રાજકોટમાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જાગૃતિ પરિસંવાદ યોજાયો

રાજકોટમાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જાગૃતિ પરિસંવાદ યોજાયો

બાળલગ્ન જેવી સામાજિક કુપ્રથાને સંપૂર્ણપણે નાબુદ કરવા ભારત સરકાર દ્વારા 27 નવેમ્બર, 2024ના રોજ ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનને વધુ વેગ આપવા તેની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 27 નવેમ્બર, 2025થી 08 માર્ચ, 2026 સુધી સમગ્ર દેશભરમાં 100 દિવસીય વિશેષ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અન્વયે રાજકોટ જિલ્લા નશામુક્ત અભિયાન સમિતિ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સહયોગથી બહુમાળી ભવન ખાતે ‘બાળલગ્ન મુક્ત ભારત’ વિષયક મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો હતો.

પરિસંવાદમાં બાળલગ્ન અટકાવવાના કાયદા, તેની સામાજિક અસર અને સમુદાયની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રીમતી પ્રાર્થનાબેન સેરસીયાએ પોતાના ઉદ્બોધનમાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનની વ્યાપક માહિતી આપી હતી. તેમણે ફરજ દરમિયાનના અનુભવો રજૂ કરતાં જણાવ્યું હતું કે બાળલગ્ન માત્ર સામાજિક બુરાઈ નથી, પરંતુ કાયદેસર ગુનો છે. બાળલગ્ન થતાં જોવા મળે તો તરત જ બાળલગ્ન પ્રતિબંધક કચેરીને જાણ કરવા તેમણે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. સમાજની સક્રિય ભાગીદારી વગર બાળલગ્ન પર અંકુશ મૂકવો શક્ય નથી, તે વાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

આ અવસરે ઇનચાર્જ જોઇન્ટ કમિશનર ઓફ સ્ટેટ જીએસટી શ્રી કૃપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે બાળલગ્ન અટકાવવું માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક નાગરિકની નૈતિક ફરજ છે. જો દરેક વ્યક્તિ પોતાની આસપાસ બનતી ઘટનાઓ અંગે જાગૃત બની જવાબદારીપૂર્વક પગલું ભરે, તો બાળલગ્ન જેવી પ્રથાઓને મૂળમાંથી દૂર કરી શકાય.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ડો. અલ્પેશગીરી ગોસ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાળલગ્ન અટકાવવા માટે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજે મળીને સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે. તેમણે ખાસ કરીને સ્ત્રી શિક્ષણ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીનીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઘટશે, તો બાળિકાઓ અભ્યાસમાં આગળ વધશે અને નાની વયે લગ્ન થવાની સંભાવના આપમેળે ઘટશે. બાળલગ્ન સામેની લડતને તેમણે અટકાયતી પગલાં, સુરક્ષા વ્યવસ્થા અને કાયદાકીય કાર્યવાહી – એમ ત્રણ તબક્કામાં સમજાવી હતી.
 


ગુજરાત સરકાર મહિલાઓ અને બાળ સુરક્ષા માટે સતત સક્રિય હોવાનું ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘અભયમ્’ જેવી અનેક યોજનાઓ મહિલાઓને તાત્કાલિક સહાય અને સુરક્ષા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આવા પ્રયાસોથી મહિલાઓ અને બાળિકાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવી શકે છે.

પરિસંવાદની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ અધિકારીઓનું પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું, જેમાં ઉપસ્થિતોએ બાળલગ્ન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-પરામર્શ કર્યો હતો. આ ચર્ચાએ હાજર સૌમાં જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ બાળલગ્ન અટકાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. ચીફ ઓફિસર શ્રી ડો. મિલનભાઈ પંડિતે સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કર્યું હતું. આ પરિસંવાદમાં સામાજિક અને શૈક્ષણિક આગેવાનો ઉપરાંત લગ્ન પ્રસંગો સાથે સંકળાયેલા હોલના સંચાલકો, બેન્ડ, ડીજે, કેટરર્સ તેમજ બ્યુટી પાર્લરના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવા તમામ હિતધારકોની સક્રિય ભાગીદારીથી ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાનને નવી દિશા અને બળ મળ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો