રાજકોટ ભાજપમાં મોટા નેતાઓ હાંસિયામાં, સંગઠનથી મનપા ચૂંટણી સુધી નવા ચહેરાઓ પર દાવ રમાશે

રાજકોટ ભાજપમાં મોટા નેતાઓ હાંસિયામાં, સંગઠનથી મનપા ચૂંટણી સુધી નવા ચહેરાઓ પર દાવ રમાશે

રાજકોટ શહેર ભાજપમાં લાંબા સમયથી ચાલતી આંતરિક ખેંચતાણ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી છે. લગભગ દસ મહિનાના ઈંતજાર બાદ શહેર ભાજપનું નવું સંગઠન જાહેર થતાં જ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પક્ષે પરંપરાગત વગદાર અને ધનાઢ્ય નેતાઓને પ્રાધાન્ય આપવાને બદલે નવી દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. સંગઠનમાં જાહેર કરાયેલા નામોમાં એક-બે જુના ચહેરાઓને બાદ કરતાં મોટાભાગે નવા કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે વર્ષોથી પ્રભાવ ધરાવતા ‘મોટા માથા’ નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે. આ બદલાવ માત્ર સંગઠન પૂરતો નહીં રહે, પરંતુ આગામી રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં પણ તેનો સીધો પ્રભાવ પડશે એવી ચર્ચા તેજ બની છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આમ તો આ સમયગાળામાં જાહેર થવી જોઈએ હતી, પરંતુ એક તરફ મનપાનું બજેટ અને બીજી તરફ શહેર ભાજપની સંગઠન રચના બાકી હોવાના કારણે ચૂંટણીમાં વિલંબ થતો દેખાઈ રહ્યો છે. એસ.આઈ.આર. સંબંધિત મુદ્દાઓને પગલે આ વર્ષે ફેબ્રુઆરીને બદલે એપ્રિલમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં સંગઠન જાહેર થતાં જ પક્ષની આંતરિક રાજનીતિ ફરી ગરમાઈ ગઈ છે.

શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા જાહેર કરાયેલા સંગઠનમાં મહામંત્રી તરીકે વલ્લભ દુધાત્રા, લલિત જે. વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ ડેપ્યુટી મેયર રહેલા વલ્લભ દુધાત્રા અગાઉ 2013થી 2016 દરમિયાન પણ મહામંત્રી રહી ચૂક્યા છે, જ્યારે બાકીના નામો નવા ચહેરા તરીકે જોવામાં આવે છે. કુલ 21 સભ્યોની ટીમમાં કોષાધ્યક્ષ તરીકે માત્ર મયુર શાહને જ પુનરાવર્તિત કરવામાં આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે સંગઠનમાં ‘રીપીટ થિયરી’ કરતાં ‘રીફ્રેશમેન્ટ’ને વધુ મહત્વ અપાયું છે.

આ જાહેરાત બાદ ભાજપમાં આંતરિક અસંતોષ અને વિરોધના સ્વરો પણ સંભળાઈ રહ્યા છે. કેટલાક નવા હોદેદારો સામે અગાઉ ફરિયાદો અને વિવાદો ઉઠી ચૂક્યા હોવાનો મુદ્દો પણ ફરી ચર્ચામાં આવ્યો છે. ગેલાભાઈ રબારી સહિતના કેટલાક નામો સામે ભૂતકાળમાં થયેલી રજૂઆતો હવે ફરી યાદ અપાવવામાં આવી રહી છે. હકીકતમાં, આવા આંતરિક વિવાદોના કારણે જ આ નિમણુકો ઘણા સમયથી અટકી પડી હતી અને એક સમયે તો રાજકોટ ભાજપ, જે ક્યારેય પક્ષનું ‘એપી સેન્ટર’ ગણાતું, તે સંગઠન વગર જ ચાલી રહ્યું હતું.

શહેર ભાજપના મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના મહત્વના પદો માટે અલગ-અલગ જૂથોએ પ્રદેશ કક્ષાએ સીધી રજૂઆતો કરી હતી. કેટલાક વગદાર નેતાઓએ તો રાજ્ય સરકારથી લઈને પ્રદેશ ભાજપ સુધી પોતાની અસરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પહેલા રાજ્ય સ્તરે અને ત્યારબાદ પ્રદેશ સ્તરે રાજકોટના કેટલાક જાણીતા નેતાઓના પત્તા કપાયા બાદ હવે શહેર સંગઠનમાં પણ પ્રદેશ ભાજપે સીધો હસ્તક્ષેપ કરીને નામો જાહેર કરી દીધા છે. સ્થાનિક નેતાઓની રજૂઆતોને અવગણીને, ચૂંટણીના સમયગાળામાં જ આ પ્રકારનો નિર્ણય લેવાતાં સ્પષ્ટ સંકેત મળે છે કે પક્ષ હવે વ્યક્તિગત સ્વહિત કરતાં કેન્દ્રિય નેતૃત્વ અને સંગઠનશક્તિને વધુ પ્રાધાન્ય આપવા માગે છે.

ભાજપની અંદર ચર્ચા છે કે આવનારી મનપા ચૂંટણી ‘વગદાર દાવેદારો’ના નામે નહીં પરંતુ ‘મોદી-પક્ષ’ના નામે લડાશે. એટલે કે વ્યક્તિગત પ્રભાવ, નાણાંબળ કે જૂથબંધીને બદલે કેન્દ્રિય નેતૃત્વ અને પક્ષની વિચારધારાને આગળ રાખીને ટિકિટો આપવામાં આવી શકે છે. આ જ કારણસર વર્તમાન મહાપાલિકાના અનેક પદાધિકારીઓ અને કોર્પોરેટરોના પત્તા કપાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કુલ મળીને, રાજકોટ ભાજપમાં ચાલી રહેલી આ બાદબાકી માત્ર સંગઠન પૂરતી સીમિત નથી. આ બદલાવ આવનારી મનપા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, પ્રચારની રણનીતિ અને પક્ષની અંદરની સત્તાસંતુલનને પણ નવી દિશા આપશે. ‘મોટા માથા’ હાંસિયામાં અને નવા ચહેરાઓને મોખરે રાખીને ભાજપ રાજકોટમાં નવી રાજકીય રમત રમવા જઈ રહ્યો છે, જેનું પરિણામ ચૂંટણી બાદ સ્પષ્ટ થઈ જશે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો