મહાશિવરાત્રી મેળા માટે રાજકોટ એસટી બસપોર્ટ પર ભીડ, 180 વધારાની ટ્રિપથી ભાવિકોને રાહત

મહાશિવરાત્રી મેળા માટે રાજકોટ એસટી બસપોર્ટ પર ભીડ, 180 વધારાની ટ્રિપથી ભાવિકોને રાહત

જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળાનો 11મી ફેબ્રુઆરીથી ભવ્ય પ્રારંભ થતા રાજકોટ એસટી બસપોર્ટ પર ભાવિકો અને મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભવનાથ મહાદેવના દર્શન અને મેળાની મોજ માણવા માટે સૌરાષ્ટ્રભરના લોકો જૂનાગઢ તરફ રવાના થઈ રહ્યા છે, જેને કારણે રાજકોટ એસટી વિભાગે વિશેષ આયોજન સાથે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે.

રાજકોટ એસટી ડેપો તેમજ વિભાગ દ્વારા કુલ 30 જેટલી વધારાની બસો મુકવામાં આવી છે, જ્યારે રાજકોટ વિભાગ દ્વારા આશરે 180 જેટલી એક્સ્ટ્રા ટ્રિપ દોડાવવામાં આવી રહી છે. સામાન્ય દિવસોમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર ડિવિઝનમાં મળીને 445 જેટલી ટ્રિપ દોડે છે અને દરરોજ આશરે 40,000 મુસાફરો અવરજવર કરે છે. પરંતુ મહાશિવરાત્રી મેળાને અનુલક્ષીને મુસાફરોની સંખ્યા વધીને 55,000ને પાર પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટ એસટીના ડેપો મેનેજર ઘનશ્યામ ચગે જણાવ્યું હતું કે મહાશિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખીને 11મી ફેબ્રુઆરીથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટ બસપોર્ટ પરથી રોજના 50થી 60 જેટલી વધારાની બસો દોડશે. જૂનાગઢથી પરત આવતા ભાવિકો માટે રાજકોટ મારફતે જામનગર, અમદાવાદ અને વડોદરા માટે પણ વધારાની બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

હાલ લગ્નગાળો અને મહાશિવરાત્રી મેળા બંનેને કારણે બસ સ્ટેશનમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ટિકિટ બુકિંગ કાઉન્ટર પર લાંબી કતારો લાગી રહી છે. ઘણા મુસાફરો આગોતરા ટિકિટ બુક કરાવી રહ્યા છે, તો કેટલાક સ્થળ પર જ ટિકિટ મેળવી રહ્યા છે. ભીડ વધતા રાજકોટ ડેપોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ જ્યાં દૈનિક આવક આશરે 10 લાખ રૂપિયા હતી, ત્યાં હવે તે વધીને 12 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સમગ્ર વિભાગની આવક 60 લાખથી વધીને 70 લાખને પાર પહોંચી ગઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર એચ.આર. કટારાએ જણાવ્યું કે 11થી 15 ફેબ્રુઆરી સુધી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. રાજકોટ ડેપોની 10, ગોંડલથી 8, વાંકાનેરથી 3, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર અને લીંબડીથી 2-2 અને ચોટીલાથી 1 વધારાની બસ મુકવામાં આવી છે. મુસાફરોની સંખ્યા વધે તો વધુ બસો ઉમેરવા પણ તૈયારી રાખવામાં આવી છે.
 


મુસાફરો માટે સવા ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ ભાડું ખાનગી બસોની સરખામણીએ ઓછું છે અને સરકારી બસોમાં સલામતીની વધુ ખાતરી મળે છે. મુસાફર સમીર શેરસીયાએ જણાવ્યું કે તે વડોદરામાં અભ્યાસ કરે છે અને રાજકોટથી વડોદરા જઈ રહ્યો છે. મહાશિવરાત્રી મેળાને કારણે વધારાની બસો મુકાઈ છે તે ખૂબ જ સરાહનીય છે. ખાનગી બસોની તુલનામાં એસટીમાં મુસાફરી વધુ સુરક્ષિત અને સસ્તી પડે છે.

એસટી વિભાગે ભીડને ધ્યાનમાં રાખીને બસપોર્ટ પર વધારાનો સ્ટાફ, કતાર વ્યવસ્થા અને માર્ગદર્શન માટે કર્મચારીઓ મુક્યા છે. ખાસ કરીને જૂનાગઢ જતી બસો માટે અલગ પ્લેટફોર્મ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી ગોઠવણ જળવાઈ રહે.

મહાશિવરાત્રી મેળો પાંચ દિવસ સુધી ચાલનાર હોવાથી આવનારા દિવસોમાં મુસાફરોની સંખ્યા વધુ વધવાની શક્યતા છે. ભાવિકોને સુવિધાજનક અને સલામત મુસાફરી મળે તે માટે એસટી વિભાગ સતત મોનીટરીંગ કરી રહ્યું છે.

એક તરફ ભવનાથમાં ભક્તિનો માહોલ છવાયો છે, તો બીજી તરફ રાજકોટ એસટી બસપોર્ટ પર ભાવિકોની ભીડે મેળાનો ઉમંગ અહીં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વધારાની બસો અને ટ્રિપોના આયોજનથી હજારો મુસાફરોને રાહત મળી છે અને મેળા સુધી પહોંચવું સરળ બન્યું છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ