રાજકોટ કલેક્ટર કચેરી ખાતે 16મા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી, અચૂક મતદાનના સંકલ્પ સાથે 103નું સન્માન

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે 16મા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી, અચૂક મતદાનના સંકલ્પ સાથે 103નું સન્માન

ભારતીય લોકશાહીના પાયાને મજબૂત બનાવતા મતદાનના અધિકાર અને મતદારોના મહત્વને ઉજાગર કરવા માટે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે 16મા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સ્ટાફ, નવા યુવા મતદારો તેમજ વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપસ્થિત સૌએ અચૂક મતદાન કરવાનો શપથ પણ ગ્રહણ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્ટ કલેક્ટર તથા પ્રાંત-2ના અધિકારી સુશ્રી મહેક જૈને પોતાના સંબોધનમાં ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એસ.આઈ.આર. (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) તેમજ મતદાર યાદીની કામગીરીમાં જોડાયેલા સ્ટાફે પોતાની ફરજ કરતાં વધુ મહેનત કરીને જવાબદારીપૂર્વક કામગીરી નિભાવી છે. અનેક બૂથ લેવલ ઓફિસર્સ (બી.એલ.ઓ.)એ વ્યક્તિગત મુશ્કેલીઓ હોવા છતાં ફરજને પ્રાથમિકતા આપી સમર્પણભાવ સાથે કામગીરી કરી છે, જે પ્રશંસનીય છે.
 


સુશ્રી મહેક જૈને નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવતી આ સઘન અને પારદર્શક કામગીરીને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે આવનારી ચૂંટણીઓમાં પોતાનો મતાધિકાર અવશ્ય વાપરવો જોઈએ. મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ લોકશાહીને મજબૂત બનાવવાની જવાબદારી પણ છે.

આ અવસરે ચૂંટણી પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કુલ 103 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 24 બૂથ લેવલ ઓફિસર્સ, ૧૬ બી.એલ.ઓ. સુપરવાઈઝરો, 27 મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ, મતદાર યાદી સંબંધિત કામગીરી કરનાર 27 કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત 08 યુવા નવા મતદારોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની વિશેષ બાબત તરીકે દિવ્યાંગ મતદાર સુશ્રી પૂનમબેન કોરાટનું તેમના સ્થળ પર જઈને સન્માન કરવામાં આવ્યું હતું, જે સમાનતા અને સમાવેશી લોકશાહીના દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. આ સાથે એન.સી.સી. (NCC)ના પ્રતિનિધિનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું, જેમણે મતદાર જાગૃતિ અને રાષ્ટ્રીય ફરજ પ્રત્યે યુવાનોમાં ચેતના ફેલાવવામાં યોગદાન આપ્યું છે.

કાર્યક્રમના આરંભે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે રાષ્ટ્રીય મતદાર દિવસની પૃષ્ઠભૂમિ સમજાવતા જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વની સૌથી મજબૂત લોકશાહી તરીકે ઓળખાય છે, અને તેનું મુખ્ય કારણ વિશ્વસનીય ચૂંટણી તંત્ર તથા પારદર્શક ચૂંટણી પ્રક્રિયા છે. તેમણે ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને મતદારોને રાષ્ટ્રીય મતદાર દિવસની શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને વર્ષ 2011થી દર વર્ષે ૨૫ જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય મતદાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવી, યુવા મતદારોને પ્રોત્સાહિત કરવું અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવાનો છે.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ ઉજવણી લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા, ફરજભાવ અને નાગરિક જવાબદારીનો ઉત્તમ દાખલો બની રહી.
 

You may also like

રાજકોટમાં બપોરે 40 ડિગ્રી સાથે તાપમાનનો કહેર, 14 કિ.મી.ની ઝડપે ફૂંકાતી લૂથી જનજીવન પ્રભાવિત

રાજકોટમાં બપોરે 40 ડિગ્રી સાથે તાપમાનનો કહેર, 14 કિ.મી.ની ઝડપે ફૂંકાતી લૂથી જનજીવન પ્રભાવિત

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઇમારત આસપાસના રસ્તાઓની દિશા અને સંખ્યા પ્રગતિ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરે છે

વાસ્તુશાસ્ત્ર મુજબ ઇમારત આસપાસના રસ્તાઓની દિશા અને સંખ્યા પ્રગતિ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરે છે

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું લોકાર્પણ: PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર દેશને સમર્પિત કર્યો

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું લોકાર્પણ: PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર દેશને સમર્પિત કર્યો