બુધવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવનાથ મહાદેવની આરતી, મહાશિવરાત્રી મેળાનું લાઈવ પ્રસારણ થશે Feb 09, 2026 ગરવા ગીરનારની ગોદમાં વસેલું ઐતિહાસિક ભવનાથ ધામ આવતી તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા મહાશિવરાત્રીના ભવ્ય મેળાને લઈને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. રાજ્ય સરકાર, જિલ્લા તંત્ર અને મેળા આયોજન સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે ભવનાથ મહાશિવરાત્રી મેળો અનેક રીતે વિશેષ અને ઐતિહાસિક બનવાનો છે, કારણ કે પ્રથમ વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારના ઉચ્ચ પદાધિકારીઓ મેળામાં ઉપસ્થિત રહેશે.મેળાના પ્રથમ દિવસે એટલે કે બુધવાર તા. 11 ફેબ્રુઆરીના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભવનાથ મહાદેવની આરતી કરશે. ખાસ વાત એ છે કે આ આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જેથી દેશ-વિદેશમાં બેઠેલા ભક્તો પ્રથમ વખત ઘર બેઠા ભવનાથ મહાદેવના દર્શન અને આરતીનો લાભ લઈ શકશે. હર્ષ સંઘવી બે વખત કરશે જુનાગઢની મુલાકાતનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મહાશિવરાત્રી મેળા દરમિયાન બે વખત જુનાગઢ આવશે. પ્રથમ વખત તેઓ તા. 11 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યે કેશોદ એરપોર્ટ પર વિમાન દ્વારા પહોંચશે. ત્યાંથી કાર મારફતે સીધા ભવનાથ મંદિર ખાતે જશે. ભવનાથ પહોંચ્યા બાદ તેઓ વિવિધ અખાડાના સાધુ-સંતો અને મહંતોની રૂબરૂ મુલાકાત લઈ તેમનું આશીર્વાદ મેળવશે. આ ઉપરાંત હર્ષ સંઘવી ભવનાથ વિસ્તારમાં આવેલા તમામ અખાડાઓની મુલાકાત લેશે અને સાધુ-સંતો સાથે સંવાદ કરશે. તેઓ ભવનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજા-અર્ચન અને આરતીમાં ભાગ લેશે, જે સમગ્ર મેળાનું મુખ્ય આકર્ષણ બનશે. ડમરૂ યાત્રા અને શાહી રવેડીમાં રહેશે સહભાગીમેળાની શોભામાં વધારો કરતી પરંપરાગત અને આકર્ષક ડમરૂ યાત્રામાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થશે. ડમરૂ યાત્રા દરમિયાન સાધુ-સંતો, નાગા સાધુઓ અને ભક્તોની ભવ્ય હાજરી વચ્ચે મહાદેવની ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાય છે.મેળાના સમાપન દિવસે મહાશિવરાત્રીના રોજ પણ હર્ષ સંઘવી વિશેષ હાજરી આપશે અને શાહી રવેડીના દિવ્ય દર્શન કરશે. શાહી રવેડી મહાશિવરાત્રી મેળાની સૌથી મહત્વપૂર્ણ અને પરંપરાગત વિધિ ગણાય છે, જેમાં દેશભરના નાગા સાધુઓ ભાગ લે છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મેળોઆ વર્ષે ભવનાથ મહાશિવરાત્રી મેળામાં પ્રથમ વખત અદ્યતન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થવાનો છે. મેળા વિસ્તારમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાની દૃષ્ટિએ તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.મેળાના પાંચ દિવસ દરમિયાન ટેકનોલોજી અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળશે. લાઈવ પ્રસારણ, ડિજિટલ મોનિટરિંગ અને આધુનિક સુવિધાઓથી ભક્તોને વધુ સુગમ અને સુરક્ષિત અનુભવ મળશે. દાતાઓનું સન્માન અને સરકારની ખાસ હાજરીનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેળાના આયોજનમાં સહયોગ આપનારા દાતાઓનું સન્માન કરશે. પ્રથમ દિવસની કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ ટ્રેન મારફતે પરત ફરશે. રાજ્ય સરકાર તરફથી મહાશિવરાત્રી મેળાને સફળ બનાવવા માટે તમામ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.ભવનાથ મહાશિવરાત્રી મેળો માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો મેળો છે. આ વર્ષે સરકારની સીધી હાજરી, લાઈવ પ્રસારણ અને ટેકનોલોજીના ઉપયોગથી ભવનાથનો મેળો એક નવી ઊંચાઈએ પહોંચશે તેવું માનવામાં આવી રહ્યું છે. Previous Post Next Post