રેલ્વેમાં ઈ-પેન્ટ્રી સેવા શરૂ, મુસાફરી પહેલાં જ મનપસંદ ભોજન ઑનલાઇન બુક કરવાની સુવિધા ઉપલબ્ધ Feb 10, 2026 રેલ્વે મુસાફરોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પગલું ઉમેરાયું છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા 25 મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ઈ-પેન્ટ્રી સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધાથી મુસાફરો હવે ટિકિટ બુક કરતી વખતે અથવા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ પોતાનું મનગમતું ભોજન ઑનલાઇન બુક કરી શકશે, જેના કારણે મુસાફરી દરમિયાન ખોરાક માટે થતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે.IRCTCના જણાવ્યા મુજબ, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ઘણી વખત ટિકિટ ભાડામાં ભોજનનો સમાવેશ થતો નથી. આવી સ્થિતિમાં મુસાફરોને ટ્રેનમાં ઉપલબ્ધ ભોજનની ગુણવત્તા, સમયસર ડિલિવરી અને ચુકવણી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ઈ-પેન્ટ્રી સેવા શરૂ કરવામાં આવી છે, જે સંપૂર્ણપણે ડિજિટલ સોલ્યુશન પર આધારિત છે અને પેન્ટ્રી કાર સાથે સંકળાયેલી પસંદગીની ટ્રેનોમાં લાગુ કરવામાં આવી છે.ઈ-પેન્ટ્રી સેવાના પ્રારંભ સાથે હવે મુસાફરો તેમની મુસાફરી શરૂ થાય તે પહેલાં જ ભોજનનું પ્રી-બુકિંગ કરી શકે છે. આ સેવા ખાસ કરીને એવા મુસાફરો માટે લાભદાયી સાબિત થશે, જેઓ લાંબી મુસાફરી દરમિયાન સ્વચ્છ, ગુણવત્તાવાળું અને સમયસર ભોજન મેળવવા ઇચ્છે છે. મુસાફરોને હવે ટ્રેનમાં ભોજન ઉપલબ્ધ છે કે નહીં તેની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે પ્રી-બુક કરેલું ભોજન સીધું તેમની સીટ પર પહોંચાડવામાં આવશે. બુકિંગ ક્યાં અને કેવી રીતે કરશો?IRCTC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઈ-પેન્ટ્રી સેવા IRCTCની અધિકૃત વેબસાઇટ અને ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ સાથે સંપૂર્ણ રીતે સંકલિત કરવામાં આવી છે. મુસાફરો ટિકિટ બુક કરતી વખતે જ ભોજન બુક કરી શકે છે અથવા ટિકિટ બુક કર્યા બાદ પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. કન્ફર્મ, RAC તેમજ આંશિક રીતે કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો આ સેવા માટે પાત્ર રહેશે.મુસાફરો સ્ટાન્ડર્ડ મીલ્સ ઉપરાંત ‘રેલ નીર’ પાણીનું પણ પ્રી-ઓર્ડર આપી શકે છે. આ તમામ ઓર્ડર પેન્ટ્રી કારના સ્ટાફ દ્વારા ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય સમયે અને યોગ્ય સીટ પર પહોંચાડવામાં આવશે, જેથી મુસાફરોને કોઈ અસુવિધા ન થાય. ઈ-પેન્ટ્રી સેવાની મુખ્ય વિશેષતાઓઆ નવી સુવિધાની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર પ્રક્રિયા ડિજિટલ બનાવવામાં આવી છે. મુસાફરો સરળતાથી ઑનલાઇન મીલ બુકિંગ કરી શકે છે, જેમાં તેમને ખોરાકના વિકલ્પો પસંદ કરવાની સુવિધા મળશે. આ ઉપરાંત, કેશલેસ ચુકવણીની વ્યવસ્થા હોવાથી મુસાફરી દરમિયાન રોકડ વ્યવહારોની જરૂરિયાત સંપૂર્ણપણે દૂર થાય છે. ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ દ્વારા સુરક્ષિત રીતે ચુકવણી કરી શકાય છે.ભોજન યોગ્ય મુસાફરને જ પહોંચે તે માટે મીલ વેરિફિકેશન કોડ (MVC)નો ઉપયોગ કરવામાં આવે છે. આ કોડ દ્વારા ખાતરી કરવામાં આવે છે કે ભોજન ખોટી જગ્યાએ કે ખોટી વ્યક્તિને આપવામાં ન આવે. આથી ભોજન ડિલિવરીની વિશ્વસનીયતા પણ વધે છે.જો કોઈ કારણસર બુકિંગ મુજબ ભોજનની ડિલિવરી ન થાય તો મુસાફરોને રિફંડ આપવામાં આવશે. રદ કરવાની પ્રક્રિયા અને રિફંડની વિગતો ઇમેઇલ, SMS અથવા WhatsApp મારફતે મુસાફરોને જાણ કરવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. મુસાફરો માટે મોટી રાહતઈ-પેન્ટ્રી સેવાની શરૂઆત રેલ્વેના ડિજિટલાઇઝેશન અને મુસાફર કેન્દ્રિત સેવાઓ તરફના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સુવિધાથી મુસાફરોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે. ખાસ કરીને વ્યસ્ત ટ્રેનોમાં અથવા લાંબા અંતરની મુસાફરી દરમિયાન હવે ભોજન અંગેની અનિશ્ચિતતા દૂર થશે.IRCTC દ્વારા શરૂ કરાયેલ આ નવી સેવા આગામી સમયમાં વધુ ટ્રેનોમાં વિસ્તરવાની શક્યતા છે. રેલ્વે મુસાફરો માટે આ પગલું નિશ્ચિતરૂપે સુવિધા, વિશ્વાસ અને ગુણવત્તાનો નવો ધોરણ સ્થાપિત કરશે. Previous Post Next Post