ખાંડના ડીલરો-વેપારીઓ 15 દિવસથી વધુનો સ્ટોક નહી રાખી શકે Aug 20, 2026 નવી દિલ્હી,ખાંડનો ભાવ વધારો અટકાવવા કેન્દ્રએ "ખાંડા" ખખડાવ્યાતહેવારોની સિઝન શરૂ થવાની સાથે જ ખાંડના ભાવમાં થયેલા ઝડપી વધારાએ સરકારની ચિંતા વધારી છે. ગણેશ ચતુર્થીથી લઈને દશેરા અને દિવાળી સુધી દેશમાં ખાંડની માંગ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. મીઠાઈ, બિસ્કિટ, બેકરી, ઠંડા પીણાં અને અન્ય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોમાં પણ આ સમયગાળા દરમિયાન ખાંડની ખરીદી વધે છે.આ વધેલી માંગની સામે જો વેપારીઓ અથવા મોટા ખરીદદારો જરૂરિયાત કરતાં વધુ ખાંડનો જથ્થો પોતાના ગોડાઉનમાં રાખે તો બજારમાં ઉપલબ્ધ પુરવઠો ઘટી શકે છે. પરિણામે ભાવ પર વધુ દબાણ આવી શકે છે. સરકારની 15 દિવસની મર્યાદાનો એક હેતુ એવો છે કે વેપારીઓ લાંબા સમય સુધી સ્ટોક અટકાવી ન શકે અને બજારમાં ખાંડનો જથ્થો ફરતો રહે.આવી સ્થિતિમાં જો વેપારીઓ મોટા પ્રમાણમાં ખાંડનો સ્ટોક જાળવી રાખે અને બજારમાં સપ્લાય મર્યાદિત થાય તો ભાવમાં વધુ વધારો થવાની શક્યતા રહે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે ખાંડના સ્ટોક પર વધુ કડક નિયંત્રણ લાવવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ, એક મહિનામાં 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ અથવા વેપાર કરતા ડીલરોને 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી 15 દિવસથી વધુનો સ્ટોક રાખવાની મંજૂરી નહીં હોય. ખાસ વાત એ છે કે અગાઉ સરકારે જુલાઈના અંતમાં ડીલરો માટે મહત્તમ 30 દિવસનો સ્ટોક રાખવાની મર્યાદા નક્કી કરી હતી. હવે આ સમયગાળો ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય હેતુ બજારમાં ખાંડનો સતત પ્રવાહ જાળવી રાખવાનો, જમાખોરીને અટકાવવાનો અને તહેવારો દરમિયાન ગ્રાહકોને અચાનક ભાવવધારાથી રાહત આપવાનો છે.લિમિટેડ માત્રામાં ડ્યુટી ફ્રી ખાંડની આયાત માટે પણ વિચારણાસરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ખાંડના ભાવમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં આશરે 10 ટકાનો વધારો થયો છે. નવા નિર્ણયથી 15 દિવસની મર્યાદા લાગુ થવાની છે. એટલે અગાઉની 30 દિવસની વ્યવસ્થાની સરખામણીમાં મોટા ડીલરોને પોતાનો સ્ટોક વધુ ઝડપથી બજારમાં મૂકવો પડશે. આ પગલાથી સરકારને આશા છે કે કૃત્રિમ અછત અથવા જમાખોરીને કારણે ભાવમાં થતો વધારો નિયંત્રિત કરી શકાય. જોકે આ નિયમનો અંતિમ બજાર પર કેટલો અને કેટલી ઝડપથી પ્રભાવ પડે છે તે આગામી અઠવાડિયાઓમાં જ સ્પષ્ટ થશે.કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ અને અનિયમિત ચોમાસાના કારણે શેરડીના પાક અંગે ચિંતા વધી છે. જો શેરડીનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું રહે તો આગામી ખાંડ સિઝનમાં ઉત્પાદન પર તેની અસર પડી શકે છે. સ્ટોક લિમિટ કડક કરવા ઉપરાંત સરકાર દ્વારા મર્યાદિત ડ્યૂટી-ફ્રી ખાંડની આયાતની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે. કેટલાક અહેવાલોમાં ખાંડ મિલોને મર્યાદિત જથ્થામાં આયાત કરવાની મંજૂરી આપવા અંગે પણ વિચારણા થતી હોવાનું જણાવાયું છે. Previous Post Next Post