AI ટેકનોલોજીની વૈશ્વિક દોડમાં ભારત બનશે લીડર: ઈમેન્યુઅલ મેક્રોનનો ભરોસો Jun 15, 2026 ફ્રાન્સના નીસ શહેરમાં PM મોદી સાથેની મુલાકાતમાં ભારતની ઈનોવેશન ક્ષમતાના કર્યા વખાણવડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાની સત્તાવાર યાત્રા પર છે. આ પ્રવાસ દરમિયાન ફ્રાન્સના નીસ શહેરમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને પીએમ મોદી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન તણાવ વચ્ચે યોજાયેલી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ સંયુક્ત રીતે 'ભારત ઈનોવેટ્સ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંચ પરથી રાષ્ટ્રપ્રમુખ મેક્રોને ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં ભારતની આગેકૂચની ભરપૂર પ્રશંસા કરી હતી.રાષ્ટ્રપ્રમુખ મેક્રોને ભારતની ટેકનોલોજી ક્ષમતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "હવે સવાલ એ નથી કે ભારત ઈનોવેશન કરી રહ્યું છે કે નહીં, પરંતુ સાચો સવાલ એ છે કે ભારતની ભાગીદારી સાથે દુનિયાના કયા દેશો ઈનોવેશન કરશે?" મેક્રોને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે AIના ક્ષેત્રમાં ભારતની વધતી જતી મહારત તેને સમગ્ર વિશ્વમાં સૌથી આગળ લઈ જઈ શકે છે. આ વર્ષે મુંબઈમાં શરૂ થયેલા 'ભારત-ફ્રાન્સ ઈનોવેશન વર્ષ'ના ઉપક્રમે આ બંને દેશો વચ્ચેના ભવિષ્યના સંબંધોને એક નવી દિશા આપી છે.કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત અને ફ્રાન્સના સંબંધો માત્ર વ્યાપારિક કે વહીવટી ભાગીદારી પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે સમાન વિઝન અને અતૂટ વિશ્વાસ પર આધારિત છે. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે બંને દેશોએ સાથે મળીને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને AI સંવાદ જેવા મંચ દ્વારા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે મજબૂત મંચ પૂરું પાડ્યું છે.બેઠક દરમિયાન રાષ્ટ્રપ્રમુખ મેક્રોને વડાપ્રધાન મોદીના લાંબા રાજકીય કાર્યકાળ અને તેમના મક્કમ ઈરાદાઓને બિરદાવતા કહ્યું હતું કે, આઝાદી પછી ભારતમાં આટલો લાંબો સમય દેશની સેવા કરનાર વડાપ્રધાન તરીકે મોદીનું નેતૃત્વ વૈશ્વિક સ્તરે પ્રેરણાદાયી છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને ટેકનોલોજીકલ સહયોગને વધુ ગાઢ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. Previous Post Next Post