મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1500થી વધુ નોટરી એડવોકેટ્સને પ્રમાણપત્ર આપ્યાં, ઈ-નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરીને નવી શરૂઆત Nov 12, 2025 ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં આજે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યભરના 1500થી વધુ એડવોકેટ્સને નોટરી તરીકે પસંદગી બાદ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા વિકસાવાયેલ નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરીને રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમના તબક્કાવાર અમલનો પ્રારંભ કર્યો હતો. આ નવી વ્યવસ્થા દ્વારા નોટરી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા, કાર્યક્ષમતા અને સુવિધા આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ન્યાયવ્યવસ્થાને આધુનિક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ઈ-નોટરી સિસ્ટમ દ્વારા કાયદાકીય દસ્તાવેજોની પ્રમાણિત પ્રક્રિયા ડિજિટલ રૂપમાં સરળ બનશે અને નાગરિકોને ઝડપી સેવા મળશે.આ સમારોહ દરમિયાન કાયદા વિભાગના અધિકારીઓ, વરિષ્ઠ ન્યાયવિદો અને નવા નોટરી તરીકે પસંદ થયેલા એડવોકેટ્સે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્યમાં કાયદાકીય સેવાઓને વધુ સુગમ બનાવવા માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. Previous Post Next Post