શિયાળો જામતા દ્વારકાની ગોમતી નદી પર વિદેશી સીગલ બર્ડના ઝૂંડે છવાયું કુદરતી સામ્રાજ્ય શિયાળુ સૌંદર્યનું અનોખું દૃશ્ય Jan 30, 2026 યાત્રાધામ દ્વારકામાં શિયાળાની ઠંડી જમતાં જ કુદરતી સૌંદર્યમાં અનોખી રમઝટ જોવા મળી રહી છે. ગોમતી નદી તથા દરિયાકાંઠા વિસ્તાર હાલમાં વિદેશી સીગલ બર્ડના વિશાળ ઝૂંડથી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે.છેલ્લા લગભગ બે માસથી ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, નવા ગોમતી ઘાટ તેમજ સમગ્ર દરિયાઈ પટ્ટામાં સેંકડો નહીં પરંતુ હજારોની સંખ્યામાં સીગલ બર્ડ નજરે પડી રહ્યા છે. શિયાળો વધુ જામતા હાલ તેમની સંખ્યામાં વિશેષ વધારો નોંધાયો છે.આ સીગલ બર્ડ મુખ્યત્વે યુરોપ, સાઈબેરીયા, કઝાકિસ્તાન તથા ચીન જેવા અતિશીત પ્રદેશોમાં વસવાટ કરતા પક્ષીઓ છે. શિયાળાની કડાકા ઠંડી શરૂ થતાં જ આ પક્ષીઓ ગરમ હવામાનની શોધમાં હજારો કિલોમીટરનું અંતર કાપી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં આવે છે. દ્વારકા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે દર વર્ષે શિયાળામાં આ વિદેશી પક્ષીઓની હાજરી નોંધપાત્ર રીતે વધી જાય છે.ખાસ કરીને સંગમ નારાયણ મંદિરથી નવા ગોમતી ઘાટ સુધીના વિસ્તારમાં આ પક્ષીઓ ઝૂંડે ઝૂંડ આકાશમાં ઉડતાં જોવા મળે છે. વહેલી સવારે અને સાંજના સમયે ગોમતી નદીના પટ પર તથા નદીના પાણી ઉપર ઉડતાં સીગલ બર્ડનું દૃશ્ય જાણે કુદરતે રચેલું જીવંત ચિત્ર લાગે છે. સફેદ અને રાખોડી રંગના પંખો ફેલાવી ફરતાં આ પક્ષીઓનું દૃશ્ય યાત્રિકો અને પ્રવાસીઓમાં વિશેષ આનંદ જગાવે છે. યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આ દૃશ્ય એક અનોખો અનુભવ બની રહ્યો છે. દરિયાકાંઠે ફરતા પ્રવાસીઓ અને યાત્રિકો સીગલ બર્ડ સાથે તસવીરો ખેંચતા, સેલ્ફી લેતા નજરે પડે છે. ઘણા શ્રદ્ધાળુઓ પક્ષીઓ પ્રત્યે પ્રેમ દર્શાવતા કાજુ, બિસ્કિટ, ગાંઠીયા સહિતના ખાદ્ય પદાર્થો તેમને ખવડાવી આનંદ માણી રહ્યા છે. બાળકો માટે તો આ વિદેશી પક્ષીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.સ્થાનિક લોકોનું માનવું છે કે શિયાળાની ઋતુમાં દરિયાકાંઠે માછલીઓની ઉપલબ્ધિ વધતી હોવાથી સીગલ બર્ડ અહીં લાંબા સમય સુધી રોકાય છે. ગોમતી નદીનો સંગમ વિસ્તાર, ખુલ્લો દરિયાકાંઠો અને શાંત વાતાવરણ આ પક્ષીઓ માટે અનુકૂળ હોવાથી તેઓ અહીં નિર્ભયતાપૂર્વક વસવાટ કરે છે.પર્યાવરણની દૃષ્ટિએ પણ વિદેશી પક્ષીઓનું આગમન મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે વિસ્તારનું પર્યાવરણ સ્વચ્છ અને અનુકૂળ હોવાનો સંકેત આપે છે. શિયાળાના આ દિવસોમાં સીગલ બર્ડની હાજરીએ યાત્રાધામ દ્વારકાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે અને ગોમતી નદી પર જાણે સીગલ બર્ડનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવું મનમોહક દૃશ્ય સર્જાયું છે. Previous Post Next Post