રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISFની સતર્કતા: 5 કરોડની કિંમતી ઘડિયાળ ગણતરીની મિનિટોમાં પરત, ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડની કામગીરીને સર્વત્ર પ્રશંસા Feb 10, 2026 હિરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISFની સતર્કતા અને ઝડપી કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા મુંબઈ જઈ રહેલા એક NRI પેસેન્જરની અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતી ઘડિયાળ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. જોકે, CISF ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડની ઝડપી સમજદારી અને તાત્કાલિક કાર્યવાહીથી ગણતરીની મિનિટોમાં જ ચોર ઝડપાયો અને ઘડિયાળ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવી, જેના કારણે એક મોટી ચોરી ટળી ગઈ.આ ઘટના તારીખ 20 જાન્યુઆરી 2026ના રોજ સવારે આશરે 8:35 વાગ્યાની છે. રાજકોટથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડનના રહેવાસી અને એરલાઇનના ગોલ્ડ કાર્ડ મેમ્બર ઔમેશ મોઢવાડિયા મુસાફરી કરી રહ્યા હતા. બોર્ડિંગ પૂર્વે સુરક્ષા ચેકિંગ દરમિયાન તેમણે પોતાનો સામાન સ્કેનિંગ માટે ટ્રેમાં મૂક્યો હતો. આ ટ્રેમાં તેમની અત્યંત કિંમતી અને દુર્લભ ઘડિયાળ પણ રાખવામાં આવી હતી. ચેકિંગ પૂર્ણ થયા બાદ થોડા જ સમય પછી ઔમેશ મોઢવાડિયાને તેમની ઘડિયાળ નજરે ન પડતાં તેમણે તરત જ શંકા વ્યક્ત કરી હતી.ઘડિયાળ ગાયબ હોવાનું જણાતાં જ ઔમેશ મોઢવાડિયાએ તરત CISF ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડને સમગ્ર ઘટના અંગે જાણ કરી. ઇન્સ્પેક્ટર રાઠોડે મામલાની ગંભીરતા સમજી કોઈપણ વિલંબ કર્યા વિના તરત એક્શનમાં આવ્યા. તેમણે એરપોર્ટ પર હાજર CISFના અધિકારીઓને સાથે લઈને પાંચ અલગ-અલગ ટીમો રચી અને સમગ્ર એરપોર્ટ પર સર્ચ ઓપરેશન શરૂ કરાવ્યું. સાથે સાથે સુરક્ષા ચેકિંગ વિસ્તાર તેમજ અન્ય મહત્વના પોઈન્ટ્સના CCTV ફૂટેજની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન ફ્લાઇટ ઉપડવાની તૈયારીમાં જ હતી, જેથી સમય અત્યંત મહત્વનો હતો. CCTV ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ પેસેન્જર ટ્રે પાસે અસામાન્ય હરકત કરતો દેખાયો. વધુ તપાસમાં ખુલ્યું કે ધનંજય લક્ષ્મણ વાંબલે નામના મુસાફરે તકનો લાભ લઈ ટ્રેમાંથી ઘડિયાળ ઉપાડી લીધી હતી. CISF ટીમે કોઈપણ વિલંબ કર્યા વગર આ પેસેન્જરને રોકી પૂછપરછ શરૂ કરી, જેમાં અંતે ચોરી કરેલી ઘડિયાળ તેની પાસેથી મળી આવી.ચોરને ઝડપ્યા બાદ CISF દ્વારા તમામ ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરી ઘડિયાળ તેના મૂળ માલિક ઔમેશ મોઢવાડિયાને પરત સોંપવામાં આવી. અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતી ઘડિયાળ સુરક્ષિત રીતે પરત મળતાં મુસાફરે CISF અને ખાસ કરીને ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો. CISF તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ ઔમેશ મોઢવાડિયાને મુંબઈથી લંડન માટે કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની હોવાથી તેમણે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો.આ સમગ્ર ઘટનાના સમયે એરપોર્ટ પર રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દિલ્હી જવા માટે હાજર હતા. ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડે ઘટના અંગે સાંસદ રામભાઈ મોકરીયાને માહિતગાર કરતા તેમણે CISFની ઝડપી કાર્યવાહી, સતર્કતા અને નિષ્ઠાપૂર્વકની ફરજની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. અન્ય સાંસદોએ પણ આ કામગીરીને બિરદાવી CISF ટીમને અભિનંદન પાઠવ્યા હતા.આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા માત્ર ઔપચારિકતા નથી, પરંતુ સતર્ક અધિકારીઓના કારણે મુસાફરોની અમૂલ્ય સંપત્તિ સુરક્ષિત રહે છે. CISF ઇન્સ્પેક્ટર નરપતસિંહ રાઠોડ અને તેમની ટીમની કામગીરીએ રાજકોટ એરપોર્ટ પર સુરક્ષાના સ્તરને વધુ મજબૂત બનાવ્યું છે અને મુસાફરોમાં વિશ્વાસ પણ વધાર્યો છે. Previous Post Next Post