સોના-ચાંદીમાં મોટો કડાકો, વૈશ્વિક બજારની અસરથી સ્થાનિક ભાવ ગબડ્યા

સોના-ચાંદીમાં મોટો કડાકો, વૈશ્વિક બજારની અસરથી સ્થાનિક ભાવ ગબડ્યા

વૈશ્વિક બજારમાં અચાનક આવેલા ભારે કડાકાના પગલે દેશના બુલિયન બજારોમાં સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું નોંધાયું છે. મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં રૂ. 2500થી 3000 સુધીનો ઘટાડો નોંધાયો, જ્યારે ચાંદીમાં રૂ. 16,000થી 17,000 સુધીનો તીવ્ર કડાકો આવ્યો. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ઔંસના 5000 ડોલરની સપાટીની નીચે ઉતરી એક તબક્કે 4900 ડોલરથી પણ નીચે સરકી જતા વેપારીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો.

અમદાવાદ ઝવેરી બજારમાં પણ ઘટાડાની અસર સ્પષ્ટ જોવા મળી. અહીં 10 ગ્રામ સોનામાં રૂ. 2000નો ઘટાડો નોંધાયો, જ્યારે ચાંદીના કિલો દીઠ ભાવમાં રૂ. 15,000 જેટલું ગાબડું આવ્યું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 5062 ડોલરથી તૂટીને 4885 ડોલર સુધી ઉતરી ગયા હતા અને પછી 4966-4967 ડોલર આસપાસ સ્થિર રહ્યા હતા. ચાંદી પણ 82.78 ડોલરથી ગબડી 74.01 ડોલર સુધી પહોંચી અને ત્યારબાદ 77 ડોલર આસપાસ ટ્રેડ થઈ.

બજારમાં સોનાના ઉછાળા પછી ફંડ હાઉસો દ્વારા ભારે સેલિંગ આવતા દબાણ વધ્યું હોવાનું વેપારીઓએ જણાવ્યું. ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થવાથી પણ સોના પર નેગેટિવ અસર પડી હોવાનું માનવામાં આવે છે. અમદાવાદ બજારમાં 995 શુદ્ધતાના સોનાના ભાવ રૂ. 1,58,200 અને 999ના રૂ. 1,58,500 સુધી તૂટ્યા હતા. મુંબઈમાં જીએસટી વગર 995 સોનુ રૂ. 1,52,153 અને 999 સોનુ રૂ. 1,52,765 સુધી બોલાયું. ચાંદી જીએસટી વગર રૂ. 2,42,433 સુધી તૂટી ગઈ.

માત્ર સોનું-ચાંદી જ નહીં, પ્લેટીનમ અને પેલેડિયમમાં પણ ઘટાડો નોંધાયો. વૈશ્વિક બજારમાં પ્લેટીનમ 2110 ડોલરથી તૂટી 1986 ડોલર સુધી ગયો અને પછી 2030 ડોલર આસપાસ રહ્યો. મુંબઈ બજારમાં 10 ગ્રામ પ્લેટીનમ રૂ. 4000 તૂટી રૂ. 64,103 રહ્યો. પેલેડિયમ પણ 1705 ડોલરથી ઘટીને 1594 ડોલર સુધી નીચો ગયો.
 


વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં કોપર પણ 0.86 ટકા તૂટ્યો. ક્રૂડ ઓઈલમાં પણ ખાસ્સી પીછેહટ નોંધાઈ. બ્રેન્ટ ક્રૂડ 69.26 ડોલરથી ઘટીને 66.89 ડોલર સુધી સરક્યું અને પછી 67 ડોલર આસપાસ ટ્રેડ થયું. યુએસ ક્રૂડમાં પણ સમાન સ્થિતિ રહી.

અમેરિકામાં ક્રૂડના સ્ટોકમાં નોંધપાત્ર વધારો નોંધાતા કિંમતો પર દબાણ વધ્યું છે. ઉપરાંત, ભારતના રિફાઈનરોને વેનેઝુએલાથી સીધી ક્રૂડ આયાત માટે અમેરિકાએ લાઈસન્સ આપ્યાની ચર્ચાએ બજારમાં નવી ગતિશીલતા ઊભી કરી છે. સાથે જ OPEC દેશો એપ્રિલથી ઉત્પાદન વધારશે એવા સંકેતો મળતા ક્રૂડના ભાવ વધુ દબાયા છે.

વિશ્લેષકોના મત અનુસાર, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ડોલરની હલચલ અને કોમોડિટી માર્કેટમાં ફંડોની વેચવાલીથી કિંમતોમાં અસ્થિરતા વધી છે. આવનારા દિવસોમાં પણ આંતરરાષ્ટ્રીય બજારની ચાલ પર સ્થાનિક સોના-ચાંદીના ભાવ નિર્ભર રહેશે. હાલ માટે બુલિયન બજારમાં વેચવાલીનું વલણ વધારે અને ખરીદદારો ઓછા જોવા મળી રહ્યા છે, જે ભાવને વધુ દબાવી શકે છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ