શત્રુંજય તીર્થ વિવાદ બાદ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પર પ્રશ્નો, જૈન સિદ્ધાંતોની કડક પાલન માંગ ઉઠી રહી

શત્રુંજય તીર્થ વિવાદ બાદ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પર પ્રશ્નો, જૈન સિદ્ધાંતોની કડક પાલન માંગ ઉઠી રહી

સમસ્ત જૈન સમાજ માટે અતિ પવિત્ર અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા પાલીતાણાના શત્રુંજયગિરિ પર આવેલી શ્રી આદિશ્વર દાદાની પ્રતિમાને લઈને તાજેતરમાં સામે આવેલી ઘટનાએ સમગ્ર જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. તા.27મી જાન્યુઆરીના રોજ દાદાના દરબારના ગર્ભગૃહમાં એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી વીડિયો અને ફોટોગ્રાફી અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દેશભરના જૈન સંઘોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. આ ઘટના માત્ર એક વીડિયો સુધી સીમિત નથી રહી, પરંતુ જૈન સિદ્ધાંતો, આચાર અને પરંપરાઓના સંરક્ષણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી ગઈ છે.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એક વ્યક્તિ ધોતી પહેરીને તથા મુખકોશ બાંધીને દાદાના દરબારના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. આ સમગ્ર પ્રક્રિયા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પ્રોજેક્ટ અંતર્ગત થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે પેઢી તરફથી આ પ્રોજેક્ટને તરત જ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને શ્રી સંઘ સમક્ષ ‘મિચ્છામી દુક્કડમ’ પાઠવી માફી પણ માંગવામાં આવી, તેમ છતાં જૈન સમાજમાં ઉદ્ભવેલો આક્રોશ હજુ પણ શાંત થયો નથી.

આ સંદર્ભે જૈન અગ્રણી અશોકભાઈ જૈને જણાવ્યું હતું કે તેઓ જાતે પેઢી પર જઈને સમગ્ર વીડિયો નિહાળ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ગર્ભગૃહમાં માત્ર એક જ વ્યક્તિ પ્રવેશી હતી અને તે બ્રાહ્મણ હોવાનું કહેવામાં આવ્યું છે. વીડિયોમાં એ પણ સ્પષ્ટ થાય છે કે તેણે ભગવાનની પ્રતિમાનો સ્પર્શ કર્યો નથી. દાદાના ચરણને અડવાનો કે પ્રતિમા ઉપર ચડીને વીડિયોગ્રાફી કરવાનો જે પ્રચાર સોશિયલ મીડિયામાં થયો હતો, તેમાં કોઈ સત્ય નથી. તેમ છતાં આ ઘટના જૈન શાસનના સિદ્ધાંતોની દ્રષ્ટિએ અત્યંત દુઃખદ અને અયોગ્ય છે.

અશોકભાઈ જૈને વધુમાં જણાવ્યું કે ગર્ભગૃહની બહાર ત્રણથી ચાર ફોટોગ્રાફરો ફ્લેશ લાઈટના તેજ પ્રકાશથી ફોટોગ્રાફી કરી રહ્યા હતા, જેના કારણે ત્યાં આરાધનામાં લીન પૂજ્ય સાધ્વીજી ભગવંતોને આગળ-પાછળ થવું પડ્યું હતું. આ પ્રકારની અવ્યવસ્થા અને અશિસ્ત જૈન આચાર સંહિતાના સંપૂર્ણ વિરુદ્ધ છે. શત્રુંજય જેવા મહાતીર્થ પર આવી ઘટના અગાઉ ક્યારેય બની નથી, તેથી તેને સામાન્ય ભૂલ ગણાવી શકાય નહીં.

તેમણે આક્ષેપ કર્યો કે શત્રુંજય તીર્થ, રાણકપુર તીર્થ અને ગિરનાર તીર્થ માટે ફોટોગ્રાફી તથા વીડિયો તૈયાર કરવાનો રૂા.45 લાખનો કોન્ટ્રાક્ટ આપવો પણ વિચારવિહોણો નિર્ણય છે. આ સમગ્ર ઘટનાની જવાબદારી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓની બને છે. ભલે પેઢીએ માફી માગી હોય, પરંતુ આ ઘટનાને લઈને પેઢીને ‘ક્લીન ચીટ’ આપી શકાય તેમ નથી.

જૈન સમાજના અગ્રણીઓનું માનવું છે કે દાદાના દરબાર જેવા અતિ પવિત્ર સ્થળે કોઈપણ પ્રકારની આધુનિક પ્રવૃત્તિ કરતા પહેલાં ગચ્છાધિપતિઓ, આચાર્ય ભગવંતો તથા જૈનાચાર્યોનું માર્ગદર્શન લેવું અનિવાર્ય છે. કોળા તીર્થના જૈન મ્યુઝિયમ માટે વીડિયો અને ફોટોગ્રાફી કરવાનો નિર્ણય પણ પુનર્વિચારની માંગ કરે છે. આ પ્રકારના નિર્ણયો જો જૈન શાસનના નિયમોને બાજુએ રાખીને લેવાશે, તો આવનારા સમયમાં વધુ વિવાદો ઊભા થઈ શકે છે.

સમગ્ર ઘટના જૈન સમાજ માટે એક ચેતવણી સમાન છે. જૈન સિદ્ધાંતો અને પરંપરાઓ માત્ર પુસ્તકમાં નહીં, પરંતુ વ્યવહારિક જીવનમાં પણ કડકપણે અનુસરવાની જરૂર છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓએ હવે પછી વધુ સતર્કતા રાખવી પડશે અને કોઈપણ નિર્ણય લેતા પહેલાં જૈનાચાર્યોને માહિતગાર કરીને તેમનું માર્ગદર્શન લેવું અનિવાર્ય બની રહેશે. આ ઘટનાને હળવાશથી નહીં પરંતુ ગંભીરતાથી જોવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં જૈન ધર્મની શ્રદ્ધા અને પવિત્રતા પર કોઈ પ્રશ્નચિહ્ન ન ઉભું થાય.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો