હિમાલયમાંથી ઊઠશે ‘હિમાલયી સુનામી’નો ખતરો: ગ્લેશિયર તળાવો બન્યા ટિકિંગ ટાઈમ બોમ્બ, IIT રૂરકીનું ગંભીર ચેતવણીભર્યું સંશોધન Feb 06, 2026 હિમાલયના બરફીલા શિખરો સામાન્ય રીતે શાંતિ, પવિત્રતા અને કુદરતી સૌંદર્યના પ્રતિક માનવામાં આવે છે, પરંતુ હવે એ જ હિમાલય માનવજાત માટે એક ભયાનક ખતરની ચેતવણી આપી રહ્યો છે. IIT રૂરકીના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં કરેલા એક મહત્વપૂર્ણ સંશોધનમાં ખુલાસો કર્યો છે કે હિમાલય અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ગ્લેશિયર તળાવો (Glacial Lakes) ઝડપથી ફેલાઈ રહ્યા છે, જે ભવિષ્યમાં ‘હિમાલયી સુનામી’ જેવી વિનાશક પરિસ્થિતિ સર્જી શકે છે.‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, હાઈ માઉન્ટેન એશિયા (HMA) વિસ્તારમાં 2016થી 2024 દરમિયાન ગ્લેશિયર તળાવોના કુલ ક્ષેત્રફળમાં અંદાજે 5.5 ટકાનો વધારો નોંધાયો છે. હાલ સમગ્ર વિસ્તારમાં 31,000થી વધુ ગ્લેશિયર તળાવો અસ્તિત્વમાં છે, જે સીધી રીતે લગભગ 93 લાખ લોકોના જીવન માટે ખતરો બની ગયા છે. વૈજ્ઞાનિકો આ તળાવોને ‘ટિકિંગ ટાઈમ બોમ્બ’ તરીકે ઓળખાવી રહ્યા છે. શું છે ‘હિમાલયી સુનામી’ અથવા GLOF?ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનના કારણે હિમાલયના ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે. પીગળેલો બરફ પહાડોમાં ખાલી જગ્યાઓમાં જમા થઈને મોટા તળાવો બનાવે છે. આ તળાવો કોઈ કાંકરીટના ડેમથી સુરક્ષિત નથી, પરંતુ કાચા ખડકો, બરફ અને કાટમાળથી બનેલા કુદરતી બંધો (Moraine) પર આધારિત હોય છે.જ્યારે પાણીનું દબાણ વધે છે અથવા હિમપ્રપાત, ભૂસ્ખલન કે ભારે વરસાદના કારણે આ કુદરતી બંધો તૂટી જાય છે, ત્યારે તળાવનું આખું પાણી એકસાથે નીચે ધસી આવે છે. આ વિનાશક ઘટનાને ‘ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ’ (GLOF) કહેવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં ‘હિમાલયી સુનામી’ પણ કહેવામાં આવે છે. ભૂતકાળની ત્રાસદીઓથી મળેલી ચેતવણીઆ ખતરો કલ્પનાત્મક નથી, પરંતુ ભૂતકાળમાં તેની ભયાનક અસર જોવા મળી ચૂકી છે. 2013માં ઉત્તરાખંડના કેદારનાથમાં આવેલી વિનાશક આપત્તિ અને 2023માં સિક્કિમમાં આવેલા પૂરને ગ્લેશિયર સંબંધિત ઘટનાઓ સાથે જોડવામાં આવે છે. આ તળાવો હજારો ફૂટની ઊંચાઈ પર હોવાથી, જ્યારે પાણી નીચે આવે છે ત્યારે તે અતિપ્રચંડ ગતિ પકડી લે છે. માત્ર પાણી જ નહીં, પરંતુ મોટા પથ્થરો, માટી, ઝાડ અને કાટમાળને પણ સાથે વહાવી લાવે છે, જે રસ્તામાં આવતી દરેક વસાહત, રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી શકે છે. અત્યાધુનિક ટેકનોલોજીથી દેખરેખહિમાલયના દુર્ગમ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં જમીન પર જઈને નજર રાખવી લગભગ અશક્ય હતી. જોકે IIT રૂરકીના સંશોધકોએ નાસા (NASA), USGSના ‘લેન્ડસેટ-8’ અને યુરોપિયન સ્પેસ એજન્સીના ‘સેન્ટિનલ’ સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને આ અભ્યાસ કર્યો છે. આ સેટેલાઇટ્સ વાદળોની આરપાર જોઈ શકે છે, જેના કારણે ‘ત્રીજો ધ્રુવ’ કહેવાતા હિમાલયી વિસ્તારમાં સતત અને ચોક્કસ મોનિટરિંગ શક્ય બન્યું છે. કયા વિસ્તારો સૌથી વધુ જોખમમાં?અભ્યાસ અનુસાર, ગ્લેશિયર તળાવોના વિસ્તરણની ગતિ દરેક વિસ્તારમાં અલગ છે. કિલિયન શાન (Qilian Shan) વિસ્તારમાં તળાવોના ક્ષેત્રફળમાં સૌથી વધુ 22.5 ટકાનો વધારો નોંધાયો છે. પૂર્વી હિમાલય સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે અહીં તળાવોની સંખ્યા અને વસ્તી બંને વધુ છે. ભારતમાં અંદાજે 30 લાખ લોકો એવા વિસ્તારોમાં રહે છે, જે આ અસ્થિર તળાવોની સીધી અસર હેઠળ આવી શકે છે. 93 લાખ લોકો પર મંડરાતો ખતરોવિશ્વભરમાં ગ્લેશિયર પૂરથી જોખમમાં રહેલા લોકોમાંથી 62 ટકા લોકો માત્ર હાઈ માઉન્ટેન એશિયા વિસ્તારમાં વસે છે. ઘણા ગામડાં આ તળાવોથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા છે. જો કોઈ તળાવ અચાનક ફાટી જાય, તો લોકોને ચેતવણી આપવા અને સલામત સ્થળે ખસેડવા માટે બહુ ઓછો સમય મળશે.વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો ગ્લોબલ વોર્મિંગની ગતિ આવી જ રહી, તો ભવિષ્યમાં કેદારનાથ જેવી મોટી આપત્તિઓ વારંવાર થવાની સંભાવના છે. તેથી હવે સમય આવી ગયો છે કે સરકારો, વૈજ્ઞાનિક સંસ્થાઓ અને સ્થાનિક વહીવટ તંત્ર મળીને આ ખતરા સામે સમયસર પગલાં ભરે. Previous Post Next Post