અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠક યોજાઈ

અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠક યોજાઈ

મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેર અને જિલ્લામાં નશીલા દ્રવ્યોના વધતા પ્રભાવને રોકવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા અને સંયુક્ત કામગીરીને વધુ ગતિ આપવા મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિક પોલીસ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘નશામુક્ત ભારત અભિયાન’ને સફળ બનાવવા માટે માત્ર પોલીસ વિભાગ પૂરતો નથી, પરંતુ ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ, સમાજ સુરક્ષા, ફૂડ એન્ડ ડ્રગ્સ, કસ્ટમ, વન વિભાગ સહિત તમામ સંકળાયેલા વિભાગોની સક્રિય અને જવાબદાર ભૂમિકા જરૂરી છે.

શ્રી બગડિયાએ જણાવ્યું હતું કે નશીલા પદાર્થોનો પ્રશ્ન માત્ર કાયદો-વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ સામાજિક અને આરોગ્ય સાથે જોડાયેલ ગંભીર પડકાર છે. ગાંજાના ગેરકાયદે વાવેતર સામે ખેતીવાડી વિભાગે કડક કાર્યવાહી કરે અને સંબંધિત વિસ્તારોમાં નિયમિત ચકાસણી હાથ ધરે તેવા નિર્દેશ આપ્યા હતા. આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ગેરકાયદે કફ સિરપ અને અન્ય મેડિકલ નશીલા પદાર્થોના વેચાણ સામે સઘન તપાસ અભિયાન ચલાવવા સૂચના આપવામાં આવી હતી.

યુવાવર્ગમાં વધતી જતી નશાની લત અંગે ચિંતા વ્યક્ત કરતા અધિક પોલીસ કમિશનરે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના નોડલ અધિકારીઓને શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં નિયમિત ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઇન આયોજિત કરવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓને નશાના દૂષણ અને તેના આરોગ્ય, પરિવાર તથા ભવિષ્ય પર પડતા પ્રભાવ અંગે માહિતગાર કરવા માટે નિષ્ણાતોના વ્યાખ્યાન, કાઉન્સેલિંગ સત્રો અને માર્ગદર્શન કાર્યક્રમો યોજવા સૂચવાયું હતું. તેમણે જણાવ્યું હતું કે જાગૃતિ દ્વારા જ નશાના મૂળને કાપી શકાય છે અને યુવાનોને સકારાત્મક દિશામાં પ્રેરિત કરી શકાય છે.

રેલવે, એરપોર્ટ અને કુરિયર સેવા મારફતે નાર્કોટિક્સ ડ્રગ્સની હેરફેરના વધતા જોખમને ધ્યાનમાં રાખીને પોલીસે સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શહેરના મુખ્ય પ્રવેશદ્વારો, રેલવે સ્ટેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ વોચ રાખવા તેમજ ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત કરવા સૂચના આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન એસ.ઓ.જી.ના પી.આઈ. શ્રી એસ.એમ. જાડેજાએ ચાલુ માસ દરમિયાન હાથ ધરાયેલી એન્ટી-ડ્રગ્સ કામગીરીની વિગત આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કામગીરી હેઠળ ગાંજા અને એમ.ડી. ડ્રગ્સના વેચાણ કરતા આરોપીઓ વિરુદ્ધ 4 કેસ દાખલ કરી એન.ડી.પી.એસ. અધિનિયમ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત શાળા-કોલેજ આસપાસના 100 મીટર વિસ્તારમાં તંબાકુના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં નિયમનો ભંગ કરનાર પાન ગલ્લા સામે કોટપા એક્ટ હેઠળ 323 કેસ નોંધાયા છે અને કુલ રૂ. 64,600નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
 


અધિક પોલીસ કમિશનરે તમામ વિભાગોને સમયાંતરે સંકલન બેઠક યોજી માહિતી વહેંચણી અને કામગીરીની સમીક્ષા કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નશામુક્ત સમાજ નિર્માણ માટે કાયદાકીય કાર્યવાહી સાથે-સાથ સામાજિક જાગૃતિ, પુનર્વસન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ જરૂરી છે. રિહેબિલિટેશન અને મનોચિકિત્સક વિભાગને નશાની લત ધરાવતા વ્યક્તિઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ કરાવવા ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ડી.સી.પી. ઝોન-2 શ્રી રાકેશ દેસાઈ સહિત વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ, કસ્ટમ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, ફોરેન્સિક વિભાગ, સિવિલ અને મહાનગરના આરોગ્ય અધિકારીઓ, કૃષિ અને વન વિભાગના પ્રતિનિધિઓ, તોલમાપ વિભાગ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સિટીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકનો મુખ્ય હેતુ શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થો સામે એકસાથે લડત આપવાની દિશામાં મજબૂત અને સંકલિત વ્યૂહરચના ઘડવાનો રહ્યો હતો. અધિક પોલીસ કમિશનરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ વિભાગોની સંયુક્ત અને સંકલિત કામગીરી દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ને સફળ બનાવી રાજકોટને નશામુક્ત અને સુરક્ષિત શહેર બનાવવા તરફ સકારાત્મક પગલાં ભરવામાં આવશે.

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો