રાજ્યમાં માવઠાથી થયેલા નુકસાન પેટે 30.55 લાખ ખેડૂતોને રૂ. 8,740 કરોડની સહાય ચૂકવાઈ Feb 28, 2026 રાજ્યમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાન બાદ સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 30.55 લાખ ખેડૂતોને રૂ. 8,740 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આ અંગે માહિતી આપતાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિધાનસભા સત્ર દરમિયાન જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને સમયસર આર્થિક રાહત પહોંચાડવા પ્રતિબદ્ધ છે.મંત્રી વાઘાણીએ જણાવ્યું કે રાજ્યભરમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયેલ ખેડૂતોમાંથી અંદાજે 30.71 લાખ ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી. તેમાંથી અત્યાર સુધીમાં 30.55 લાખ ખેડૂતોને સહાયની રકમ સીધી જ તેમના ખાતામાં જમા કરી દેવામાં આવી છે. બાકી રહેલી કેટલીક અરજીઓ ટેકનિકલ ખામીઓને કારણે પ્રક્રિયામાં છે અને જરૂરી પૂર્તતા થતા જ તેમને પણ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે.રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવા રૂ. 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ સહાય પેકેજ ગણાય છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનશીલ છે અને આર્થિક સંકટમાંથી બહાર લાવવા ઝડપી પગલાં લેવામાં આવ્યા છે.સામાન્ય રીતે નુકસાનના આંકલન અને પંચરોજકામની પ્રક્રિયા પૂર્ણ થવામાં મહિનાઓ વીતી જતાં હોય છે. પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વખતે ખૂબ જ ટૂંકા ગાળામાં પંચરોજકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. વધુમાં, અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતો સમય મળી રહે તે માટે અરજી કરવાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય. હેક્ટર દીઠ સહાય અંગે વિગત આપતાં કૃષિ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે ખરીફ ઋતુના પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેવા ખેડૂતોને SDRF (State Disaster Response Fund) ના નોર્મ્સ મુજબ રૂ. 8,500 પ્રતિ હેકટર તેમજ રાજ્ય બજેટ હેઠળ વધારાના રૂ. 13,500 મળીને કુલ રૂ. 22,000 પ્રતિ હેકટર લેખે સહાય ચૂકવવામાં આવી છે. આ સહાય ખાતાદીઠ મહત્તમ બે હેકટર સુધી મર્યાદિત રાખવામાં આવી છે.તે જ રીતે વર્ષાયુ અને પિયત પાકોમાં SDRF હેઠળ રૂ. 17,000 પ્રતિ હેકટર તેમજ રાજ્ય બજેટમાંથી વધારાના રૂ. 5,000 મળીને કુલ રૂ. 22,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવી છે. બહુવર્ષાયુ પાકોમાં SDRF મુજબ રૂ. 22,000 પ્રતિ હેકટર લેખે સહાય ચૂકવવામાં આવી છે, જેમાં પણ ખાતાદીઠ મહત્તમ બે હેકટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.કૃષિ મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય એ છે કે કુદરતી આફતના કારણે આર્થિક રીતે પીડિત થયેલા ખેડૂતોને ઝડપથી સહાય મળી રહે. ડિજિટલ પ્રક્રિયા અને પારદર્શક વ્યવસ્થાને કારણે સહાયની રકમ સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે, જેના કારણે વિલંબ અને ગેરરીતિઓ અટકાવવામાં સફળતા મળી છે.ખેડૂતોમાં પણ સરકારના આ ઝડપી પગલાંને લઈને સંતોષ વ્યક્ત થયો છે. ઘણા ખેડૂતો માટે આ સહાય આગામી વાવણી માટે ઉપયોગી સાબિત થશે અને તેઓ ફરીથી ખેતી કાર્યમાં સક્રિય બની શકશે. કમોસમી વરસાદ જેવી અણધારી પરિસ્થિતિઓ સામે ખેડૂતોને સુરક્ષા મળે તે માટે સરકાર દ્વારા ભવિષ્યમાં પણ જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી મંત્રીએ વ્યક્ત કરી હતી.આ રીતે રાજ્ય સરકારે માવઠા અને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન સામે મોટા પાયે આર્થિક સહાય પહોંચાડી ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. 30.55 લાખથી વધુ ખેડૂતોને રૂ. 8,740 કરોડની ચૂકવણી થવી એ રાજ્ય સરકારની ત્વરિત અને સંવેદનશીલ કામગીરીનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. Previous Post Next Post