મોરબીનું રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય બન્યું જૈવ વૈવિધ્યનું જીવતું ઉદાહરણ: સિંહ–દીપડાથી લઈને 100થી વધુ પ્રજાતિઓનો સુરક્ષિત વસવાટ

મોરબીનું રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય બન્યું જૈવ વૈવિધ્યનું જીવતું ઉદાહરણ: સિંહ–દીપડાથી લઈને 100થી વધુ પ્રજાતિઓનો સુરક્ષિત વસવાટ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય આજે સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ વન્યજીવન કેન્દ્ર તરીકે ઓળખાય છે. મોરબી શહેરથી અંદાજે 50 કિ.મી. અને વાંકાનેરથી 16 કિ.મી.ના અંતરે સ્થિત આ અભ્યારણ્ય 15.01 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ગુજરાત સરકારના મોરબી વન વિભાગના સંચાલન હેઠળ આવતું આ અભ્યારણ્ય વન્યપ્રાણી સંરક્ષણ, જૈવ વૈવિધ્ય અને પ્રકૃતિ શિક્ષણના દૃષ્ટિકોણે વિશેષ મહત્વ ધરાવે છે.

મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનીલ કુમાર બેરવાલ (ભા.વ.સે.)ના જણાવ્યા અનુસાર રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં 100થી વધુ જાતના વન્યપ્રાણીઓ જોવા મળે છે. અહીં 20થી વધુ જાતના સસ્તન પ્રાણીઓનો વસવાટ છે. જેમાં દીપડો, ઝરખ, વરૂ (નાર), ચિંકારા, નીલગાય, જંગલી ભૂંડ, શિયાળ અને સસલા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ સાથે સરિસૃપ વર્ગમાં અજગર, નાગ (કોબ્રા), વાઇપર, ધામણ સહિત 15થી વધુ જાતો નોંધાયેલી છે. કરોળિયા અને રંગબેરંગી પતંગિયાં જેવી નાની જીવસૃષ્ટિ પણ અહીંના જૈવ વૈવિધ્યને વધુ સમૃદ્ધ બનાવે છે.

રામપરા અભ્યારણ્ય પક્ષીપ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં 150થી વધુ જાતના સ્થાનિક તથા યાયાવર પક્ષીઓ જોવા મળે છે. મોર, ખેરખટ્ટો, બ્રાહ્મણી મેના, બુલબુલ, દરજીડો, લાવરી, સુગરી, તેતર, ચકકરખોરા જેવા પક્ષીઓ ઉપરાંત નાની સિસોટી, બતખ, દુધરાજ અને ટીલાવાળી બતખ અહીં માળા બાંધે છે. ચોમાસા દરમિયાન ચાતક અને નવરંગ (ઇન્ડિયન પીટ્ટા) જેવા પક્ષીઓ મહેમાન બની આવે છે, જ્યારે શિયાળામાં કુંજ, પેણ અને વિવિધ જાતની બતખો અહીં જોવા મળે છે. શિકારી પક્ષીઓમાં શીકરા અને બાજ પણ આ વિસ્તારના પર્યાવરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
 


આ અભ્યારણ્યનું વિશેષ મહત્વ એશિયાઈ સિંહોના જીન-પૂલ પ્રોજેક્ટને કારણે પણ છે. ડો. બેરવાલ જણાવે છે કે વર્ષ 2008માં રામપરા અભ્યારણ્યને સિંહોના જીન-પૂલ માટે પસંદ કરવામાં આવ્યું હતું. હાલમાં અહીં 12 સિંહ માટે 6 વિશાળ એન્કલોઝર તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત ચિત્તલ, સાંભર અને ચિંકારાના બ્રિડિંગ સેન્ટરો પણ અહીં કાર્યરત છે, જ્યાં પ્રાણીઓ માટે છાંયડા, ખોરાક અને આરોગ્યની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.

વન્યપ્રાણીઓના આરોગ્ય માટે દવાખાનું, પશુ ચિકિત્સક, સહાયક સ્ટાફ અને પ્રાણીઓના હેરફેર માટે વાહન સુવિધા ઉપલબ્ધ છે. દૈનિક ખોરાક તૈયાર કરવા માટે અલગ રૂમ બનાવવામાં આવ્યા છે અને દેખરેખ માટે વોચ ટાવરો ઉભા કરાયા છે. પ્રાણીઓના કુદરતી રહેઠાણમાં બિનજરૂરી ખલેલ ન પડે તે હેતુસર આ અભ્યારણ્ય જાહેર જનતા માટે પ્રતિબંધિત રાખવામાં આવ્યું છે.

રામપરા અભ્યારણ્ય વનસ્પતિની દૃષ્ટિએ પણ સમૃદ્ધ છે. અહીં આશરે 400 જેટલી વનસ્પતિની જાતો જોવા મળે છે. જેમાં ભૂરી શંખાવલિ જેવી લુપ્ત થતી વનસ્પતિ, ગુગળ, ખરખોડી, કેરડા, લોદરી, ખાખરો, સલાય, ખજુરી જેવી ઔષધિય વનસ્પતિઓ તેમજ વડ, પીપળો, તાડ, રોહિડો, સીસમ, દેશી બાવળ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.

ઇતિહાસ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચે જણાવ્યું કે આ વિસ્તાર અગાઉ “રામપરા વીડી” અથવા “ભોજપરા વીડી” તરીકે ઓળખાતો અને વાંકાનેરના રાજવી પરિવારની માલિકીમાં હતો, જ્યાં શિકારની પ્રવૃત્તિઓ થતી હતી. હાલ વન વિભાગ દ્વારા ભૂમિ-ભેજ સંરક્ષણ, પાણી સંગ્રહ, વૃક્ષારોપણ અને રહેઠાણ સુધારણા જેવા અનેક વિકાસકામો કરવામાં આવે છે. વરસાદી પાણીના સંગ્રહ માટે 1998માં તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ડિસેમ્બર 2017થી અભ્યારણ્યની આસપાસ 31.08 વર્ગ કિ.મી. વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે જનજાગૃતિ માટે દર વર્ષે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજાય છે. ચાલુ વર્ષે 17 શિબિરોમાં 860 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ રીતે રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય વન્યજીવન સંરક્ષણ સાથે પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું પણ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ