ઓકસફર્ડ અભ્યાસ મુજબ આર્થિક સર્વેમાં સુરત રાજકોટ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મહાનગરો ગુજરાતના ગ્રોથ એન્જિન રૂપે ઉભર્યા Jan 30, 2026 ભારત વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર બની રહ્યું છે અને વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનો આર્થિક વિકાસ દર 7.2 ટકા સુધી જળવાઈ રહેશે તેવી માહિતી ગઈકાલે સંસદમાં રજૂ થયેલા આર્થિક સર્વેમાં આપવામાં આવી હતી. આ આર્થિક વિકાસમાં ગુજરાતનું અને ખાસ કરીને સુરત તથા રાજકોટ મહાનગરોનું યોગદાન વિશ્વકક્ષાએ નોંધપાત્ર રીતે ઉજાગર થયું છે.નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રજૂ કરેલા આર્થિક સર્વેમાં ઓકસફર્ડ ઈકોનોમીક રીસર્ચનો હવાલો આપતાં જણાવાયું છે કે વિશ્વના ટોચના 10 સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા શહેરોમાં ગુજરાતના સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. આ અભ્યાસ 2019થી 2035 દરમિયાનના વિકાસના અંદાજને આધારે તૈયાર કરાયેલા મીડટર્મ રિપોર્ટ પર આધારિત છે.સર્વે મુજબ ભારતમાં ઝડપથી વધતું શહેરીકરણ અને તેનાથી મળતું આર્થિક યોગદાન નોંધપાત્ર છે, જેમાં ગુજરાત અને તેના મહાનગરો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ યાદીમાં સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મહાનગર બનીને પ્રથમ ક્રમે છે, જે ગુજરાતના આર્થિક વિકાસને પણ નવી ઊર્જા પૂરું પાડે છે.આર્થિક સર્વેમાં જણાવ્યા મુજબ, જ્યારે કોઈ મહાનગરનું કદ દોગણું થાય છે ત્યારે તેની ઉત્પાદકતા આશરે 12 ટકા સુધી વધે છે, જે સીધા આર્થિક લાભરૂપ સાબિત થાય છે. ભારત જ્યારે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સુરત, રાજકોટ અને અમદાવાદ માત્ર મહાનગર નથી પરંતુ વિકાસના એન્જિન બનીને વૈશ્વિક રોકાણને પણ આકર્ષી રહ્યા છે.સર્વે અનુસાર 2019થી 2035 દરમિયાન સુરતનો આર્થિક વિકાસ દર 9.17 ટકા રહેવાનો અંદાજ છે. વર્ષ 2018માં સુરતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) રૂ. 2,67,977 કરોડ હતો, જે 2035 સુધીમાં રૂ. 11,65,480 કરોડ સુધી પહોંચશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. બેંગલુરુ, હૈદરાબાદ જેવા શહેરોની તુલનામાં પણ સુરત વિશ્વનું સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવતું મહાનગર ગણાયું છે.ગુજરાતનું બીજું મહાનગર અને સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ પણ આ યાદીમાં ટોપ-10માં સ્થાન ધરાવે છે. 2019થી 2035 દરમિયાન રાજકોટનો આર્થિક વિકાસ દર 8.33 ટકા રહેવાનો અંદાજ છે. વર્ષ 2018માં રાજકોટનો GDP રૂ. 62,503 કરોડ હતો, જે 2035માં વધીને રૂ. 2,45,434 કરોડ થશે તેમ સર્વેમાં જણાવાયું છે.રાજકોટના વિકાસ પાછળ મજબૂત માર્ગ કનેક્ટિવિટી, સતત વિકસતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યાપાર અને ઉદ્યોગ માટેનું સાનુકૂળ વાતાવરણ તેમજ અહીંની સાહસિક માનસિકતા અને નવીન પ્રયોગોની ક્ષમતા મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મહાનગરોની આ યાદીમાં સુરત પ્રથમ ક્રમે છે, જ્યારે આગ્રા, બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપુર, રાજકોટ, તિરુચિરાપલ્લી-ચેન્નઈ અને વિજયવાડા જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે. ડાયમંડ ઉદ્યોગ ઉપરાંત સર્વિસ સેક્ટર અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોમાં આગળ વધી રહેલું સુરત હવે વૈશ્વિક વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. Previous Post Next Post