રાજકોટમાં એક મહિનામાં ત્રીજો પાણીકાપ, રવિવારે 7 વોર્ડમાં પાણી વિતરણ બંધ Feb 27, 2026 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એક મહિનાની અંદર ત્રીજી વખત પાણીકાપ જાહેર કરવામાં આવતા નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. આગામી રવિવાર, તા. 01-03-2026ના રોજ શહેરના સાત વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણ અથવા આંશિક રીતે બંધ રહેશે. મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર (GSR) અને સંબંધિત જળ વિતરણ માળખાની સફાઈ કામગીરી હાથ ધરવાના બહાને પાણી પુરવઠો રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મહાનગરપાલિકાના વિતરણ વર્ક્સ વિભાગના ઇજનેર મુજબ, આજી 30 ઇંચ પાઇપલાઇન આધારિત વિસ્તારો અને ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં સફાઈ અને જાળવણી કામગીરી હાથ ધરાશે. શહેરમાં સ્વચ્છ અને નિયમિત પાણી પુરવઠો જાળવવા માટે સમયાંતરે આ પ્રકારની કામગીરી જરૂરી હોવાનું તંત્રનું કહેવું છે. જોકે, ગત 31 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ ત્રીજો પાણીકાપ હોવાને કારણે નાગરિકોમાં રોષની લાગણી ઊભી થઈ છે.આ પાણીકાપને કારણે વોર્ડ નંબર 4, 5, 6, 8, 11, 13 અને 15ના અનેક વિસ્તારો પ્રભાવિત થશે. વોર્ડ નંબર 4માં રીધી સીધી, ગાંધી સ્મૃતિ, મહાકાળી સોસાયટી, શિવમ પાર્ક, ગાંધી સોસાયટી, જય નંદ નગર, વિજય વંત, બેડીપરા (પાર્ટ), બોરીચા સોસાયટી, ત્રિમૂર્તિ ચોક, સીતારામ રોડના ભાગ, નંદ નગર, નંદનવન, મીયાનાવાસ, મહાત્મા ગાંધી પ્લોટ, ખોડીયાર પરા, લાતી પ્લોટ, ધરમ નગર, ભગવતીપરા, શાંતિ નગર અને શ્રમજીવી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે.વોર્ડ નંબર 5માં આર્યનગર, બ્રાહ્મણીયાપરા, ગધીયાનગર, ન્યુ ગાંધી સોસાયટી, કૈલાશધારા સોસાયટી, કેયુરપાર્ક, મોતીબાગ, નંદુબાગ, ન્યુ શક્તિ સોસાયટી, રણછોડનગર, રત્નદીપ સોસાયટી (પાર્ટ) અને ત્રિવેણી સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે. વોર્ડ નંબર 6માં શ્રી રણછોડનગર, ચંપક નગર, બ્રહ્મણિયાપરા, ગઢીયા નગર, શક્તિ સોસાયટી, સીતારામ રોડ, સેફી કોલોની, ફકરી પાર્ક, મનહરપરા, સીતારામ નગર, મયુર નગર, સિલ્વરનેસ્ટ સોસાયટી અને શક્તિ ઈન્ડસ્ટ્રી વિસ્તારમાં અસર પડશે.વોર્ડ નંબર 15માં આનંદનગર, આજી જી.આઈ.ડી.સી., ભરતનગર, પોલીટેકનિક, આઈ.ટી.આઈ., ખોડીયારપરા, આજી વસાહત, આંબેડકરનગર, ન્યુ સર્વોદય, અવધપાર્ક, કૃષ્ણા પાર્ક, સર્વોદય સોસાયટી, રામનગર, આરાધના સોસાયટી, નવા થોરાળા, ગોકુલપરા, વણકરવાસ, કસ્તુરબા હરીજનવાસ, વિનોદનગર, લાખાજીરાજ ઉદ્યોગનગર, ગંજીવાડા, મેરામબાપાની વાડી, મનહર સોસાયટી, શિવાજીનગર અને વર્ધમાન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણી પુરવઠો બંધ રહેશે.ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નંબર 8માં લક્ષ્મીનગર, નંદ કિશોર સોસાયટી, રાધાનગર, પટેલ પાર્ક, પૂર્ણિમા સોસાયટી, જયશક્તિ સોસાયટી, દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભક્તિધામ, દેવનગર અને મેધમાયાનગર વિસ્તારો પ્રભાવિત થશે. વોર્ડ નંબર 11માં માયાણીનગર આવાસ યોજના, વિશ્વનગર આવાસ યોજના, સિલ્વર હાઇટ્સ એપાર્ટમેન્ટ, વિરલ સોસાયટી, નહેરૂનગર, સરદારનગર, ચામુંડાનગર, ઉદયનગર, પુનમ સોસાયટી અને ઓમનગર વિસ્તારમાં પાણી નહીં આવે. વોર્ડ નંબર 13માં અલ્કા સોસાયટી, ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્લોટ, નવરંગપરા, મણીનગર, મહાદેવ વાડી, પરમેશ્વર કોલોની, રામેશ્વર પાર્ક, પટેલવાડી અને અન્ય વિસ્તારો અસરગ્રસ્ત રહેશે.રવિવાર રજાનો દિવસ હોવાને કારણે મોટા ભાગના પરિવારો ઘરમાં હાજર રહેતા હોય છે, જેના કારણે પાણીકાપથી ગૃહિણીઓ અને નોકરીયાત વર્ગને વિશેષ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મહાનગરપાલિકાએ નાગરિકોને પૂર્વ તૈયારી રૂપે પૂરતો પાણી સંગ્રહ કરી લેવા અપીલ કરી છે. તંત્રનું કહેવું છે કે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી સમયસર સફાઈ કામગીરી હાથ ધરવી જરૂરી છે, જેથી આવનારા દિવસોમાં પાણી પુરવઠો નિયમિત રહી શકે.મહાનગરપાલિકા મુજબ, સોમવારથી પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જોકે, રવિવારના પાણીકાપને કારણે સોમવારે પાણીના દબાણમાં ઘટાડો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સતત ત્રીજી વખત પાણી વિતરણ બંધ રાખવાના નિર્ણયને કારણે નાગરિકોમાં અસંતોષ છે, પરંતુ તંત્રનું કહેવું છે કે લાંબા ગાળે સ્વચ્છ અને સુદ્રઢ જળ વિતરણ વ્યવસ્થા માટે આ પગલું જરૂરી છે. Previous Post Next Post