દેશમાં આગામી માર્ચથી 'બેરિયર-ફ્રી' ટોલ વ્યવસ્થા અમલી Sep 12, 2026 નવી દિલ્હી,ટોલ પ્લાઝા પર વાહનોને નહીં રોકવું પડે, સમય અને બળતણ બંનેની થશે બચતદેશના નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ટૂંક સમયમાં જ એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. આગામી માર્ચ મહિનાથી દેશભરમાં અત્યાધુનિક 'બેરિયર-ફ્રી' ટોલ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ વાહનચાલકોએ ટોલ પ્લાઝા પર લાંબી કતારોમાં ઊભા રહેવાની કે પેમેન્ટ માટે વાહન રોકવાની કોઈ જ જરૂર રહેશે નહીં.ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આ અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થા શરૂ થવાથી હાઈવે પર વાહનોની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. હાલમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ કે અન્ય માધ્યમોથી પેમેન્ટ કરવા માટે વાહનોની ગતિ મંદ કરવી પડે છે અથવા થોડીવાર ઊભું રહેવું પડે છે, જેના કારણે પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તેમજ સમય અને ઇંધણનો પણ બગાડ થાય છે. આ નવી બેરિયર-ફ્રી સિસ્ટમ શરુ થવાથી વાહનો કોઈપણ અડચણ કે રોકાણ વગર ટોલ નાકા પાસેથી પસાર થઈ શકશે અને ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ટોલ ટેક્સની રકમ કપાઈ જશે. સરકારના આ પગલાથી મુસાફરોનો કિંમતી સમય બચશે અને હાઈવે પર પરિવહનને વધુ આધુનિક તથા પારદર્શક બનાવવામાં મોટી મદદ મળશે.