રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન, ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન Feb 28, 2026 પ્રાકૃતિક અને ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલું રૂપે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે એક દિવસીય પ્રાકૃતિક ખેતી સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીના હસ્તે રિબન કટ કરીને સ્ટોલનું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ, કૃષિ વિભાગના પ્રતિનિધિઓ અને ખેડૂતોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી આ ફાર્મર્સ માર્કેટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને સીધો બજાર ઉપલબ્ધ કરાવવા માટે આ પહેલ હાથ ધરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું અને કેટલીક ચીજવસ્તુઓની ખરીદી પણ કરી. સાથે સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહિત કર્યા. આ એક દિવસીય ફાર્મર્સ માર્કેટમાં ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ હેઠળ નોંધાયેલા ખેડૂતો ભાગ લીધો હતો. ખાસ કરીને જસદણ, કોટડાસાંગાણી, જામકંડોરણા સહિતના તાલુકાઓના ગામોમાંથી ખેડૂતો પોતાના ઓર્ગેનિક ઉત્પાદનો લઈને આવ્યા હતા. પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા શાકભાજી અને કઠોળ ઉપરાંત હરદળ, રાય, જીરુ જેવી મસાલા વસ્તુઓ પણ ઉપલબ્ધ હતી. દેશી ગોળ, સિંગતેલ, ગુલકંદ જેવી ઘરગથ્થુ વસ્તુઓ સાથે આયુર્વેદિક સાબુ, ધૂપ, માટીના દીવા જેવી પરંપરાગત અને સ્વદેશી ચીજો પણ વેચાણ માટે મુકવામાં આવી હતી.પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતર અને જીવાણુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના, પરંપરાગત અને સ્વાભાવિક પદ્ધતિથી પાક ઉગાડવામાં આવે છે. આવી પદ્ધતિથી ઉગાડેલા પાક સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયી ગણાય છે અને જમીનની ઉપજાઉ શક્તિ પણ જળવાઈ રહે છે. સ્ટોલમાં આવેલા ખેડૂતો જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનની ગુણવત્તા પણ સુધરે છે.કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે લોકો વધુને વધુ ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરે તે સમયની માંગ છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રાકૃતિક રીતે ઉગાડેલા અનાજ અને શાકભાજીનું મહત્વ વધ્યું છે. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે અને આવા સ્ટોલ દ્વારા ખેડૂત અને ગ્રાહક વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થાય છે.જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે પણ પ્રાકૃતિક ખેતીના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતીના વધતા પ્રભાવને કારણે જમીન અને માનવ સ્વાસ્થ્ય પર અસર પડે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી પર્યાવરણમૈત્રી છે અને લાંબા ગાળે લાભદાયી સાબિત થાય છે. તેમણે ખેડૂતોને વધુ પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ગ્રાહકોને આવા ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ વાદી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા કરી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સંકલ્પ વ્યક્ત કર્યો.આવો ફાર્મર્સ માર્કેટ માત્ર વેચાણ માટે નહીં પરંતુ જાગૃતિ ફેલાવવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. શહેરના લોકો પ્રાકૃતિક ઉત્પાદનો અંગે માહિતગાર થાય છે અને ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળે છે. રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આયોજિત આ પ્રાકૃતિક ખેતી સ્ટોલ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનો પ્રત્યે લોકોમાં રસ અને વિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતીના વિસ્તાર માટે સકારાત્મક પગલું સાબિત થશે. Previous Post Next Post