સુરત-અંકલેશ્વરથી છોટાઉદેપુર સુધી માવઠું, ચાર જિલ્લામાં યલો એલર્ટ; લગ્ન મંડપો પલળી ગયાં Feb 20, 2026 રાજ્યમાં અચાનક વાતાવરણ પલટાતા સુરત, અંકલેશ્વર, હાંસોટ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. 20 ફેબ્રુઆરીની વહેલી સવારથી જ અનેક શહેરોમાં ઝાપટાં બાદ ધોધમાર વરસાદ શરૂ થતા લગ્નપ્રસંગો, જાહેર કાર્યક્રમો અને રોજિંદા જનજીવન પર અસર પડી છે. હવામાન વિભાગે ચાર જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને આગામી કલાકોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા ખુલ્લા મેદાનો અને પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપો પલળી ગયા હતા. લગ્ન સીઝન પૂરજોશમાં હોવાને કારણે અનેક પરિવારોને તાત્કાલિક વ્યવસ્થામાં ફેરફાર કરવો પડ્યો. શણગાર, લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમને નુકસાન પહોંચતા આયોજકોમાં દોડધામ મચી ગઈ. સવારે ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદ – ફેબ્રુઆરીમાં લોકો એક જ દિવસે ત્રણ ઋતુનો અનુભવ કરતા જોવા મળ્યા.અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ અચાનક માવઠું પડતાં ખેતીના ઉભા પાક અંગે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ અને ઓભા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને કપાસ અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોએ જણાવ્યું કે પાક કાપણીની તૈયારી વચ્ચે આવેલો આ વરસાદ આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિસ્તારમાં સવારે લગભગ 4:30 વાગ્યે ચોમાસાની જેમ વરસાદ શરૂ થયો હતો. દાહોદ અને લીમખેડા આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે ઝાપટાં પડ્યાં. વડોદરા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છાંટાં નોંધાયા હતા. અચાનક આવેલા આ માવઠાએ જનજીવનને અસર કરી હતી, ખાસ કરીને વહેલી સવારના સમયે નોકરી-ધંધે નીકળતા લોકો અને વાહનચાલકોને મુશ્કેલી પડી.સુરતમાં શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ટ્રાફિક ધીમો પડી ગયો હતો. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન હંકારવા પડ્યા. કેટલીક જગ્યાએ પાણી ભરાતા રોડ-રસ્તા ‘પાણી-પાણી’ બની ગયા હતા.વરસાદની અસર સરકારી કાર્યક્રમો પર પણ જોવા મળી. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘બુક ફેર’ કાર્યક્રમ માટે તૈયાર કરાયેલ ડોમ વરસાદમાં પલળી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ. મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને સવારથી જ ટ્રકો ભરી તાડપત્રીઓ મંગાવવામાં આવી અને ડોમને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરાઈ.હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય છે – વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ. આ ત્રણેય પ્રણાલીઓના સંયુક્ત પ્રભાવને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને અન્યત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ પવનોની ગતિ સામાન્ય કરતાં વધુ રહી શકે છે. 24 ફેબ્રુઆરી પછી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.વલસાડ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ખાસ કરીને નેશનલ હાઈવે 48 પર વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને લાઈટો ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન હંકારવું પડ્યું. ઓફિસ અને શાળાએ જતા લોકોને ભારે વિલંબનો સામનો કરવો પડ્યો. વલસાડ હાફુસ કેરી માટે જાણીતો જિલ્લો છે. હાલ આમ્રમંજરી ખીલી હોવાથી ગાઢ ધુમ્મસ અને વધેલા ભેજના કારણે મોર ખરી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. કૃષિ નિષ્ણાતોના મતે, આ સ્થિતિ લાંબી ચાલે તો જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને મોંઘી દવાઓનો છંટકાવ કરવો પડી શકે છે.અચાનક બદલાયેલા આ મિશ્ર વાતાવરણથી શિયાળો વિદાય લેતા લેતા પોતાની હાજરી પુરાવી રહ્યો હોય એવો અહેસાસ થયો છે. સામાન્ય નાગરિકો માટે ઠંડક આનંદદાયક બની છે, પરંતુ ખેતી અને લગ્નપ્રસંગો માટે આ માવઠું પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે. આગામી દિવસોમાં હવામાન સ્થિર થાય છે કે નહીં તે તરફ સૌની નજર છે. Previous Post Next Post