77મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ શહેરકક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન

77મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ શહેરકક્ષાની ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન

દેશભરમાં આજે 77મો પ્રજાસત્તાક દિવસ હર્ષોલ્લાસ અને ગૌરવભેર ઉજવાઈ રહ્યો છે. આ પાવન અવસરે રાજકોટ શહેરકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટ શહેર-1 પ્રાંત અધિકારી સુશ્રી ડૉ. ચાંદની પરમારની અધ્યક્ષતામાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમમાં તિરંગાની શાન, શિસ્તબદ્ધ પરેડ, દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિએ ઉત્સાહભર્યું વાતાવરણ સર્જ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સવારે 9 વાગ્યે પ્રાંત અધિકારી સુશ્રી ડૉ. ચાંદની પરમારના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. રાજકોટ પોલીસ દળ, હોમગાર્ડ્સ તથા ગુજરાત ગર્લ્સ બટાલિયન (એન.સી.સી.)ની ગર્લ્સ કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે રજૂ કરાયેલી માર્ચપાસ્ટે ઉપસ્થિત નાગરિકોમાં દેશભક્તિનો જુસ્સો ભર્યો હતો અને કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.

આ અવસરે પ્રાસંગિક ઉદબોધન કરતાં ડૉ. ચાંદની પરમારે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ એ આપણા લોકતંત્રની મજબૂત આધારશિલા છે. બંધારણ નાગરિકોને અધિકારો આપે છે તો સાથે ફરજો અને કર્તવ્ય માટે પણ માર્ગદર્શન આપે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો બંધારણની ભાવનાને સાકાર કરતાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી રહી છે, જેનો લાભ છેવાડાના અને પછાત વિસ્તારોના લોકો સુધી પહોંચાડવા વહીવટી તંત્ર સતત પ્રો-એક્ટિવ અભિગમ સાથે કાર્યરત છે.
 


તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં સરકારની વિવિધ યોજનાઓનું સુચારુ અને અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે, જેના પરિણામે નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ અને સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. આ વિકાસમાં નાગરિકોની સહભાગિતાનો પણ મહત્વનો ફાળો છે.

દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવાના સંકલ્પ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને 2047માં “વિકસિત રાષ્ટ્ર” બનાવવાનું વિઝન આપ્યું છે. તે જ રીતે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના નાગરિકોને અપીલ કરી છે. આ વિઝનને સાકાર કરવા માટે દરેક નાગરિકે પોતાના કર્તવ્ય અને નાગરિક ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જરૂરી છે.

આ કાર્યક્રમ દરમિયાન દેશની આઝાદી માટે ત્યાગ અને બલિદાન આપનારા રાજકોટના વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું સૂતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન પ્રસંગે ઉપસ્થિત સૌમાં ગૌરવ અને ભાવુકતા છવાઈ ગઈ હતી.

કાર્યક્રમને વધુ આકર્ષક બનાવતા રાજકોટની વિવિધ શાળાઓ દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સુભાષ કન્યા વિદ્યાલય, કલ્યાણ હાઈસ્કૂલ, સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલ તથા ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સંગીતની સુરાવલીઓ સાથે દેશભક્તિની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેનાથી દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. તમામ શાળાઓની રજૂઆતોને પ્રશંસા અને બિરદાવા સાથે સન્માનિત કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં ઉત્તમ કામગીરી કરનારા વિવિધ વિભાગોના કુલ 25 જેટલા કર્મયોગીઓ તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીરોને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે અધિકારીશ્રીઓ તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે.

આ સમગ્ર કાર્યક્રમમાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, મામલતદાર-પૂર્વ શ્રી એન.પી. અજમેરા, મામલતદાર-પશ્ચિમ શ્રી એ.એમ. જોશી, મામલતદાર-દક્ષિણ શ્રી આર.કે. સરવૈયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

77મા પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીએ રાજકોટ શહેરમાં દેશભક્તિ, એકતા અને લોકતંત્રની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
 

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ