રાજકોટમાં 1500 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ બહાર આવ્યું, 15 એકાઉન્ટ મારફતે દેશવ્યાપી જાળ

રાજકોટમાં 1500 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ બહાર આવ્યું, 15 એકાઉન્ટ મારફતે દેશવ્યાપી જાળ

રાજકોટ ગ્રામ્ય પોલીસને ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત દેશવ્યાપી 1500 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ કૌભાંડ બહાર પાડવામાં મોટી સફળતા મળી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત વધુ ત્રણ આરોપીની તાજી ધરપકડ સાથે કુલ નવ શખ્સો પોલીસ કબજામાં આવ્યા છે. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ ઓનલાઇન ગેમિંગ અને GST કૌભાંડની રકમ પણ પોતાના એકાઉન્ટમાં ફેરવતા હતા.

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે દેશભરમાંથી 15 બેન્ક એકાઉન્ટ મારફતે આશરે 1500 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ઉપરાંત ગેમિંગ અને GST સંબંધિત હેરાફેરીના નાણાં પણ જમા થતા હતા.
 

15 એકાઉન્ટ, 1500 કરોડની લેવડદેવડ

પોલીસ તપાસ અનુસાર મનીષ કમાણી, જય નાંદપરા, મિહિર રંગાણી, આદિલુદીન મહમદ અને લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવડીયાના કુલ 15 બેન્ક એકાઉન્ટમાં 1500 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી. તેમાં મનીષ કમાણીના એકાઉન્ટમાં 539 કરોડ, જય નાંદપરાના એકાઉન્ટમાં 383 કરોડ, લાલો ઝાલાવડીયાના એકાઉન્ટમાં 493 કરોડ, મિહિર રંગાણીના એકાઉન્ટમાં 87 કરોડ અને આદિલુદીન મહમદના એકાઉન્ટમાં 23 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું.

આ 15 એકાઉન્ટ સામે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કુલ 180 ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી 21 ફરિયાદો ગુજરાત રાજ્યમાંથી (રૂ. 2.94 કરોડ) અને 159 ફરિયાદો દેશના અન્ય રાજ્યોમાંથી (રૂ. 20.20 કરોડ) નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. માત્ર સાયબર ફ્રોડ તરીકે જ લગભગ 23 કરોડથી વધુ રકમ જમા થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.
 


માર્કેટિંગ યાર્ડ સાથે એકાઉન્ટ લિંક

તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ મોટા ભાગે યસ બેંક, એક્સિસ બેંક અને ICICI બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. ખાસ કરીને યસ બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું કારણ એ હતું કે તેની દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ સમાન રીતે કાર્ય કરતી હોવાથી નિયંત્રણ ઓછા રહેતા હતા.

આરોપીઓ પોતાના બેન્ક એકાઉન્ટને માર્કેટિંગ યાર્ડની પેઢી સાથે લિંક કરાવતા હતા. એગ્રિકલ્ચર પેઢીને મળતી ટેક્સ રાહત અને TDS ન કપાતાની સુવિધાનો લાભ લઈ તેઓ કરોડો રૂપિયાની લેવડદેવડ સરકારની નજરથી દૂર રાખતા હતા. આ રીતે તેઓ સાયબર ફ્રોડની રકમ ઉપાડી આંગડિયા પેઢી અને બેન્ક ટ્રાન્સફર મારફતે અન્ય જગ્યાએ મોકલી દેતા હતા.
 

કમિશન પર કામ કરતું નેટવર્ક

પોલીસ તપાસમાં સામે આવ્યું કે જય નાંદપરા, મનીષ કમાણી અને પ્રવિણસિંહ પરમાર દેશભરમાંથી થતી સાયબર ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમાં સ્વીકારતા અને એક લાખ રૂપિયા પર 200થી 400 રૂપિયા સુધી કમિશન મેળવતા હતા. ગોંડલના ઋષિત રૈયાણી મિડિયેટર તરીકે કામ કરતો હતો, જે એકાઉન્ટ ખોલાવી આપવાનું અને ભાડે મેળવવાનું કામ સંભાળતો હતો.

આ કેસમાં આંગડિયા પેઢીના બે વ્યક્તિ—મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી છે. તેઓ ફ્રોડની રકમ હોવાની જાણ હોવા છતાં રોકડ ઉપાડ અને ટ્રાન્સફરમાં મદદ કરતા હતા.
 

મુખ્ય સૂત્રધાર હૈદરાબાદનો આદિલ

હૈદરાબાદનો આદિલુદીન મહમદ આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. તે આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો અને અન્ય આરોપીઓ સાથે સંકલન કરી દેશવ્યાપી ફ્રોડ ચલાવતો હતો. વર્ષ 2025માં હૈદરાબાદ DGCI કેસમાં પણ તેની ધરપકડ થઈ હતી.

હાલ પોલીસ દ્વારા ફરાર આરોપી લાલાભાઈ ઝાલાવડીયાની શોધખોળ ચાલી રહી છે. અગાઉ છ આરોપીની ધરપકડ થઈ હતી અને હવે વધુ ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે.
 

આગળની કાર્યવાહી

રાજકોટ ગ્રામ્ય પોલીસ સંલગ્ન વિભાગો સાથે સંપર્ક કરી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. GST અને ગેમિંગ સંબંધિત નાણાકીય હેરાફેરીની દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ કૌભાંડ માત્ર રાજ્ય સ્તરનો નહીં પરંતુ દેશવ્યાપી હોવાનું સામે આવતા તપાસ એજન્સીઓ વધુ સતર્ક બની છે.

આ સમગ્ર કેસે ફરી એકવાર સાયબર ક્રાઇમની ગંભીરતા અને બેન્કિંગ સિસ્ટમમાં રહેલી ખામીઓ પર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે. પોલીસે જનતાને સાવચેત રહેવા અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર જાણ કરવા અપીલ કરી છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો