વૈજ્ઞાનિકોની સિદ્ધિ: યુનિવર્સલ કિડનીથી ટ્રાન્સપ્લાન્ટમાં નવી ક્રાંતિ, હજારો દર્દીઓને મળશે નવી જિંદગી

વૈજ્ઞાનિકોની સિદ્ધિ: યુનિવર્સલ કિડનીથી ટ્રાન્સપ્લાન્ટમાં નવી ક્રાંતિ, હજારો દર્દીઓને મળશે નવી જિંદગી

કિડની ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રે વૈજ્ઞાનિકોએ એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે, જે ભવિષ્યમાં લાખો દર્દીઓ માટે આશાનો કિરણ બની શકે છે. વર્ષો સુધી ચાલેલા સંશોધન બાદ વૈજ્ઞાનિકો એવી ટેક્નોલોજી સુધી પહોંચ્યા છે, જેના દ્વારા હવે કોઈપણ બ્લડગ્રુપ ધરાવતા ડોનરની કિડની કોઈપણ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તેવી સંભાવના ઊભી થઈ છે. આ શોધને “યુનિવર્સલ કિડની” તરીકે ઓળખાવવામાં આવી રહી છે અને તેને કિડની ટ્રાન્સપ્લાન્ટની દુનિયામાં મોટી ક્રાંતિ માનવામાં આવી રહી છે.

હાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે બ્લડગ્રુપની સુસંગતતા ખૂબ જ મહત્વની ગણાય છે. ખાસ કરીને ‘ઓ’ બ્લડગ્રુપ ધરાવતા દર્દીઓને માત્ર ‘ઓ’ ગ્રુપની કિડની જ મળી શકે છે, જેના કારણે તેમને વર્ષો સુધી રાહ જોવી પડે છે. ઘણી વખત યોગ્ય ડોનર ન મળવાના કારણે દર્દીની હાલત ગંભીર બની જાય છે અથવા જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. પરંતુ યુનિવર્સલ કિડનીની આ નવી ટેક્નિક અમલમાં આવશે તો બ્લડગ્રુપ આધારિત મર્યાદા દૂર થઈ જશે અને ટ્રાન્સપ્લાન્ટ માટેની લાંબી વેઇટિંગ લિસ્ટમાં મોટો ઘટાડો થશે.

કેનેડા અને ચીનના વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમે આ દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સંશોધકોએ એવી પ્રક્રિયા વિકસાવી છે, જેના દ્વારા કિડનીમાંથી બ્લડગ્રુપની ઓળખ દૂર કરી શકાય છે. સરળ ભાષામાં કહીએ તો, વૈજ્ઞાનિકોએ ટાઇપ-એ બ્લડગ્રુપની કિડનીને ટાઇપ-ઓ જેવી બનાવી દીધી છે. ટાઇપ-ઓ બ્લડગ્રુપને સામાન્ય રીતે ‘યુનિવર્સલ ડોનર’ માનવામાં આવે છે, કારણ કે તેનું રિએક્શન અન્ય બ્લડગ્રુપ સાથે ઓછું થાય છે. આ જ સિદ્ધાંત કિડની પર લાગુ કરીને વૈજ્ઞાનિકોએ યુનિવર્સલ કિડનીનો માર્ગ ખોલ્યો છે.

આ નવી પદ્ધતિનું પ્રારંભિક પરીક્ષણ બ્રેઇન-ડેડ વ્યક્તિના શરીરમાં કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન યુનિવર્સલ કિડની ઘણા દિવસો સુધી સફળતાપૂર્વક કાર્ય કરતી રહી હતી, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પરીક્ષણ પરિવારની સંમતિથી કરવામાં આવ્યું હતું અને તેના પરિણામોએ વૈજ્ઞાનિકોને ભવિષ્ય માટે વધુ આત્મવિશ્વાસ આપ્યો છે.
 


યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના વૈજ્ઞાનિક સ્ટીફન વિર્ધ્સે આ સફળતા અંગે જણાવ્યું હતું કે, “પ્રથમ વખત આ મોડલમાં સ્પષ્ટ સફળતા મળી છે. આ શોધ ભવિષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ સારવારને વધુ સચોટ, સુરક્ષિત અને અસરકારક બનાવવામાં મદદરૂપ થશે.” જોકે, તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે માનવી પર સંપૂર્ણ ટ્રાયલ શરૂ કરવા માટે હજુ સમય લાગશે અને તમામ તબીબી માપદંડો પૂરા થયા બાદ જ તેનો વ્યાપક ઉપયોગ શક્ય બનશે.

હાલમાં પણ જુદા-જુદા બ્લડગ્રુપ વચ્ચે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની કેટલીક પ્રક્રિયાઓ ઉપલબ્ધ છે, પરંતુ તે સરળ નથી. દર્દીના શરીરને અગાઉથી ખાસ દવાઓ અને સારવાર દ્વારા તૈયાર કરવું પડે છે, જેથી નવી કિડની રિજેક્ટ ન થાય. આ પ્રક્રિયા જોખમી ગણાય છે અને ઘણીવાર ગંભીર સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે. ઉપરાંત, આવા કિસ્સામાં મોટા ભાગે જીવતા ડોનરની જરૂર પડે છે, જે દરેક દર્દી માટે શક્ય નથી. આ કારણે યુનિવર્સલ કિડનીની શોધને વધુ વ્યવહારુ અને સુરક્ષિત વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે.

ભારતમાં કિડની સંબંધિત રોગો એક મોટી આરોગ્ય સમસ્યા બની રહ્યા છે. યશોદા મેડીસીટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગના પ્રિન્સીપાલ ડાયરેક્ટર ડો. એલ. કે. ઝાના જણાવ્યા મુજબ, દેશમાં અંદાજે 10 લાખ લોકો એન્ડ સ્ટેજ કિડની રોગથી પીડિત છે અને દર વર્ષે આશરે અઢી લાખ નવા દર્દીઓ ઉમેરાય છે. પરંતુ આટલી મોટી સંખ્યાની સામે માત્ર 15થી 20 હજાર લોકોને જ દર વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા મળી શકે છે.

યુનિવર્સલ કિડનીની આ વૈજ્ઞાનિક સિદ્ધિ સફળતાપૂર્વક અમલમાં આવશે તો ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કિડની દર્દીઓ માટે સારવારના નવા દ્વાર ખુલશે. બ્લડગ્રુપની મર્યાદા દૂર થતાં ડોનર કિડનીનો ઉપયોગ વધુ અસરકારક રીતે થઈ શકશે અને હજારો નહીં, લાખો જીવ બચાવવાની સંભાવના ઊભી થશે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ