ગુજરાતની 1.40 લાખ આંગણવાડી અને આશા વર્કરો 12 ફેબ્રુઆરીએ હડતાલ પર: બજેટમાં પગાર વધારો જાહેર કરવાની માંગ સાથે રાજકોટમાં ઉગ્ર રજૂઆત

ગુજરાતની 1.40 લાખ આંગણવાડી અને આશા વર્કરો 12 ફેબ્રુઆરીએ હડતાલ પર: બજેટમાં પગાર વધારો જાહેર કરવાની માંગ સાથે રાજકોટમાં ઉગ્ર રજૂઆત

ગુજરાતમાં આંગણવાડી વર્કર, આશા વર્કર અને ફેસિલિટેટર તરીકે સેવા આપી રહેલી અંદાજે 1.40 લાખ બહેનો પોતાના લાંબા સમયથી અટકેલા પ્રશ્નોને લઈને હવે આંદોલનના માર્ગે ઉતરી છે. પગાર વધારો, સામાજિક સુરક્ષા અને કામકાજની સ્પષ્ટ શરતો જેવી મૂળભૂત માંગણીઓ સાથે 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલમાં જોડાવાનું એલાન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ અને કલેક્ટર મારફત રાજ્યના આરોગ્ય મંત્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

યુનિયનના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા 2018 બાદ અને રાજ્ય સરકાર દ્વારા 2022 બાદ આંગણવાડી તથા આશા વર્કરોના માનદ વેતન કે ભથ્થામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે મોંઘવારી સતત વધી રહી છે ત્યારે અત્યંત ઓછી આવકમાં જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે. આવી પરિસ્થિતિમાં આવનારા 16 ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાતના બજેટમાં પગાર વધારાની સ્પષ્ટ જાહેરાત કરવામાં આવે તેવી બહેનોની માંગ છે.

ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના મહામંત્રી અરુણ મહેતાએ જણાવ્યું હતું કે, આંગણવાડી અને આશા વર્કર યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના છે અને છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી આ બહેનો ગામડાંથી લઈ શહેરોની ગરીબ વસાહતોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાની જવાબદારી નિભાવતી આવી છે. રસીકરણ, માતા-બાળ આરોગ્ય, સર્વે કામગીરી અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં તેમની ભૂમિકા અનિવાર્ય છે. કોરોના કાળ દરમિયાન પણ આ બહેનો જીવના જોખમે સતત મેદાનમાં રહી સેવા આપી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, 2018માં છેલ્લો પગાર વધારો મળ્યા બાદ સતત સાત જેટલા બજેટ રજૂ થઈ ગયા છે, છતાં વેતનમાં કોઈ સુધારો થયો નથી. 2022ની ચૂંટણી વખતે પગાર વધારાનું વચન આપવામાં આવ્યું હતું અને 2025માં મુખ્યમંત્રી દ્વારા પણ પ્રશ્નોના ઉકેલ અંગે હૈયાધારણા આપવામાં આવી હતી, પરંતુ આજે સુધી કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી.

આશા અને આંગણવાડી બહેનોનો આરોપ છે કે સરકાર ડિજિટલ કામગીરી માટે દબાણ કરે છે, વિવિધ એપ્લિકેશન મારફત ઓનલાઈન રિપોર્ટિંગ કરાવવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા મોબાઈલ આપવામાં આવતા નથી. બહેનોને પોતાનાં મોબાઈલ અને ઈન્ટરનેટનો ખર્ચ સહન કરવો પડે છે. કામ ન કરો તો પગાર કપાત કે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપવામાં આવે છે, જે અત્યંત અન્યાયપૂર્ણ છે.

હાલમાં આશા વર્કરને સરેરાશ રૂ.5,500, હેલ્પરને રૂ.6,000 અને આંગણવાડી વર્કરને રૂ.10,000 જેટલું જ માસિક વેતન આપવામાં આવે છે, જે લઘુતમ વેતન કરતાં પણ ઓછું છે. ફેસિલિટેટર બહેનો સુપરવાઈઝર કક્ષાની કામગીરી કરતી હોવા છતાં તેમને તે મુજબ પગાર મળતો નથી. યુનિયનનું કહેવું છે કે, 1.40 લાખ બહેનોના પ્રશ્નો હવે અવગણવા યોગ્ય નથી અને સરકારને તાત્કાલિક નિર્ણય લેવો પડશે.
 


આ સંદર્ભે આરોગ્ય મંત્રીને અપાયેલા આવેદનમાં કુલ 17 મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં લઘુતમ વેતન મુજબ પગાર વધારો, ફિક્સ પગારદાર તરીકે નિમણૂક, સમાજ સુરક્ષાના તમામ લાભો, મોબાઈલ અને તાલીમની વ્યવસ્થા, કામના કલાકો નક્કી કરવા, ગ્રેજ્યુઈટી અને પેન્શન યોજના, મોંઘવારી મુજબ ઈન્સેન્ટીવ, યુનિફોર્મ અને સિલાઈ ખર્ચ, બાકી રહેલા ઈન્સેન્ટીવનું ચુકવણું તેમજ પગાર સમયસર ચૂકવવાની માંગ સામેલ છે.

યુનિયને સ્પષ્ટ કર્યું છે કે, જો સરકાર દ્વારા બજેટમાં આ મુદ્દે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો 12 ફેબ્રુઆરીએ નવા મજૂર કાયદાઓના વિરોધમાં યોજાનારી દેશવ્યાપી હડતાલમાં ગુજરાતની તમામ આશા, આંગણવાડી અને ફેસિલિટેટર બહેનો રજા રિપોર્ટ ભરીને કામથી દૂર રહેશે. બહેનોનું કહેવું છે કે, આ લડત માત્ર પગાર માટે નહીં પરંતુ સન્માનજનક જીવન અને ન્યાય માટે છે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો