ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ વધારવા અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય, મેચના દિવસોએ સેવા લંબાઈ, દર્શકોને મળશે મોટી રાહત Feb 07, 2026 અમદાવાદમાં યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી મેચોને પગલે લાખોની સંખ્યામાં પ્રેક્ષકો અમદાવાદ પહોંચવાના છે. આ ભીડ અને પ્રેક્ષકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્લ્ડ કપ મેચોના દિવસોમાં અમદાવાદ મેટ્રોની સેવા સામાન્ય દિવસોની તુલનામાં મોડા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી મેચ પૂરી થયા બાદ રાત્રે પણ દર્શકો સરળતાથી અને સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકે.GMRC દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, ફેબ્રુઆરી અને માર્ચ 2026 દરમિયાન અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપ મેચોના દિવસોએ મેટ્રો સેવા મધરાત્રિ સુધી ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને 9 ફેબ્રુઆરી, 11 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 18 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 8 માર્ચ 2026 (ફાઈનલ મેચ)ના રોજ મેટ્રો ટ્રેન રાત્રિના 12:30 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. સામાન્ય રીતે અમદાવાદ મેટ્રો રાત્રે 10 વાગ્યે બંધ થઈ જાય છે, પરંતુ આ ખાસ વ્યવસ્થા ક્રિકેટ મેચના કારણે કરવામાં આવી છે.હાલમાં અમદાવાદ મેટ્રો ટ્રેન સેવા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત છે. જ્યારે ગાંધીનગર કોરિડોર પર મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો સેવા સવારે 7:30 વાગ્યાથી સાંજે 7:40 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. પરંતુ મેચના દિવસોએ આ સમયમર્યાદામાં ખાસ ફેરફાર કરીને રાત્રિના મોડા કલાકો સુધી સેવા ચાલુ રાખવામાં આવશે, જેથી ડે-નાઈટ મેચ પછી પણ પ્રેક્ષકોને પરિવહનની મુશ્કેલી ન પડે.GMRC દ્વારા ખાસ સ્પેશિયલ મેટ્રો ટ્રેન સેવાઓ પણ જાહેર કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડે અથવા નાઈટ મેચના દિવસોએ રાત્રિના સમય દરમિયાન નીચે મુજબના રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તરફ રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:20 વાગ્યા સુધી ટ્રેન મળશે. ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ તેમજ થલતેજ ગામ તરફ રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. ઉપરાંત ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર તરફ મધ્યરાત્રિના 11:40 વાગ્યે અને 12:10 વાગ્યે બે વધારાની મેટ્રો ટ્રેન ચલાવવામાં આવશે.મેટ્રોમાં પ્રવેશ બાબતે પણ ખાસ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાવેલા સમયમાં મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મેટ્રોમાં બેસી શકશે. ત્યાંથી તેઓ અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર – મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તથા વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ – પરના કાર્યરત કોઈપણ સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે.GMRC દ્વારા મુસાફરોની સુવિધા માટે ખાસ સ્પેશિયલ પેપર ટિકિટ પણ જાહેર કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ મેચના દિવસોએ રાત્રે પરત ફરવા માટે આ ખાસ પેપર ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ ટિકિટ દ્વારા મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ તથા ગાંધીનગરના નિર્ધારિત સ્ટેશનો સુધી વિસ્તૃત સમયગાળા દરમિયાન મુસાફરી કરી શકાશે.મહત્વની વાત એ છે કે રાત્રે 10 વાગ્યા સુધી સામાન્ય સ્માર્ટ કાર્ડ, ટોકન અને QR ટિકિટ માન્ય રહેશે, પરંતુ 10 વાગ્યા પછી મેટ્રોમાં પ્રવેશ માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. મુસાફરોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે તે માટે GMRCએ સલાહ આપી છે કે આ સ્પેશિયલ પેપર ટિકિટ મેચના દિવસે અગાઉથી પસંદગીના મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી લઈ લેવી.GMRCનો આ નિર્ણય ક્રિકેટ પ્રેમીઓ માટે મોટી રાહત સમાન છે. એક તરફ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ટળશે, તો બીજી તરફ પ્રેક્ષકોને સલામત અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. વર્લ્ડ કપના રોમાંચ સાથે અમદાવાદ મેટ્રોની આ ખાસ વ્યવસ્થા શહેર માટે પણ એક સકારાત્મક ઉદાહરણ બનશે. Previous Post Next Post