ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલથી ઈડન ગાર્ડનમાં પ્રથમ ટેસ્ટ

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલથી ઈડન ગાર્ડનમાં પ્રથમ ટેસ્ટ

ભારત 13 વર્ષથી હાર્યું નથી, દક્ષિણ આફ્રિકા 29 વર્ષથી જીતની રાહમાં

ઈતિહાસિક ઈડન ગાર્ડન્સ છ વર્ષ બાદ ફરી ટેસ્ટ મેચનું મેદાન બનવા જઈ રહ્યું છે. શુક્રવારથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ અહીં શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ મેદાન પર પોતાની 13 વર્ષની અજેય શ્રેણી જાળવવાનો પ્રયાસ કરશે. ભારત અહીં છેલ્લે ડિસેમ્બર 2012માં ઇંગ્લેન્ડ સામે ધોનીની કેપ્ટનશીપ હેઠળ હાર્યું હતું. ત્યારબાદ ચાર ટેસ્ટમાંથી ત્રણ જીત અને એક ડ્રો રહ્યો છે.

ઈડન ગાર્ડન્સ ખાતે છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ડે-નાઇટ ફોર્મેટમાં થઈ હતી, જ્યાં કોહલીની સદીએ ભારતને ત્રણ દિવસમાં જીત અપાવી હતી. તે પછી પહેલી વાર ઈડન ફરી ટેસ્ટનું આયોજન કરી રહ્યું છે.
 

ગિલની તૈયારી અને પડકાર

ઓસ્ટ્રેલિયા સામેની ODI અને T20 શ્રેણીમાં નબળું પ્રદર્શન કર્યા બાદ ગિલે હવે ટેસ્ટ માટે કડક તૈયારી હાથ ધરી છે. તેણે નેટમાં દોઢ કલાકથી વધુ સમય વિતાવ્યો અને કોચ ગૌતમ ગંભીર તથા સિતાંશુ કોટક સાથે લાંબી ચર્ચા કરી. નેટમાં તેણે બુમરાહ, જાડેજા, વોશિંગ્ટન સુંદર અને સ્થાનિક બોલરોનો સામનો કર્યો. મોર્ને મોર્કેલની દેખરેખ હેઠળ ગિલે વધારાના ઉછાળા સાથે બોલનો સામનો કરવાની વિશેષ પ્રેકટિસ કરી.

ગિલને આ શ્રેણીમાં 3,000 ટેસ્ટ રન પૂરા કરવાની તક છે — હાલ તેના ખાતામાં 2,839 રન છે. ફક્ત 161 રન કરીને તે આ સિદ્ધિ મેળવનાર 28મો ભારતીય ખેલાડી બનશે.
 

અન્ય ખેલાડીઓની સ્થિતિ

સાઈ સુદર્શન પણ સતત નેટમાં મહેનત કરી રહ્યો છે, છતાં દક્ષિણ આફ્રિકા ‘એ’ સામેની બિનસત્તાવાર મેચોમાં ફોર્મમાં નહોતો. ટીમ મેનેજમેન્ટ તેને ત્રીજા ક્રમે મોકલવાનો વિચાર કરી રહ્યું છે.
યશસ્વી જયસવાલે તાજેતરમાં રણજી ટ્રોફીમાં 156 રન બનાવી ફોર્મ બતાવ્યું છે અને નેટમાં પણ આત્મવિશ્વાસભર્યું બેટિંગ કર્યું.
વિકેટકીપર ધ્રુવ જુરેલને પણ તક મળી શકે છે, કારણ કે ઋષભ પંત ઈજામાંથી તાજા સાજા થયા છે. જુરેલે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા ‘એ’ સામેના ટેસ્ટમાં શાનદાર સદીઓ ફટકારી છે.

દક્ષિણ આફ્રિકાનો પડકાર

દક્ષિણ આફ્રિકા માટે ઈડન ગાર્ડન્સ દુર્ભાગ્યનું મેદાન સાબિત થયું છે. છેલ્લી વખત તેણે અહીં ડિસેમ્બર 1996માં જીત મેળવી હતી. ત્યારથી બે મેચમાં પરાજય. આ વખતે કાગીસો રબાડા, માર્કો જાનસેન, કેશવ મહારાજ, સિમોન હાર્મર અને સેનુરન મુથુસામી જેવા ખેલાડીઓ સાથે સંતુલિત ટીમ મેદાનમાં ઉતરશે.
 

પિચ અને તૈયારી પર ચર્ચા

મેચ પહેલાં ગંભીર, કોટક અને મોર્કેલે પિચનું નિરીક્ષણ કર્યું, પરંતુ તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતાં. પિચ થોડી સુકી અને ધૂળભરી દેખાઈ રહી છે. સૌરવ ગાંગુલીએ પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે મેનેજમેન્ટે ટર્નિંગ પિચની માંગણી કરી નથી. ફાસ્ટ બોલરોને શરૂઆતમાં સહાય મળશે તેવી શક્યતા છે.

ભારત ઈડન ગાર્ડન્સ પર 13 વર્ષથી અપરાજિત છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 29 વર્ષથી અહીં જીત મેળવી શક્યું નથી. બંને ટીમો માટે આ મેચ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે — ગિલ માટે ફોર્મમાં વાપસીની તક અને ભારત માટે અજેય પરંપરા જાળવવાનો સંકલ્પ.

You may also like

રાજકોટ કોર્પોરેશન ચૂંટણી 2026: IB રિપોર્ટમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફારની આગાહી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણી 2026: IB રિપોર્ટમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફારની આગાહી

બુધ ગોચર 2026: કન્યા, વૃષભ અને મકર રાશિના જાતકો માટે પડકારજનક સમય, વધશે સાવચેતીની જરૂર

બુધ ગોચર 2026: કન્યા, વૃષભ અને મકર રાશિના જાતકો માટે પડકારજનક સમય, વધશે સાવચેતીની જરૂર

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: મતદાર યાદીમાંથી નામ હટાવાયેલા અધિકારીઓને સીધી રાહત નહીં

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: મતદાર યાદીમાંથી નામ હટાવાયેલા અધિકારીઓને સીધી રાહત નહીં

IPL 2026માં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો ધમાકો: સૌથી ઝડપી 500 રન સાથે બે મોટા રેકોર્ડ પોતાના નામે

IPL 2026માં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનો ધમાકો: સૌથી ઝડપી 500 રન સાથે બે મોટા રેકોર્ડ પોતાના નામે