ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિ પર્વની આનંદમય અને સમાવેશક ઉજવણી કરવામાં આવી હતી.ઉતરાયણના પાવન અવસરે દિવ્યાંગ બાળકો અને યુવાનોએ સાથે મળીને પતંગ ઉડાવી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. રંગબેરંગી પતંગો સાથે બાળકોના ચહેરા પર ખુશી ઝળહળી ઉઠી હતી. કાર્યક્રમ દરમિયાન નાસ્તાની વ્યવસ્થા સાથે સંગીતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં દિવ્યાંગ બાળકોએ રાસ–ગરબા કરી મોજ માણી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ, સહભાગિતા અને સામાજિક જોડાણની ભાવનાનો વિકાસ કરવાનો હતો. અંતે મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે એ.ડી. જાદવ, આરીફભાઈ ચાવડા, નાઝીમાંબેન જુણેજા, ભાવનાબેન રાઠોડ, અમિતાબેન ચાવડા, રાકેશભાઈ બેરડીયા, તનવીરભાઈ ચાવડા, ડો. ભરતભાઈ રાઠોડ, ડો. નિકુંજભાઈ ચુડાસમા, વિપુલભાઈ સોલંકી તથા ઇન્ટરશીપના વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. જામખંભાળીયાઆનંદ અને ઉમંગના પર્વ એવા મકરસંક્રાંતિની ખંભાળિયામાં પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ બાળકો અને યુવાનો ઘરના ધાબા પર પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા. સાંજના સમયે પરિવારજનો અને મિત્રો સાથે આબાલવૃદ્ધ સૌ કોઈએ પતંગોત્સવની અનેરી મોજ માણી હતી.ઉતરાયણ નિમિત્તે લોકોએ ઊંધિયું, બોર, ચીકી, જીંજરા અને શેરડીનો સ્વાદ માણ્યો હતો. શોખીન લોકોએ મ્યુઝિક સિસ્ટમ અને જનરેટરની મદદથી ધાબા પર સંગીત સાથે પર્વ ઉજવ્યો હતો, જોકે પવનની ગતિ ઓછી હોવાથી પતંગરસીયાઓ થોડા નિરાશ પણ થયા હતા.દાન–પુણ્યના પર્વ નિમિત્તે એકતા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 225 કિલો ઘઉંના ડ્રાયફ્રૂટ લાડવા બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સામાજિક કાર્યકર હાર્દિક મોટાણી અને જય હો ગ્રુપ દ્વારા સ્લમ વિસ્તારમાં 200 જેટલા બાળકોને ધાબળા, પતંગ, ફીરકી અને ચીકીનું વિતરણ કરી સેવા પર્વની સાચી ઉજવણી કરવામાં આવી હતી. પ્રભાસપાટણપ્રભાસપાટણ નજીક ગોરખમઢી ગામે શ્રી સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ કતારમાં ગોઠવાઈ વિશાળ પતંગની આકૃતિ બનાવી અનોખી રજૂઆત કરી હતી.ગીત–સંગીત સાથે આકાશમાં ઉડાન ભરતી પતંગોની સાથે પોતાના સપનાઓને સાકાર કરવાની ભાવના સાથે વિદ્યાર્થીઓએ સમૂહમાં ઉત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગે શ્રી ગોરક્ષનાથ કેળવણી મંડળ ટ્રસ્ટ પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. Previous Post Next Post