Dwarkadhish Templeમાં અબીલ-ગુલાલ અને ગુલાબની પાંખુડીઓથી રંગાયો ભક્તિમય માહોલ

Dwarkadhish Templeમાં અબીલ-ગુલાલ અને ગુલાબની પાંખુડીઓથી રંગાયો ભક્તિમય માહોલ

ફાગણ સુદ આમલકી (કુંજ) એકાદશીના પાવન અવસરે દ્વારકાના યાત્રાધામમાં ભક્તિ, શ્રદ્ધા અને રંગોત્સવનો અદભૂત સંગમ સર્જાયો હતો. વહેલી સવારે મંગલા આરતીથી જ દ્વારકાધીશ જગતમંદિરમાં ભાવિકોની લાંબી કતારો લાગી ગઈ હતી. “જય દ્વારકાધીશ”ના ગુંજતા નાદ વચ્ચે સવારથી બપોર સુધી દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.
 

શ્વેત વાઘામાં મનોહર શણગાર, ગુલાબની પાંખુડીઓથી હોળી

એકાદશીના શુભ દિવસે શૃંગાર આરતી દરમિયાન ઠાકોરજીને શ્વેત વાઘા અને દૈવી આભૂષણોથી અલૌકિક રીતે શણગારવામાં આવ્યા હતા. વિશેષ પૂજન-અર્ચન બાદ વારાદાર પુજારી પરિવાર દ્વારા ગુલાબની સુગંધિત પાંખુડીઓ સાથે હોળી રમાવવામાં આવી. ભક્તોએ અબીલ-ગુલાલ અર્પણ કરી રંગોત્સવનો આનંદ માણ્યો. મંદિરમાં રંગ અને ભક્તિનો એવો સંગમ સર્જાયો કે અનેક ભાવિકો ભાવવિભોર બની ઊઠ્યા. હજારો લોકોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો, જ્યારે ઓનલાઈન પ્રસારણ દ્વારા લાખો કૃષ્ણભક્તોએ પણ આ દિવ્ય ક્ષણોને નિહાળી આત્મિક આનંદ અનુભવ્યો.
 

ગોમતી સ્નાન માટે ભક્તોની ભારે ભીડ

આમલકી એકાદશીના પવિત્ર પ્રસંગે ગોમતી નદીના ઘાટ પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યપ્રાપ્તિનો સંકલ્પ કર્યો. સ્નાન પૂર્ણ કર્યા બાદ સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર માર્ગે જગતમંદિરમાં પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. ઉપવાસ, જપ-તપ અને ભજન-કીર્તનથી સમગ્ર દ્વારકા શહેર ભક્તિમય બની રહ્યું હતું.
 

ફુલડોલ પૂર્વે માનવ મહેરામણ

આગામી ફુલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારો પદયાત્રીઓ તથા દર્શનાર્થીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. રોડમાર્ગ, રેલમાર્ગ તેમજ પગપાળા આવતાં ભક્તોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે યાત્રાધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. શહેરમાં ભક્તો માટે આકર્ષક વેલકમ ગેટ અને વિવિધ સુવિધાઓ સાથે ઉત્સવમય માહોલ સર્જાયો છે.
 

2000 પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત

ફુલડોલ ઉત્સવ અને એકાદશીના વિશેષ પ્રસંગોને ધ્યાનમાં રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપીના નેતૃત્વમાં પીઆઈ, પીએસઆઈ સહિત અંદાજે 2000 જેટલા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

મંદિર પરિસર, ગોમતી ઘાટ, છપ્પન સીડીઓ, પૂર્વ દરવાજા તેમજ શહેરના મુખ્ય માર્ગો પર વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે. બેટ દ્વારકા, શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પણ પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે.
 


ડ્રોનથી ટ્રાફિક મોનીટરીંગ, ખાસ સુવિધાઓ

જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી, શી-ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે જેથી ભીડનું નિયંત્રણ સુચારૂ રીતે થઈ શકે અને દર્શનાર્થીઓને અગવડ ન પડે.

વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને મહિલાઓ માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ સાથે સુરક્ષા જવાનો ખડેપગે તૈનાત છે.
 

ભક્તિ, ભવ્યતા અને વ્યવસ્થાનો અનોખો સંગમ

આમલકી-કુંજ એકાદશીના પાવન અવસરે દ્વારકા યાત્રાધામ ભક્તિ, ભવ્યતા અને વ્યવસ્થાનો અનોખો સંગમ બની રહ્યું છે. અબીલ-ગુલાલ અને ગુલાબની પાંખુડીઓ વચ્ચે રંગાયેલો આ આધ્યાત્મિક માહોલ, ગોમતી સ્નાનથી લઈ મંદિર દર્શન સુધીની વ્યવસ્થિત તૈયારીઓ અને આગામી ફુલડોલ ઉત્સવને લઈને સજ્જ પ્રશાસન—આ બધું મળીને દ્વારકાને આધ્યાત્મિક આનંદના કેન્દ્રમાં રૂપાંતરિત કરી રહ્યું છે.

આગામી દિવસોમાં ફુલડોલ ઉત્સવને લઈને ભીડમાં વધુ વધારો થવાની સંભાવના છે, ત્યારે સમગ્ર શહેર ભક્તોના સ્વાગત માટે તૈયાર બની ગયું છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ