આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી અને ગદા આકારની પિચકારીઓનું આગમન, બજારમાં રંગોત્સવની ધમાલ

આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી અને ગદા આકારની પિચકારીઓનું આગમન, બજારમાં રંગોત્સવની ધમાલ

રંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને શહેરના બજારોમાં રંગોત્સવની રંગીન ઝલક જોવા મળી રહી છે. નાના બાળકો હોય કે યુવાઓ અને સિનિયર સિટીઝનો – દરેક વર્ગમાં ઉત્સાહ છલકાઈ રહ્યો છે. ખાસ કરીને આ વર્ષે બજારમાં આવી રહેલી અનોખી અને આકર્ષક ડિઝાઇનની પિચકારીઓ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

આ વર્ષે પરંપરાગત પિચકારીઓ સાથે ધાર્મિક અને કાર્ટૂન થીમ પર આધારિત પિચકારીઓ ખાસ આકર્ષણ બની છે. હનુમાનજીની ગદા, ત્રિશૂલ, તલવાર, ફરસી, હથોડી, ડમરૂ, વાસળી, માછલી અને છત્રી આકારની પિચકારીઓ બાળકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. ઉપરાંત છોટા ભીમ, ડોરેમોન, સ્પાઇડરમેન, બાર્બી ડોલ, ડાયનોસોર, એલીફન્ટ, ક્રોકોડાઈલ અને પબ્જી થીમ જેવી ડિઝાઇન પણ ઉપલબ્ધ છે. કેટલીક પિચકારીઓ સ્કૂલબેગની જેમ ખભા પર લટકાવી શકાય તેવી બનાવવામાં આવી છે, જે બાળકોને વધુ આકર્ષે છે.

વેપારીઓ જણાવે છે કે આ વર્ષે લગભગ 50થી વધુ વેરાયટીની પિચકારીઓ બજારમાં આવી છે. સામાન્ય પિચકારી રૂ. 70થી શરૂ થઈ રૂ. 450 સુધી ઉપલબ્ધ છે. મશીનગન, પ્રેશરગન, સ્વીચ ગન અને ટેન્ક મોડલ જેવી પિચકારીઓ ખાસ કરીને યુવાઓમાં લોકપ્રિય છે. એક જ બટન દબાવતા જેટ ગતિએ પાણી અને રંગની છોળ ઉડાડતી મેજિક ગન પણ બજારમાં ઉપલબ્ધ છે, જે રંગોત્સવને વધુ રોમાંચક બનાવે છે.

પ્લાસ્ટિકના ભાવમાં વધારાને કારણે પિચકારીઓના ભાવમાં અંદાજે 10થી 15 ટકા જેટલો વધારો નોંધાયો છે. છતાં પણ ખરીદદારોમાં ઉત્સાહ ઓછો થયો નથી. વેપારીઓ કહે છે કે ભાવવધારા છતાં વેચાણ સારી ગતિએ થઈ રહ્યું છે. લોકો ગુણવત્તા અને નવીન ડિઝાઇનને વધુ મહત્વ આપી રહ્યા છે.

પિચકારી ઉપરાંત બજારમાં નવા પ્રકારના નોઝલ ફુગ્ગા પણ આવ્યા છે. આ ફુગ્ગા મોઢેથી ફુલાવવાના બદલે નળ નીચે રાખતા જ એકસાથે 150થી 500 ફુગ્ગા પાણીથી ભરાઈ જાય છે. ગુલાલ નોઝલ સ્પ્રે અને અન્ય નવીન પ્રોડક્ટ્સ પણ ગ્રાહકોમાં રસ જગાવી રહી છે.

રંગોની બાબતમાં પણ આ વર્ષે ખાસ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુવાઓ અને માતા-પિતાઓ હવે હર્બલ અને ઓર્ગેનિક કલર તરફ વધુ વળી રહ્યા છે. મકાઈના પાવડરમાંથી બનાવાયેલા ઓર્ગેનિક રંગો ત્વચા માટે સુરક્ષિત માનવામાં આવે છે. સામાન્ય કેમિકલ રંગો મોઢામાં જવાથી એલર્જી અથવા ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે, જ્યારે ઓર્ગેનિક રંગો સલામત ગણાય છે. તેથી બજારમાં ઓર્ગેનિક રંગોની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે.

ગુલાલ તો હંમેશાની જેમ ઓલટાઇમ ફેવરિટ રહ્યો છે. ઘણા લોકો કલરની જગ્યાએ ગુલાલથી જ ધૂળેટી ઉજવવાનું પસંદ કરે છે. હાલમાં પિચકારીઓની ખરીદી વધુ થઈ રહી છે, જ્યારે રંગોની ખરીદીમાં અંતિમ બે દિવસોમાં વધુ વેગ આવશે તેવી વેપારીઓ આશા વ્યક્ત કરે છે.

ધૂળેટીના પ્રસંગે મહિલાઓમાં પણ નવી તૈયારી જોવા મળી રહી છે. ચહેરા પર કલર ન લાગે તે માટે ફેસ માસ્ક લગાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. અનેક મહિલાઓ રંગોત્સવ પહેલાં ચહેરાની કાળજી લેવા માટે બ્યુટી પાર્લરમાં એડવાન્સ બુકિંગ કરાવી રહી છે. ચહેરાને નિખારવા અને વાળને મુલાયમ રાખવા માટે સ્ટ્રેટનિંગ તથા અન્ય ટ્રીટમેન્ટ માટે પણ માંગ વધી છે.

આ રીતે ધૂળેટી પર્વને લઈને જૂનાગઢ શહેરમાં રંગીન માહોલ જામ્યો છે. નવીન પિચકારીઓ, હર્બલ રંગો અને વધતા ઉત્સાહ વચ્ચે આ વર્ષની ધૂળેટી વધુ યાદગાર બનશે તેવી આશા સૌમાં વ્યક્ત થઈ રહી છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો