બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસનો પ્રકોપ ફરી એકવાર ચિંતા જગાવતો બન્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યમાં વધુ ત્રણ લોકોમાં નિપાહ વાઈરસના લક્ષણો જોવા મળ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે. અગાઉ બે સ્વાસ્થ્ય કર્મીઓમાં નિપાહની પુષ્ટિ થઈ હતી, જ્યારે હવે નવા ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ પર આવી ગયું છે.
 
ICUમાં સારવાર, હાલત ગંભીર

નિપાહ વાઈરસથી સંક્રમિત બંને સ્વાસ્થ્ય કર્મીઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કર્મીઓ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા, જેના કારણે તેઓને ચેપ લાગ્યો હોવાની શંકા છે. સંક્રમણના પગલે 120થી વધુ લોકોને ટ્રેક કરી તેમને હોમ ક્વોરન્ટાઈન અને આઈસોલેશનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
ડોક્ટરો દ્વારા એલર્ટ જાહેર

વધતા કેસોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના ડોક્ટરો અને આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. નિપાહ વાઈરસનો સંક્રમણ દર અને મૃત્યુદર બંને ખૂબ ઊંચા હોવાથી તેને અત્યંત ખતરનાક માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, નિપાહ વાઈરસથી સંક્રમિત થયેલા લોકોમાંથી અંદાજે 40થી 70 ટકા લોકોના મોત થવાની શક્યતા રહે છે. આ જ કારણોસર લોકોને વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

આરોગ્ય તંત્ર માટે વધુ ચિંતાજનક બાબત એ છે કે સંક્રમિત દર્દીઓની કોઈપણ પ્રકારની રાજ્ય બહારની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી, જેના કારણે સ્થાનિક સ્તરે સંક્રમણ ફેલાવાની શક્યતા વધી ગઈ છે.
 
70 ટકા સુધી મૃત્યુદર: અત્યંત જીવલેણ વાઈરસ

નિપાહ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Fruit Bats) દ્વારા ફેલાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચામાચીડિયાની લાળ, પેશાબ અથવા તેના સંપર્કમાં આવેલા ખોરાક દ્વારા આ વાઈરસ મનુષ્યોમાં પ્રવેશ કરી શકે છે. કેટલીક વખત આ વાઈરસ ડુક્કર જેવા પશુઓ મારફતે પણ મનુષ્યોમાં ફેલાઈ શકે છે. ઊંચા મૃત્યુદરને કારણે નિપાહ વાઈરસને વિશ્વના સૌથી ખતરનાક વાયરસોમાંનો એક ગણવામાં આવે છે.
 
નિપાહ વાઈરસ કેવી રીતે ફેલાય છે?

  • પ્રાણીઓથી મનુષ્યોમાં: ચામાચીડિયા અથવા ડુક્કરના મળ, મુત્ર કે લાળથી દુષિત થયેલું ભોજન લેતા ચેપ લાગી શકે છે.
  • મનુષ્યોમાંથી મનુષ્યોમાં: સંક્રમિત વ્યક્તિની લાળ, લોહી, શરીરના અન્ય પ્રવાહી અથવા છીંક-ખાંસીના સંપર્કથી પણ આ વાઈરસ ફેલાઈ શકે છે.
     
નિપાહ વાઈરસના લક્ષણો

  • ઇન્ક્યુબેશન પીરિયડ: વાઈરસ શરીરમાં પ્રવેશ કર્યા બાદ 4થી 14 દિવસમાં લક્ષણો દેખાય છે.
  • શરૂઆતના લક્ષણો: તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી, થાક.
  • ગંભીર લક્ષણો: શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, દિશાભ્રમ, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજમાં સોજો).

આરોગ્ય વિભાગે લોકોને અનાવશ્યક ભીડથી દૂર રહેવા, સ્વચ્છતા જાળવવા અને કોઈ પણ લક્ષણ જણાય તો તરત તબીબી સલાહ લેવા અપીલ કરી છે.

You may also like

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ

રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ

ઠંડીનો બોકાસો: સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી યથાવત, અમરેલી 6 ડિગ્રી સૌથી ઠંડું, ગિરનાર 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો

ઠંડીનો બોકાસો: સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી યથાવત, અમરેલી 6 ડિગ્રી સૌથી ઠંડું, ગિરનાર 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો