રાજકોટ ભાજપમાં રાજકીય ગરમાવો: કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની નોટિસ મુદ્દે વિવાદ, કાનૂની અભિપ્રાય લેશે ભાજપ

રાજકોટ ભાજપમાં રાજકીય ગરમાવો: કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાની નોટિસ મુદ્દે વિવાદ, કાનૂની અભિપ્રાય લેશે ભાજપ

રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણમાં શાસક ભારતીય જનતા પાર્ટીમાં અચાનક હલચલ મચી છે. વોર્ડ નંબર–7ના સિનિયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુક્લને સતત ત્રણ જનરલ બોર્ડ બેઠકમાં ગેરહાજર રહેવાના મુદ્દે બરતરફ કરવાની કાર્યવાહી શરૂ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા આ બાબતે કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે, જેના પગલે ભાજપની આંતરિક લોબીમાં અનેક પ્રકારની અટકળો અને જૂથવાદની ચર્ચા ઉઠી છે.

આ સમગ્ર મામલે આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સમક્ષ પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ચાર્જ સેક્રેટરીએ નિયમ મુજબ પોતાની ફરજ બજાવી છે અને સમગ્ર મુદ્દે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાનૂની અભિપ્રાય લેવામાં આવશે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, ભાજપના તમામ કોર્પોરેટરો નેહલ શુક્લની સાથે છે અને ભાજપમાં કોઈ આંતરિક જૂથવાદ નથી.

જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, જનરલ બોર્ડની હાજરી બુકની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ત્રણ બોર્ડ બેઠકમાંથી એક બેઠકમાં નેહલ શુક્લે રજા રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમની દૃષ્ટિએ જો એક બોર્ડ બેઠક માટે રજા રિપોર્ટ માન્ય છે તો માત્ર તેના આધારે તેમને બરતરફ કરવાનું યોગ્ય નથી. જોકે, ઇન્ચાર્જ સેક્રેટરીનું માનવું છે કે, રજા રિપોર્ટ હોવા છતાં જો કોઈ કોર્પોરેટર સતત ત્રણ જનરલ બોર્ડ બેઠકમાં હાજર ન રહે, તો તેમને બરતરફ કરવાની જોગવાઈ કાયદામાં છે. આ વિસંગતતા વચ્ચે હવે ભાજપ દ્વારા કાનૂની સલાહ લઈને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
 


આ મામલે પોતાનો પક્ષ રજૂ કરતા નેહલ શુક્લે જણાવ્યું હતું કે, કાયદામાં માત્ર ‘સામાન્ય સભા’માં ગેરહાજરીનો જ ઉલ્લેખ નથી, પરંતુ જો કોઈ સભ્ય છ મહિનાની અંદર એકપણ બેઠકમાં હાજર ન રહે તો જ સભ્યપદ રદ થવાની જોગવાઈ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું ઓક્ટોબર મહિનામાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાજર રહ્યો છું અને તેની નોંધ અધિકૃત રેકોર્ડ પર ઉપલબ્ધ છે. ત્રણ જનરલ બોર્ડ બેઠકમાં અનિવાર્ય કારણોસર હું હાજર રહી શક્યો ન હતો, જેમાંથી બે બેઠકમાં મારો રજા રિપોર્ટ મંજુર કરવામાં આવ્યો હતો. તેથી મારી સામે સભ્યપદ રદ કરવાની કાર્યવાહી કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન શાસક બોડીની મુદત પૂર્ણ થવામાં હવે માત્ર 37 દિવસ બાકી રહ્યા છે. આવા સમયે આ પ્રકારનો વિવાદ ઊભો થવાથી મનપાના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા કમિશનરને લખવામાં આવેલા પત્ર બાદ ભાજપની આંતરિક લોબીમાં આ પગલું કોઈ આંતરિક દબાણ અથવા રાજકીય ઈશારે લેવાયું હોવાની ચર્ચાઓ પણ જોર પકડતી જોવા મળી રહી છે.

જીપીએમસી એક્ટની કલમ 11 મુજબ, જો કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ સતત ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહે અથવા છ મહિના સુધી ગૃહની કામગીરીથી અલિપ્ત રહે, તો તેમને પદ પરથી ગેરલાયક ઠેરવવાની જોગવાઈ છે. નેહલ શુક્લની ગેરહાજરી અંગે વિગતો મુજબ, 20 સપ્ટેમ્બર 2025ના રોજ મળેલી જનરલ બોર્ડ બેઠકમાં તેઓ હાજર રહ્યા નહોતા. 20 નવેમ્બર 2025ની બેઠકમાં તેઓ ગેરહાજર હતા પરંતુ રજા રિપોર્ટ રજૂ કર્યો હતો. જ્યારે 20 જાન્યુઆરી 2026ની બેઠકમાં પણ તેઓ રજા રિપોર્ટ બાદ હાજર રહ્યા નહોતા. આ રીતે સતત ત્રણ બેઠકમાં હાજરી ન રહેતાં સેક્રેટરી વિભાગે નિયમ મુજબ પ્રક્રિયા શરૂ કરી છે.

ભૂતકાળમાં વર્ષ 2018માં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને પણ આ જ પ્રકારના કારણોસર ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તે કેસ શહેરી વિકાસ વિભાગ અને કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ પૂર્વઘટનાને ધ્યાનમાં રાખીને હાલ તંત્ર સાવચેતીપૂર્વક આગળ વધતું જોવા મળી રહ્યું છે.
 


હાલમાં, ભાજપ દ્વારા લેવાતો કાનૂની અભિપ્રાય અને કમિશનર દ્વારા લેવામાં આવનાર નિર્ણય પર સમગ્ર શહેરનું રાજકીય ધ્યાન કેન્દ્રિત થયું છે. નેહલ શુક્લનું સભ્યપદ યથાવત રહેશે કે નહીં, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ આ ઘટનાએ રાજકોટ ભાજપની આંતરિક રાજનીતિને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો