રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિંછીયા અને જસદણ ખાતે ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમ યોજાયો Feb 20, 2026 રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે ત્વરિત અને અસરકારક નિરાકરણ લાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સરપંચો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો અને પારદર્શક સંવાદ સ્થાપિત કરી ગામડાંના પ્રશ્નોને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવાનો છે. કાર્યક્રમ અંતર્ગત આજે વિંછીયા મામલતદાર કચેરી તથા જસદણ પ્રાંત કચેરી ખાતે સંવાદ બેઠક યોજાઈ હતી.બેઠક જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. બંને અધિકારીઓએ સરપંચો સાથે ખુલ્લી ચર્ચા કરી અને ગામડાંના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિંછીયા તાલુકાના આશરે 40 અને જસદણ તાલુકાના અંદાજે 45 જેટલા સરપંચોએ હાજરી આપી પોતાના ગામોના વિવિધ પ્રશ્નો, રજૂઆતો અને સૂચનો રજૂ કર્યા હતા.બેઠકમાં મુખ્યત્વે ગ્રામ્ય સુવિધાઓ અને માળખાકીય વિકાસ સંબંધિત મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. સરપંચોએ ગામોમાં નવા વીજ કનેક્શન મેળવવા, નડતરરૂપ વીજપોલનું સ્થળાંતર કરવા અને વીજ પુરવઠામાં સુધારા અંગે રજૂઆત કરી હતી. કેટલાક ગામોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી પણ કરવામાં આવી, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની રહે. ગામતળના દબાણો દૂર કરવા, ગેરકાયદેસર કબજાઓ સામે કાર્યવાહી કરવા અને સીમ વિસ્તારમાં આવેલા સાંકડા રસ્તાઓને પહોળા કરવાની જરૂરિયાત અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી.પાણી સંબંધિત પ્રશ્નો પણ મહત્વપૂર્ણ રહ્યા હતા. પીવાના પાણીની નિયમિત અને સ્વચ્છ સપ્લાય સુનિશ્ચિત કરવા, જૂની પાઈપલાઈન સુધારવા તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ગટર અને નાળાની વ્યવસ્થા મજબૂત કરવાની માંગણી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા સંબંધિત વિભાગોને સમયબદ્ધ આયોજન સાથે કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.ખેતી અને કૃષિ વિકાસને પ્રાથમિકતા આપતા અધિકારીઓએ પાકને પૂરતું સિંચાઈનું પાણી ઉપલબ્ધ થાય તે માટે ‘સૌની યોજના’ હેઠળ વધુ ગામોને આવરી લેવા પર ભાર મૂક્યો હતો. જળસંચય માટે ચેકડેમોને ઊંડા ઉતારવા, તળાવોનું પુનઃખોદકામ કરવા અને વરસાદી પાણીના સંચય માટે નવી યોજનાઓ અમલમાં મૂકવા સૂચનાઓ આપવામાં આવી હતી. ખેતીમાં આધુનિક પદ્ધતિઓ અપનાવવા, કૃષિ માર્ગદર્શન કેમ્પો યોજવા અને પશુપાલન ક્ષેત્રે સહાય વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.ગ્રામ્ય પરિવહન સુવિધા વધારવા માટે ગામોમાં નવી એસ.ટી. બસ સેવાઓ શરૂ કરવાની માંગણી પર પણ વિચારણા કરવામાં આવી. ખાસ કરીને દૂરસ્થ ગામોમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓને આવાગમનમાં સરળતા રહે તે માટે નિયમિત બસ વ્યવસ્થા શરૂ કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી.આંગણવાડી અને પ્રાથમિક શાળાના અટકેલા બાંધકામો તાત્કાલિક શરૂ કરી પૂર્ણ કરવા બાબતે પણ ભાર મૂકાયો હતો. આરોગ્ય અને પોષણ સેવાઓ ગામડાં સુધી અસરકારક રીતે પહોંચે તે માટે આરોગ્ય વિભાગને સક્રિય કામગીરી કરવા જણાવાયું હતું. સાથે સાથે પ્રાથમિક શિક્ષણના ગુણવત્તા સુધારવા અને શાળા ઈમારતોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ સરપંચોને વિશ્વાસ આપ્યો કે દરેક રજૂઆતનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવશે. ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમ માત્ર ચર્ચા પૂરતો ન રહી, પરંતુ પ્રશ્નોના પ્રાથમિકતાના ધોરણે અમલ માટે જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું હતું કે ગ્રામ્ય વિકાસ માટે સરપંચો અને અધિકારીઓ વચ્ચે સંકલન જરૂરી છે અને આ પ્રકારના સંવાદ કાર્યક્રમો દ્વારા વિકાસ કાર્યોને નવી ગતિ મળશે.કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી કેતનભાઈ જોશી, પ્રાંત અધિકારી શ્રી આર.આર. ખાંભરા, વિંછીયા મામલતદાર શ્રી ઉત્તમભાઈ કાનાણી, જસદણ પૂર્વ મામલતદાર શ્રી આઇ.જી. ઝાલા, નાયબ પશુપાલન અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.‘સરપંચ સંવાદ’ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યોને નવી દિશા મળશે અને ગામડાંના નાગરિકોના પ્રશ્નોનો ઝડપી અને પારદર્શક ઉકેલ શક્ય બનશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રનો આ સકારાત્મક અભિગમ ગ્રામ્ય ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. Previous Post Next Post