સોના-ચાંદી પછી હવે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના ઉછાળા સામે માત્ર 40 રૂપિયાનો ધીમો ઘટાડો

સોના-ચાંદી પછી હવે સિંગતેલમાં પણ સટ્ટાખોરી? 310ના ઉછાળા સામે માત્ર 40 રૂપિયાનો ધીમો ઘટાડો

ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. ખેતરોમાં ભરપૂર ઉપજ, બજારમાં પૂરતો સપ્લાય અને માંગ લગભગ સ્થિર હોવા છતાં સિંગતેલના ભાવમાં જાન્યુઆરી મહિનામાં જે રીતે તીવ્ર ઉછાળો જોવા મળ્યો, તે હવે અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. માત્ર 20 દિવસમાં 15 કિલોના ડબ્બામાં રૂ.310 જેટલો તોતિંગ વધારો નોંધાયા બાદ હવે ભાવમાં ઘટાડો અતિ ધીમી ગતિએ શરૂ થયો છે. ચાર દિવસમાં માત્ર રૂ.40નો ઘટાડો થવાથી તેલ બજારમાં સટ્ટાખોરી અને નફાખોરીની ગંધ વધુ તીવ્ર બની છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તા.6 અને 7 જાન્યુઆરીએ સિંગતેલના 15 કિલો ડબ્બાના સોદા મહત્તમ રૂ.2615ના ભાવે થયા હતા. પરંતુ ત્યારબાદ મોસમમાં, મબલખ ઉત્પાદન અને ધોધમાર સપ્લાય વચ્ચે પણ ભાવોએ અચાનક જ રૉકેટ ગતિ પકડી. તા.28 જાન્યુઆરી સુધીમાં ભાવમાં રૂ.310નો વધારો ઝીંકી ભાવ રૂ.2925ની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે આ ઊંચા ભાવ ગત શુક્રવાર સુધી અડગ રહ્યા અને ત્યારબાદ પણ ઘટાડાની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ શરૂ કરવામાં આવી છે.

ગત ચાર દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં માત્ર રૂ.40નો ઘટાડો નોંધાયો છે અને હાલમાં રૂ.2835થી રૂ.2885 વચ્ચે સોદા પડી રહ્યા છે. ભાવ ઘટ્યા હોવા છતાં આજે પણ સિંગતેલ કપાસિયા તેલની સરખામણીએ અંદાજે રૂ.560 જેટલું મોંઘું વેચાઈ રહ્યું છે. બજાર જાણકારોનું કહેવું છે કે જો પુરવઠો અને માંગના સિદ્ધાંતો પ્રમાણે ભાવ નક્કી થતા હોત તો ઘટાડો વધુ ઝડપથી અને મોટા પ્રમાણમાં થવો જોઈએ હતો.
 


બીજી તરફ, મગફળીના ભાવમાં પણ છેલ્લા દિવસોમાં અજીબોગરીબ વધઘટ જોવા મળી રહી છે. રાજકોટ યાર્ડમાં તા.27 જાન્યુઆરીએ મગફળીના ન્યૂનતમ ભાવ રૂ.1200 અને મહત્તમ ભાવ રૂ.1730 નોંધાયા હતા. પરંતુ એક જ સપ્તાહમાં ખેડૂતોને મળતા ન્યૂનતમ ભાવમાં રૂ.125નો વધારો થઈ રૂ.1325 થયા, જ્યારે મહત્તમ ભાવમાં રૂ.180નો ઘટાડો નોંધાઈ તે રૂ.1551 સુધી સીમિત રહ્યા. આ વિસંગત ભાવચાલથી ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.

આ સમગ્ર સ્થિતિને લઈને વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે એવી ચર્ચા છે કે શું હવે સિંગતેલમાં પણ સોના-ચાંદી જેવી સટ્ટાખોરી શરૂ થઈ ગઈ છે? અગાઉ સોના-ચાંદીના બજારમાં ભાવો મુખ્યત્વે માંગ અને પુરવઠા પર આધારિત રહેતા અને 10થી 15 ટકાની મર્યાદિત વધઘટ થતી. પરંતુ સમય જતાં આ બજારો અસલી ગ્રાહકોના હાથમાંથી નીકળી સટ્ટાખોરો અને એકના ડબલની ઈચ્છા ધરાવતા રોકાણકારોના હાથમાં ચાલ્યા ગયા, જેના કારણે ભાવોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.

હવે એ જ ચિત્ર સિંગતેલના બજારમાં દેખાઈ રહ્યું હોવાનો આરોપ ઉઠી રહ્યો છે. કૃત્રિમ રીતે ભાવ વધારવા અને ઘટાડાને દબાવી રાખવાની રણનીતિથી સામાન્ય ગ્રાહકોને સીધી અસર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સિંગતેલ ગુજરાતના વાતાવરણ અને આરોગ્ય માટે સૌથી વધુ માફક આવતું ખાદ્યતેલ માનવામાં આવે છે અને રાજ્યના ઘરોમાં તેની વિશેષ માંગ છે. એવા સમયે જો તેમાં પણ સટ્ટાખોરી અને નફાખોરી વકરે તો તે ગુજરાતીઓને ખિજવી શકે તેવી સ્થિતિ સર્જી શકે છે.

ગ્રાહકોની સાથે ખેડૂતો પણ આ ભાવરમતથી નુકસાન ભોગવી રહ્યા છે. ઉત્પાદન વધારે હોવા છતાં જો ભાવનો લાભ ખેડૂત સુધી ન પહોંચે અને બજારમાં માત્ર થોડા વેપારી તત્વો જ ફાયદો ઉઠાવે તો સમગ્ર ખેતી અર્થતંત્ર માટે તે ચિંતા જનક બાબત બની શકે છે. હવે જોવાનું રહેશે કે સરકાર અને સંબંધિત તંત્ર સિંગતેલના ભાવમાં ચાલી રહેલી આ અસ્થિરતા પર ક્યારે અને કેવી રીતે કાબૂ મેળવે છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો