ગીરનારના ઓઘડ શિખર પર ધજા અને લખાણોથી વિવાદ ઘેરાયો: અતિક્રમણના આક્ષેપ સાથે નાથ સંપ્રદાયનો રોષ, DYSPને આવેદન

ગીરનારના ઓઘડ શિખર પર ધજા અને લખાણોથી વિવાદ ઘેરાયો: અતિક્રમણના આક્ષેપ સાથે નાથ સંપ્રદાયનો રોષ, DYSPને આવેદન

ગીરનારના ઓઘડ શિખર પર ફરી વિવાદની આગ

જૂનાગઢના ગીરનાર પર્વતને સનાતન ધર્મનું અતિ પ્રાચીન અને આસ્થાનું મહાન કેન્દ્ર માનવામાં આવે છે. શ્રી ગોરખનાથ શિખર અને શ્રી ગુરુ દત્તાત્રેય શિખર વચ્ચે આવેલું ‘ઓઘડ શિખર’ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા અને વીડિયો બાદ આ વિવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ દૃશ્યોમાં ઓઘડ શિખર પર અનઅધિકૃત રીતે ધજાઓ લગાવવી, નારાબાજી કરવી તેમજ સંરક્ષિત પથ્થરો પર લખાણો અને ચિન્હો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
 

નાથ સંપ્રદાયના સ્થાનો પર અતિક્રમણના આક્ષેપ

નાથ સંપ્રદાયના સંતો અને મહંતોએ આ કૃત્યને ગંભીર અતિક્રમણ ગણાવ્યું છે. શ્રી ગોરખનાથજીના દલીચાની જગ્યાના મહંત પીર યોગી સોમનાથજી ગુરુ રાજનાથજીએ જણાવ્યું છે કે ઓઘડ શિખર પર ઓઘડનાથજીની પ્રાચીન ચરણ પાદુકા આવેલી છે, જે રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે નોંધાયેલી છે. આ સ્થળ ગોરખનાથજીના દલીચાની જગ્યા તરીકે કાયદેસર રીતે નોંધાયેલું હોવા છતાં અહીં બહારથી આવીને હકદાવા કરવાનો પ્રયાસ થયો હોવાનું તેમણે જણાવ્યું.
 

પવિત્ર સ્થળની ગરિમા સાથે ચેડાં

યોગી અવંતિકાનાથજીએ જણાવ્યું કે, આ જગ્યા સોમનાથ બાપુના હસ્તગત હોવા છતાં ત્યાં ધજાઓ લગાડવી, નારાબાજી કરવી અને સંરક્ષિત પથ્થરો પર લખાણો કરવું એ માત્ર નિયમ ભંગ નથી, પરંતુ કરોડો સનાતનીઓની આસ્થાને ઠેસ પહોંચાડે તેવું કૃત્ય છે. તેમના કહેવા મુજબ આ પ્રકારની પ્રવૃત્તિઓથી પવિત્ર સ્થળોની ઓળખ અને પરંપરાને નુકસાન થાય છે.
 

ઉશ્કેરણીજનક નિવેદનો બાદ તણાવ વધ્યો

નાથ સંપ્રદાયના સંતોએ દિગંબર જૈન સંપ્રદાયના એક આચાર્ય પર ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનો આરોપ પણ લગાવ્યો છે. સંતોનું કહેવું છે કે આવા નિવેદનો બાદ અમુક લોકોએ ઓઘડ શિખર પર જઈને ધજા લગાવી અને લખાણો કરીને હક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાએ બે સમાજ વચ્ચે તણાવ વધાર્યો છે, જેને તાત્કાલિક શમાવવા પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
 

મહાશિવરાત્રી પહેલા અશાંતિની આશંકા
 


ગીરનારની તળેટીમાં દર વર્ષે મહાશિવરાત્રી દરમિયાન મિની કુંભ મેળો યોજાય છે, જેમાં દેશભરમાંથી લાખો ભક્તો ઉમટે છે. આવા સમયે શિખરો પર ચાલતી વિવાદાસ્પદ પ્રવૃત્તિઓથી કાયદો-વ્યવસ્થા બગડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. મહંત યોગી ત્રિલોકનાથજીએ જણાવ્યું કે સદીઓથી અહીં સનાતન પરંપરા મુજબ પૂજાવિધિ ચાલી રહી છે, પરંતુ સમયાંતરે અસામાજિક તત્વો દ્વારા અતિક્રમણ કે નવનિર્માણની કોશિશો કરવામાં આવે છે, જે સરકારના નિયમો વિરુદ્ધ છે.

 

તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ

નાથ સંપ્રદાયના સાધુ-સંતોએ જૂનાગઢ DYSPને આવેદનપત્ર આપી માંગ કરી છે કે, જેમણે આ કૃત્ય કર્યું છે અને જેમણે તેમને પ્રેરણા આપી છે, તેમની સામે પુરાતત્વ અધિનિયમ તથા અન્ય લાગુ કાયદાઓ હેઠળ FIR નોંધવામાં આવે. સાથે જ મહાશિવરાત્રીના મેળા દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માગ કરવામાં આવી છે.

હાલ આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. હવે તંત્ર દ્વારા લેવામાં આવનારા પગલાં પર સમગ્ર શહેર અને બંને સમાજોની નજર મંડાઈ છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ